ચીનના શહેર યિવુમાં બે અઠવાડિયા સુધી બંધક બનાવેલા બે ભારતીય વેપારીઓને ત્યાંથી ભલે સુરક્ષિત કાઢી લેવાયા હોય પરંતુ તેમની મુસીબત હજુ પૂરી થઈ નથી. ભારત સરકારના રાજકીય દબાણ બાદ આ વેપારીઓને શાંઘાઈ લાવવામાં આવ્યા હતા પરંતુ ત્યાર બાદ પોતાના વેપારીઓના સંતોષ માટે ચીનના અધિકારીઓએ જાહેરાત કરી દીધી છે કે, ચુકવણીના વિવાદમાં ફસાયેલા વેપારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ પણ ભારતીય વેપારીઓના દસ્તાવેજ જપ્ત કરી લેવાયા છે.
આ બંને વેપારી યમનની એક કંપની માટે કામ કરતા હતા. યમનમાં ગયા વર્ષે થયેલી ઊથલ-પાથલ દરમિયાન એ કંપનીએ ચીનમાંથી ઉઠમણું કરી લીધું, જેની પાસેથી ચીનના વેપારીઓને લગભગ ૧૫ લાખ ડોલર લેવાના નીકળે છે. ચીનના વેપારીઓ હવે આ રકમ ભારતીય વેપારીઓ પાસેથી વસૂલવા માગે છે. તેને માટે તેમણે કાયદો હાથમાં લઈ લીધો હતો. તેમણે ભારતીય વેપારીઓનું અપહરણ કરીને તેમને બંધક બનાવ્યા અને તેમના પર શારીરિક અત્યાચાર પણ ગુજારવામાં આવ્યો હતો.
આટલું જ નહીં તેમની મદદ કરવા ગયેલા ભારતીય વ્યાપાર દૂતાવાસના અધિકારી એસ. બાલચંદ્રન સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આ પ્રકરણે ચીન સાથે વેપાર કરવા પાછળ છુપાયેલાં જોખમો ઊઘાડાં પાડ્યાં છે. જો વેપાર દરમિયાન ભારતીય વેપારીઓ જરા અમથી પણ ભૂલ કરી બેસે છે તો તેમને બચાવનાર કોઈ નહીં મળે.
તેમની ભૂલ છે કે નહીં અને છે તો તેની સજા શું હોઈ શકે છે, તેને નક્કી કરવાની રીત કઈ હોવી જોઈએ? આખરે ચીનમાં કાયદો અને ન્યાય વ્યવસ્થાનું કોઈ મહત્વ છે કે નહીં? શું ત્યાં તંત્ર અને સમાજની નજરે વિદેશીઓ, ખાસ કરીને ભારતીયો પ્રત્યે સંવેદનશીલતાનો સંપૂર્ણ અભાવ છે? યિવુની ઘટનાએ આ સવાલ પેદા કર્યા છે. અત્યારે સૌથી મોટો પડકાર બંને ભારતીયોને પાછા લાવવાનો છે. આ ઘટના જોતાં એ સમજી શકાય કે ચીન સાથે વેપાર કરતાં સમયે ફૂંકી-ફૂંકીને આગળ વધવું જોઈએ.