એક સશકત લોકપાલની જરૂર છે એ વાત સાચી છે પરંતુ ટુજી સ્પેકટ્ર્મ ગોટાળામાં કેસ ચલાવવાની મંજૂરી આપવા સંબંધે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે જો ઇરાદો સાચો હોય તો ભ્રષ્ટાચાર વિરુદ્ધની હાલની કાયદાકીય જોગવાઈઓ પણ પૂરતી છે. આખી વાત ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોના ઇરાદા અને ઇચ્છાશક્તિ પર અટકે છે. પૂર્વ સંદેશાવ્યવહાર મંત્રી એ.રાજા વિરુદ્ધ કેસ ચલાવવાની અરજીને લટકાવી રાખવા માટે યુપીએ સરકારની નિર્ણયપ્રક્રિયાની સુપ્રીમે ઝાટકણી કાઢી છે.
જોકે સર્વોચ્ચ અદાલતે વડાપ્રધાનને અંગત રીતે કલીન ચીટ આપી છે પરંતુ તેનાથી સરકારના વડાના સ્વરૂપમાં વર્તમાન અને ભાવિ વડાપ્રધાનોને આવાં ગંભીર પ્રકરણોમાં અજાણ્યા રહેવાનું લાઈસન્સ મળી ગયાનું સમજે નહીં. આખરે સરકારના તમામ નિર્ણયો અને કામની જવાબદારી વડાપ્રધાનના સીરે હોય છે, જેનાથી તેઓ મુકત થઈ શકે નહીં. ટુજી કૌભાંડમાં વધુ એક માર ખાધા બાદ હવે યુપીએ સરકારે ભ્રષ્ટાચાર નિરોધક કાયદા સાથે સંબંધિત કોર્ટના આદેશોને સરકારના કાર્યક્ષેત્રમાં ન્યાયતંત્રના અતિક્રમણનો મુદ્દો ન બનાવવો જોઈએ.
ઉચિત તો એ રહેશે કે તે આ કાયદામાં કેસ ચલાવવાની મંજૂરી પર નિર્ણય લેવાની એ સમયમર્યાદાનું પાલન કરે, જેને માટે કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આવા નિર્ણયો ચાર મહિનામાં લેવા જણાવ્યું છે અને એવી વ્યવસ્થા બનાવી છે કે જો આમ કરવામાં નહીં આવે તો એવું માની લેવાશે કે કેસ ચલાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણયની સૌથી મહત્વની બાબત એ છે કે આવી અરજી આપવા માટે કોર્ટે સામાન્ય નાગરિકોને પણ સક્ષમ જણાવ્યા છે.
આ અંગે તેની એ ટિપ્પણી પણ ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટ સરકારી અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરવી નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. સ્પષ્ટ છે કે આ ચુકાદાએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીના નવા માર્ગ ખોલ્યા છે અને ભ્રષ્ટાચારવિરોધી સંઘર્ષને બળ મળ્યું છે. કેન્દ્ર અને બધી જ રાજ્ય સરકારોએ આ ચુકાદાનું સ્વાગત કરવું જોઈએ.