વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણામંત્રી પ્રણવ મુખર્જીએ ઉચિત સમયે હસ્તક્ષેપ કરીને એક સાકારાત્મક પહેલ કરી છે. કૌભાંડો અને વહીવટી નિષ્ફળતાથી ખરાબ થયેલી છબી પર અરીસામાં જોવાને બદલે વિવિધ મંત્રીઓ પોતાની મુશ્કેલીઓ માટે ન્યાયતંત્ર અને બંધારણીય સંસ્થાઓને માથે જવાબદારી નાખી રહ્યા હતા. એવા સમયે આ હસ્તક્ષેપ જવાબદારી અને લોક-લાગણીઓના સન્માનની દિશામાં એક મહત્વનો પ્રયાસ છે.
વડાપ્રધાને જણાવ્યું છે કે મંત્રીઓ દ્વારા વ્યક્ત કરાયેલા નાના-મોટા વિચારો પર તેઓ કશું કહેવા માગતા નથી પરંતુ, ‘એક સરકારના સ્વરૂપમાં અમે ન્યાયતંત્રનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ.’ ટીમ અણ્ણાની ટીકા કરવાને બદલે વડાપ્રધાને ભ્રષ્ટાચારવિરોધી વાતાવરણ ખડું કરવામાં તેમની ભૂમિકાનો સ્વીકાર કર્યો અને જણાવ્યું કે, ‘અણ્ણાના આંદોલને પોતાનો ઉદ્દેશ પૂરો કર્યો છે.
કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલે (સીએજી) ૨-જી સ્પેકટ્રમ કૌભાંડ, કાવેરી-ગોદાવરી બેઝિન તેલ કોન્ટ્રાકટ આપવામાં પક્ષપાત તથા ભ્રષ્ટાચારના બીજા અનેક ગંભીર કેસો બહાર લાવવામાં સક્રિય ભૂમિકા નિભાવી છે.’ પરંતુ તેને લીધે તેના અધિકાર ક્ષેત્ર તથા કાર્યપદ્ધતિ અંગે સત્તામાં રહેલા પક્ષ તરફથી કેટલાક સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
આ અંગે પ્રણવ મુખર્જીએ જણાવ્યું કે, સીએજી પોતાના અધિકાર ક્ષેત્રના દાયરામાંથી બહાર નથી નીકળી રહી. ન્યાયતંત્ર, બંધારણીય સંસ્થાઓ અને સિવિલ સોસાયટી પ્રત્યેનું આ વલણ રાજકીય સમજ પેદા કરવા અને લોકતાંત્રિક સંવાદ બનાવવાનો નવો આધાર બની શકે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ અને બીજા મહત્વના મુદ્દાઓ પર અત્યારે આ પ્રકારની વ્યાપક સહમતિની જરૂર છે. જોકે આ બધું ત્યારે જ શક્ય બની શકે જ્યારે વિરોધ પક્ષ અને સિવિલ સોસાયટી પણ આવા જ સકારાત્મક દ્રષ્ટિકોણનો પરિચય આપે. સામાન્ય લોકો સમસ્યાઓનું સમાધાન ઇચ્છે છે. તેમાં વિઘ્નરૂપ બનનારી કોઈ પણ રાજકીય તાકાત રાજકીય લાભની આશા પણ રાખી શકે નહીં.