પછાતપણાને કારણે બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશને ‘બીમાર’ રાજ્ય કહેવાની પ્રથા ચાલી હતી. પરિસ્થિતિ આજે પણ બદલાઈ નથી. માનવ વિકાસ સૂચકાંક સંબંધિત રિપોર્ટો આ રાજ્યો ‘બીમાર’ હોવાની અવાર-નવાર પુષ્ટિ કરતા આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નવજાત મૃત્યુ દરના તાજેતરના આંકડા અનુસાર ઉપરોકત રાજ્યોમાં આ દરમાં ઘટાડો કરવામાં સફળતા મળી છે, તેમ છતાં પણ આ રાજ્યોમાં જન્મના સમયે બાળકોનાં મૃત્યુનો દર રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે.
મધ્યપ્રદેશમાં આ દર સૌથી ઊંચો છે, જ્યાં જન્મના સમયે પ્રતિ ૧૦૦૦ બાળકોએ ૬૨ બાળકો મોતને ભેટે છે. ઉ.પ્ર. અને ઓરિસ્સામાં આ સંખ્યા ૬૧ની છે. સામે પક્ષે ગોવા અને કેરળ એવાં રાજ્યો છે, જે નવજાત મૃત્યુદર ઘટાડીને અનુક્રમે ૧૦ અને ૧૩ સુધી લાવવામાં સફળ રહ્યા છે. હિન્દીભાષી પ્રદેશોમાં આટલું પછાતપણું શા માટે છે? તેનો એક સંકેત ઉ.પ્ર. વિધાનસભાના ચૂંટણીના પરિર્દશ્યથી મળે છે.
છેલ્લાં સાત વર્ષમાં રાજ્યમાં મગજના તાવથી ચાર હજાર મોત થયાં છે અને ૧૯ હજારથી વધુ લોકો આ રોગનો ભોગ બન્યા છે. પરિણામસ્વરૂપે આ વખતે રાજ્યમાં વિવિધ રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે અને તેમાંથી મુક્તિ અપાવવાનું વચન આપ્યું છે. જોકે ચૂંટણી અભિયાનમાં આ મુદ્દો ક્યાંય જોવા મળ્યો નથી.
આખરે આવા પાયાના પ્રશ્નો મત અપાવનારા મુદ્દે કેમ માનવામાં આવતાં નથી? શું સામાન્ય મતદાર એ નથી માનતો કે સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી સરકાર અને રાજકીય પક્ષોની જવાબદારી છે? લોકો આવા પ્રશ્નો પર પોતાના પ્રતિનિધિઓ પાસે જવાબ માગતા નથી એટલે કુપોષણ, બાળ અને નવજાત મૃત્યુ દર, પ્રસૂતા મૃત્યુ વગેરે જેવા સૂચકાંકો પર અપેક્ષિત સુધારો માત્ર કાગળો પર જોવા મળે છે. તેને લાગુ કરવાના સમયે ઉ.પ્ર.ના રાષ્ટ્રીય આરોગ્ય મિશન જેવું કૌભાંડ બહાર આવે છે. હિન્દી પ્રદેશોની પ્રજાએ હવે આ મુદ્દાઓ પર જાગૃત બનવું પડશે.