Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

હાથીઓ-વાંદરાઓનું શ્રીલંકા અનોખું

 
Source: Aaspas, Kanti Bhatt   |   Last Updated 12:40 AM [IST](20/08/2010)
 
 
 
 
 
શ્રીલંકનો હવે યુધ્ધના ધોરણે ક્રિકેટમાં નંબર વન થવા માગે છે

કવિ વિલિયમ યીટસે ૧૯૧૬માં સરસ પંક્તિ લખેલી-એ વેરી લોંગ સેક્રીફાઈસ કેન મેઈક હાર્ટ એ સ્ટોન. અર્થાત્ તમે તમારા કુટુંબ માટે કે દેશ માટે લાંબો સમય અર્થહીન ભોગ આપો છો તે પછી નિરાશ થાઓ છો અને ત્યારે જ તમારું હૃદય પથ્થર જેવું બની જાય છે. કવિની આ ઉક્તિ શ્રીલંકાને અનેક રીતે લાગુ પડે છે. માત્ર સવા બે કરોડની વસતિ ધરાવતા આ સ્વર્ગ જેવો દેશ જે રાવણના વખતમાં અને પછી લાંબો સમય સુવર્ણનગરી હતી.

તેણે અનેક જાતનાં વ્યર્થ બલિદાનો જોયાં છે. ચારેકોર હરિયાળી, સમુદ્ર કાંઠે ઝૂમતાં નાળિયેરીનાં વૃક્ષો, એલચી, લવિંગ, તેજાના અને ખાસ કરીને જગતની ઉત્તમ ચા પકવતો આ દેશ જ્યાં હાથીઓ અને વાંદરાઓ આજે પણ તમે કોઈ પણ શ્રીલંકન પ્રદેશમાં જાઓ ત્યાં મુક્ત વિહાર કરે છે. તેને માત્ર ૩૫ લાખની વસતિ ધરાવતા તમિળોના વ્યાઘ્રોએ રગદોળ્યો હતો. ૬૦,૦૦૦ જેટલા તમિળો અને સિંહાલી-સૈનિકોના જાન ગયા.

શ્રીલંકાની સુવર્ણભૂમિ યાતનાભૂમિ થઈ ગઈ. જે કોઈ મદદ ચડે તે પણ બલિ બની જતો. આજે તમિળ ટાઈગરોને પાપે ૩ લાખ તમિલયનો શ્રીલંકાની સરકારના નજરકેદી છે. આર્થિક બરબાદી અને અનેક નાહકનાં બલિદાનો છતાં શ્રીલંકાના પુરુષાર્થી સિંહાલીયનો પરદેશમાં કમાઈને શ્રીલંકાનાં ભાંડુઓને અઢળક નાણાં મોકલે છે. શ્રીલંકા તેની કુદરતી સંપત્તિમાંથી નિકાસ કરીને જે ડોલર કમાય છે તેનાથી વધુ કમાણીનાં નાણાં સિંહાલીઓ પરદેશથી શ્રીલંકા મોકલે છે.

સવા અબજની વસતિવાળો ભારત જે સુજલામ્ સુફલામ્ ગણાય છે તે દેશ માત્ર સવા કરોડ સિંહાલીઓમાંથી ત્રણ ધુરંધર બોલરો પેદા કરી ગયો છે. શ્રીલંકાએ કંઈ નહીં તો ક્રિકેટમાં નામ ઊજળું કરી બતાવ્યું છે. ત્યાંની ક્રિકેટ ટીમ સતત મુરલીધરનને યાદ કરતી નથી. ક્રિકેટને પણ સિંહાલીઓ યુદ્ધને ધોરણે રમે છે. સેહવાગને સદી કરવા ન દીધી તે યુદ્ધનીતિ હતી. આપણા ભારત દેશની શું ટેવ છે? એલબર્ટ હુબાડે નામના વિદ્વાને કહેલું કે ‘આપણે મરી ગયેલા બલિદાનીઓને કે કીર્તિમંતોને સતત યાદ કરીએ છીએ પણ જીવતા હોય તેવા હીરોને યાદ કરતા નથી કે કોઈ નવો હીરો પેદા કરતા નથી.

આ વાત ક્રિકેટ જ નહીં ભારતમાં તમામ ક્ષેત્રે લાગુ પડે છે. આપણે શ્રીલંકાને હવે એક જોવા જેવો અને માણવા જેવો દેશ છે તેને જાણીએ. શ્રીલંકનોએ તમિળ ટાઈગરો સામે ખૂબ સહન કર્યું છે. હવે તે યુદ્ધને ધોરણે ક્રિકેટમાં નંબર વન બનવા માગે છે. વીરેન્દ્ર સેહવાગ સેન્ચુરી માટે હૈયા બળતરા ન કરે. સર સલામત તો સેન્ચુરીયા બહોત. ન્યુ યોર્ક ટાઈમ્સે એક મહિના પહેલાં જગતના શ્રેષ્ઠ રમણીય સ્થળો માણવા જેવાં છે તેવા ૨૦ દેશોનું લિસ્ટ આપેલું તેમાં શ્રીલંકાને પ્રથમ નંબર આપેલો. આ દેશ જુના ઈતિહાસથી ભરેલો છે. મહાન અવકાશ-વિજ્ઞાની સર આર્થર સી. કલાર્ક એક જગપ્રવાસી અને ભવિષ્યવેત્તા તરીકે શ્રીલંકા આવ્યા અને અહીંના કેન્ડી નામના અતિ રમણીય પ્રદેશમાં ૧૯૫૬થી મરતા સુધી (૨૦૦૮ સુધી) રહ્યા. તેમણે આ દેશને અપનાવી લીધો.

ખ્રિસ્તીઓ અને મુસ્લિમો કહે છે કે આદિ માનવ એટલે કે આપણો પિતામહ જે આદમ કહેવાતો તેણે ગાર્ડન ઓફ ઇડન (સ્વર્ગ) છોડવું પડ્યું અને તે પડીને સિલોન-શ્રીલંકા આવ્યો. અહીં તેને ઇવ મળી ગઈ. પછી શ્રીલંકાની ટેકરી ઉપર રહીને તેણે પ્રજોત્પતિ કરી. બીજી એક દંતકથા એમ પણ છે કે આદમે સ્વર્ગમાં ઈશ્વર આજ્ઞા ન માની એટલે તેને સ્વર્ગમાંથી ફેંકવામાં આવ્યો અને તે શ્રીલંકાની ૭૩૬૦ ફૂટ ઊંચી ટેકરી (કેન્ડી પ્રદેશની) પર તપશ્વર્યા કરવા માંડ્યો.

શ્રીલંકાના આ પ્રદેશમાં તમે ચાના ભરપૂર બગીચાઓ પસાર કરીને પહોંચી શકો. ત્યાં ટેકરી પર બે મોટા પથ્થર ઉપર માનવનાં પગલાં દેખાય છે. મુસ્લિમો તેને આદમનાં પગલાં માને છે. બૌદ્ધ ધર્મીઓ તેને ગૌતમ બુદ્ધનાં પગલાં માને છે. આ ટેકરીને આજે પણ આદમની ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. આ લેખક ભાગ્યશાળી હતો કે યુવાન વયે ૧૯૬૦માં તેને આ આદમની ટેકરી, ચાના બગીચા અને શ્રીલંકાનો ચારેકોરથી ખુલ્લા દરિયાનો બીચ જોવા મળેલો. પોર્ટુગલો અને પછી અંગ્રેજોને આ દેશમાં પાકતા તજ, લવિંગ, મરી-મસાલા અને ‘ઓરેન્જ-ટી’ની જરૂર હતી ત્યારે ભારત સાથે આ દેશને ગુલામ કરેલો.

ભારતના દાર્જિલિંગ કે કાશ્મીરમાં જવા કરતાં શ્રીલંકા સસ્તું છે. દક્ષિણ ભારતના લોકો અહીં યાત્રાએ આવે છે. ઉત્તર ભારતથી અહીં શ્રાવણમાં આવતા ઘણા શ્રદ્ધાળુ શિવભક્તો ૮૦૦૦ ફૂટ ઊંચી ટેકરી પગે ચઢીને જાય છે. મારો અનુભવ છે કે હરગીઝ થાક લાગતો નથી. આદમની ટેકરી પર ચઢતાં જ તમને અનેરો રોમાંચ થાય છે. ટેકરીના આખરી પગથિયાં ચઢતાં પહેલાં તમને રસ્તામાં પાણીના કુદરતી ધોધ જોવા મળે છે જે ધોધ તમને હાલમાં ન્યુઝીલેન્ડ-ભારત-શ્રીલંકાની મેચો બતાવનારા ટીવીવાળા અવારનવાર બતાવે છે. આ ધોધમાં નહાવાથી તમારો ૮૦૦૦ ફૂટનો થાક ઉતરી જાય છે.

રસ્તામાં થાક લાગે ત્યારે ટેકરીના દરેક વિરામ સ્થાને મળતી અસ્સલ સિલોનીઝ ચાની તાજી પાંદડીમાંથી બનેલી ચા તમારો થાક ઉતારી નાખે છે. એવી શ્રદ્ધા છે કે આ ટેકરી ઉપર ૪૦ વખત યાત્રા કરનાર કદી જ બીમાર પડતો નથી. કેન્ડી પ્રદેશના અસલી રાજા શ્રી વિક્રમ રાજસિંહ બુદ્ધના પ્રેમી હતા. તેમણે બુદ્ધના એક દાંતને રોયલ પેલેસમાં સાચવેલો. હવે તો કેન્ડીના અસગિરિયા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચો રમાય છે. ૨૦૧૧માં ક્રિકેટ વર્લ્ડ કપ રમાય ત્યારે જરૂર તમે કેન્ડી પ્રદેશ જોજો.

આ કેન્ડી પ્રદેશ એવો છે જ્યાં વિશાળ તળાવો, નદી અને દરિયાના બીચનાં પવિત્ર જળ એક સાથે માણવા મળે છે. બુદ્ધના દાંતનું મંદિર દર્શન માટે છે. ન્યુ યોર્ક ટાઈમ્સે શ્રીલંકાને યોગ્ય રીતે જગતના બેસ્ટ ટુરિસ્ટ સ્પોટ તરીકે પસંદ કર્યું છે. હું તેને યાત્રાધામ કહું છું. કેન્ડીથી ૫ કિલોમીટર દૂર તમને રોયલ બોટનીકલ ગાર્ડન જોવા મળશે. ત્યાં તમને જગતની ઉત્તમોત્તમ વનસ્પતિ જોવા મળશે. ધમ્મકુટા સ્થળે (કેન્ડીમા) તમને વિપસ્યના મેડિટેશન સેન્ટરમાં ધ્યાન ધરવા મળે છે.

જગતમાં કોઈ પણ સ્થળ કરતાં અહીં તમે બે સેકન્ડમાં જ ધ્યાનસ્થ થઈ જાઓ છો. અહીં મુઢ્ઢીભર ગુજરાતી છે. દાઉદી વહોરા મોટી સંખ્યામાં છે જે છેક ૧૮૯૭થી અહીં વેપાર કરવા આવેલા. તમને પ્રેમથી જમાડશે. એ.એચ.એસ.જીવણજી અને ટી.એ.જે. નુરભાઈ વગેરે અહીંથી ચા, સોપારી, કોપરેલ તેલ તેમ જ તેજાના નિકાસ કરતા અને ચોખા, આંબલિ આયાત કરતા. કોઈ બુદ્ધધર્મી યજમાન મળે તો તમને ચોખા અને કોપરાના દૂધની ખીર ખાવા મળશે. ફરી ફરી પ્રાર્થના કરું છું ક્રિકેટના બહાને શ્રીલંકા જાઓ. યાત્રા થશે. ત્યાંના ક્રિકેટરોને મમતાથી જુઓ.

આસપાસ, કાન્તિ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.