પરિવહનની નાગચૂડ અને પ્રદૂષણને કારણે ભારતીય શહેરોમાં રહેવાની સ્થિતિ ખરાબ થઈ ગઈ હોવાની ફરિયાદ સામાન્ય થઈ ગઈ છે. હવે આયોજન પંચની એક ટીમે આ અંગે કેટલાંક મહત્વના સૂચનો આપ્યાં છે. આ ટીમ દિલ્હીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને સમયમર્યાદામાં લાગુ કરવા માટે ચર્ચિત ઈ. શ્રીધરનની અધ્યક્ષતામાં બની હતી. આ ટીમે સૂચન કર્યું છે કે પેટ્રોલ પર દર લિટરે R ૨નો ગ્રીન ટેક્સ લાગુ કરવો જોઈએ તથા પેટ્રોલથી ચાલતી કારની ખરીદીના સમયે સાડા સાત ટકા અને ડીઝલ કારની ખરીદી પર વીસ ટકા શહેરી પરિવહન ટેક્સ લાગુ કરવો જોઈએ.
બધા જ ખાનગી વાહનો પાસેથી વાર્ષિક ત્રણ ટકાના દરે ગ્રીન ટેક્સ લેવાની પણ ભલામણ કરાઈ છે, જે વીમા કંપનીઓ દ્વારા વાહનોની નક્કી કરાતી કિંમતને આધારે હશે તથા તેને વસૂલ કરવાની જવાબદારી વીમા કંપનીની રહેશે. ટીમનાં સૂચનોનું પ્રથમિક લક્ષ્ય જાહેર પરિવહન સેવાના પ્રોજેક્ટો માટે નાણાં એકઠા કરવાનું છે. તેમનું અનુમાન છે કે જો આ ભલામણો લાગુ કરી દેવામાં આવે તો ૧૨મી પંચવર્ષીય યોજનામાં બે લાખ ૩૫ હજાર કરોડ રૂપિયા અને આગામી વીસ વર્ષમાં ૨૨ લાખ ૪૦ હજાર કરોડ રૂપિયા એકઠા કરી શકાશે.
એ વાત તો સાચી જ છે કે આગામી સમયમાં શહેરી પરિવહન ક્ષેત્રે મોટા રોકાણની જરૂર પડશે, જેને સરકારી બજેટથી પૂરું કરવું અશક્ય હશે. આથી નાણાં એકઠા કરવાની રીતો અંગે પણ વિચારવું પડશે. સાથે જ સબસિડાઈઝ ડીઝલનો ખાનગી પરિવહનમાં ઉપયોગ ઘટાડવામાં આવે તે પણ રાષ્ટ્રીય માગ છે. માર્ગો પરથી વાહનોની ભીડ ઓછી થાય અને શહેર પ્રદૂષણમુકત બને એ કારમાલિકો સહિત આપણા સૌના હિતમાં છે. આ લક્ષ્યો પ્રાપ્ત કરવાથી શહેરોને દીર્ઘકાલીન લાભ થશે.
આથી આ અંગે બધા જ વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. શ્રીધરન અને તેમની ટીમે કરેલા સૂચનોને પ્રારંભથી જ ફકત એટલા માટે ફગાવી દેવા ન જોઈએ કે તેને લાગુ કરવાની થોડી કિંમત આપણે સૌએ ચૂકવવી પડી શકે છે. આ સૂચનો પર સંપૂર્ણ ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ.