સરકારી વિભાગો, બેન્કો અને જાહેર કચેરીઓમાં ભ્રષ્ટાચારનો ખુલાસો જોખમ ભરેલો ન રહે તેને માટે સરકારે એક અસરકારક પગલું ભર્યું છે. જેને લોકસભાએ મંજૂરીની મહોર મારી દીધી છે. લોકપાલ બિલના હોબાળામાં આ મહત્વનું પગલું સામાન્ય ચર્ચામાં ક્યાંય દબાઈને રહી ગયું છે. ‘વ્હિસલબ્લોઅર્સ સુરક્ષા ખરડો-૨૦૧૧’ કાયદાનું સ્વરૂપ લીધા બાદ એવા લોકો માટે એક મજબૂત કવચ બની શકે છે જે પોતાની આજુબાજ ચાલી રહેલા ભ્રષ્ટાચારની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપવાનું સાહસ દેખાડે છે.
આ બિલ અનુસાર ભ્રષ્ટાચારની વ્યાખ્યામાં હવે ફકત લાંચ લેવાનો જ સમાવેશ નહીં થાય પરંતુ કોઈ પણ સ્વરૂપે પોતાના અધિકાર કે વિવેકાધિન સત્તાનો દુરુપયોગ, જેનાથી સરકારને નુકસાન થતું હોય કે સંબંધિત અધિકારી કે કોઈ ત્રીજા પક્ષને ફાયદો પહોંચતો હોય, તે ભ્રષ્ટાચારના દાયરામાં આવી જશે. આ અંગે ક્યા વિભાગમાં ક્યા અધિકારીને માહિતી આપવાની રહેશે એ પણ સ્પષ્ટ કરી દેવાયું છે. આવી માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. તેના નામને જાણીજોઈને કે બેજવાબદારીપૂર્વક જાહેર કરનારા અધિકારી વિરુદ્ધ સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આ બિલના દાયરામાં મંત્રીઓ, સાંસદો, સંરક્ષણ સેવાઓ તથા ગુપ્તચર એજન્સીઓને પણ મૂકવામાં આવી છે, તેનાથી સર્વોચ્ચ પદ પર રહેલા લોકોને બચાવેલા રાખવાની ફરિયાદ દૂર થઈ ગઈ છે. જોકે, ન્યાયતંત્ર પર આ કાયદો લાગુ થશે નહીં. આશા છે કે ભવિષ્યમાં આ અંગેની જોગવાઈ પણ સંબંધિત બિલમાં કરવામાં આવશે. સમગ્ર વહીવટમાં જે રીતે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે તેનાથી લડવાના ઉપાયોને પણ એટલા જ મજબૂત અને વ્યાપક બનાવવા પડશે. વ્હિસલબ્લોઅર્સ બિલ આ દિશામાં ઉઠાવેલું પ્રથમ પગલું છે, જેને મંજૂર કરાવવા માટે સરકાર અભિનંદનને પાત્ર છે. સરકારે આ દિશામાં હજુ વિસ્તૃત પગલાં લેવાની જરૂર છે જેથી કોઈ પણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારી ખુદને સુરક્ષિત ન અનુભવી શકે.