સાયરસ મિસ્ત્રીના હાથમાં દેશનું એક મોટું ઔદ્યોગિક ગૃહ નહીં પરંતુ એક લાંબો વારસો પણ આવશે. આ એક એવો વારસો છે જેને સંભાળવાની તક કોઈના પુત્ર કે પુત્રી હોવાથી મળતી નથી. રતન તાતાએ જ્યારે નિવૃત્ત થવાની જાહેરાત કરી ત્યારે તેમણે સવા ચાર લાખ કરોડ રૂપિયાની કંપની ‘તાતા સન્સ’ના નવા ચેરમેન નીમવા માટે એક સમિતિ બનાવી હતી. લાંબી ચર્ચા અને અનેક નામો પર વિચારણા બાદ ૪૩ વર્ષના સાયરસ મિસ્ત્રીનું નામ બહાર આવ્યું છે, જેમના અંગે જાહેર જીવનમાં લોકો બહુ ઓછું જાણે છે.
સંભવત: આ કારણે જ તેઓ તાતા જુથની જુની પરંપરા અનુસાર પ્રચાર અને ગ્લેમરથી દૂર રહીને વ્યવસાયમાં મન લગાવે છે. રતન તાતાએ પોતાના ૨૦ વર્ષના નેતૃત્વકાળમાં કંપનીને જે મુકામે પહોંચાડી છે ત્યાંથી આગળ વધારવા માટે આવા ગુણોની જ જરૂર પડશે. રતન તાતાના સમયમાં જ તાતા સન્સ એક આંતરરાષ્ટ્રીય કંપની બની છે. તેમણે ટેટલી ગ્રુપ, કોરસ અને લેન્ડ રોવર-જગુઆર જેવી મોટી કંપનીઓ ટેકઓવર કરવાની સાથે જ પોતાનો દાયરો આખી દુનિયામાં ફેલાવી દીધો.
નિષ્ણાતો જણાવે છે કે જેઆરડી તાતાના સમયમાં આ જુથ વિવિધ કંપનીઓના એક સંઘના સ્વરૂપમાં કામ કરતું હતું, જ્યારે રતન તાતાએ તેના સંચાલનનું કેન્દ્રીયકરણ કર્યું અને વ્યવસાયને એક સ્પષ્ટ દિશા આપી. તાતા સન્સમાં સૌથી વધુ શેર ધરાવતા પાલોનજી શાપૂરજી મિસ્ત્રીના પુત્ર સાયરસ પાસે અત્યારે તો રતન તાતાના સાંનિધ્યમાં રહીને આગામી પડકારો અનુસાર વ્યવસાયનો વિકાસ કરવાના નુસખા શીખવા માટે એક વર્ષનો સમય છે.
તાતા સન્સ જ નહીં પરંતુ આખો ભારત દેશ તેમની પાસે અપેક્ષા રાખી રહ્યો છે કે તેઓ પોતાના પુરોગામી જેવું કૌશલ્ય દાખવીને આગામી દાયકાઓમાં જુથને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. તેમના હાથમાં કોઈ સામાન્ય કંપની નહીં પરંતુ ખાનગી ક્ષેત્રનું એક એવું જુથ છે જેણે ભારતના ઔદ્યોગિક વિકાસની જમીન તૈયાર કરવામાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવી છે.