ભારતીય અધિકારીઓની બિનકાર્યક્ષમતા એટલી બદનામ થયેલી છે કે તાજેતરમાં જ હોંગકોંગની એક સલાહકાર એજન્સીએ એશિયાના દેશોની યાદીમાં ભારતીય બાબુશાહીને સૌથી છેલ્લી પાયરીઓ મૂકી છે. આથી બાબુઓ પર ગાળિયો મજબૂત કરવો જરૂરી માનવામાં આવી રહ્યું છે. જોકે પ્રજાના વધતા જતા દબાણ વચ્ચે સરકાર પણ કેટલાંક અન્ય પગલાં ભરવા જઈ રહી છે. જેમાં એક નિયમ એવો પણ છે કે હવે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ તથા અન્ય ઉચ્ચ સેવાના અધિકારીઓને નોકરીમાંથી અધવચ્ચે રિટાયર કરી શકાશે.
૧૫ અને ૨૫ વર્ષની નોકરી બાદ તેમના કામકાજની સમીક્ષા કરવામાં આવશે. જો અધવચ્ચે ફરિયાદ મળી તો પણ આવી સમીક્ષા કરાશે. જો અધિકારી બિનકાર્યક્ષમ પુરવાર થશે તેને ત્રણ મહિનાની નોટિસ આપીને તાત્કાલિક સેવાનિવૃત્ત કરી દેવાશે. આ પગલું બીજા વહીવટી સુધારણા પંચની ભલામણ અનુસારનું છે. જાણવા મળ્યા મુજબ આ બાબતે રાજ્ય સરકારોએ પણ ઉત્સાહ દેખાડ્યો છે. પરંતુ શું આમ થતાં બાબુશાહી સાથે જોડાયેલી તમામ ફરિયાદોનો ઉકેલ મળી જશે? એક મોટી સમસ્યા અધિકારીઓના કામકાજમાં નેતાઓની કારણ વગરની દખલ પણ છે.
બાબુઓને સંપૂર્ણપણે જવાબદાર ત્યારે જ ઠેરવી શકાય જ્યારે તેમને નક્કી કરેલા દાયરામાં કામ કરવાની જરૂરી સ્વતંત્રતા પણ મળેલી હોય. નવો નિયમ આડે આવતા અધિકારીઓને ઘેર બેસાડવા માટે અને સમગ્ર અધિકારીવર્ગમાં એક ભયનો માહોલ પેદા કરવાનું માધ્યમ ન બનવો જોઈએ.
બીજી આશંકા એવી પણ છે કે આ નિયમ સરકારને અદાલતોના કેસમાં ફસાવી દેશે, કેમકે જે અધિકારીઓ પર આવી કાર્યવાહી કરાશે તેઓ અદાલતની શરણમાં જરૂર જશે. જો સરકાર આ બધી બાબતો અંગે પણ કોઈ વિચારણા કરી હોય તો તેને પણ સાર્વજનિક કરવી જોઈએ. બાબુશાહી કાયદાના નિયંત્રણમાં રહે જરૂરી છે પરંતુ એમ કરવા જતાં તેમના પર રાજકીય ગાળિયો ન બની જાય એ પણ જોવાનું રહેશે.