બી.કે. ચતુર્વેદી અને પ્રત્યુષ સિન્હા તપાસ સમિતિના રિપોર્ટના જે ભાગ બહાર પડાયા છે તેનાથી એ સ્પષ્ટ થતું નથી કે, એન્ટ્રિકસ-દેવાસ સોદામાં ગોટાળો કરાયો છે કે માત્ર નિયમોનું ઉલ્લંઘન કરાયું છે? બંને સમિતિનો એક નિષ્કર્ષ પાકો છે કે, ૨૦૦૫માં ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો)ની માર્કેટિંગ શાખા એએન્ટ્રિક્સ કોર્પોરેશન અને બેંગ્લોરની પ્રાઈવેટ કંપની દેવાસ મલ્ટીમીડિયા વચ્ચે અંતરિક્ષ સ્પેકટ્ર્મના ઉપયોગ અંગે થયેલા કરારમાં પ્રક્રિયાઓનું ઉલ્લંઘૂન થયું છે અને આ અંગે સરકારને આપવાની જરૂરી વહીવટી જવાબદારીઓનું પાલન થયું નથી, પરંતુ દેવાસ કંપની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોને કોઈ ફાયદો થયો છે, તેનાં પાકા પુરાવા મળ્યા નથી.
કેન્દ્ર સરકારે આ સમિતિઓના રિપોર્ટને આધારે ઇસરોના પૂર્વ પ્રમુખ જી. માધવન નાયર અને બીજા ત્રણ વૈજ્ઞાનિકોની ભવિષ્યમાં કોઈ પણ સરકારી પદ પર નિમણુકનો પ્રતિબંધ લગાવ્યો છે. હવે સરકારે એ સાબિત કરવાનું છે કે તેણે ઉઠાવેલું પગલું સાચું છે. જો આ જ પ્રયાસમાં બંને રિપોર્ટના કેટલાક ભાગ સાર્વજનિક કરાયા છે તો એમ કહી શકાય કે તેનાથી ચિત્ર સ્પષ્ટ થતું નથી. માધવન નાયરનો આરોપ છે કે અંતરિક્ષ વિભાગે જાણીજોઈને રિપોર્ટના એવા ભાગ જ સાર્વજનિક કર્યા છે, જે તેમને માટે લાભદાયક છે.
એ બાબત આશ્ચર્ય પમાડે છે કે જો તપાસ રિપોર્ટને સાર્વજનિક કરવાનો નિર્ણય લેવાયો તો પછી બધી જ વિગતો કેમ આપવામાં આવી નથી? આવા સંવેદનશીલ મુદ્દાઓ પર કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ રહ્યું નથી. સૈન્ય અધ્યક્ષની ઉંમરને મામલે સુપ્રીમ કોર્ટે પણ અનેક સવાલ પેદા કર્યા હતા.
જો ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિકો પણ આ મુદ્દે કોર્ટમાં ગયા અને કેન્દ્ર પોતાના નિર્ણયને સાબિત કરી શકશે નહીં તો સરકાર મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. જો વૈજ્ઞાનિકો એમ માનતા હોય કે તેમના વિરુદ્ધની કાર્યવાહી ‘ખોટા તથ્યોના આધારે બનેલા’ એક રિપોર્ટને આધારે કરવામાં આવી છે તો તેમનો પક્ષ સાંભળવો જોઈએ. આ મુદ્દે વૈજ્ઞાનિકો સાથે પૂરો ન્યાય થાય, એ જોવાની જવાબદારી કેન્દ્રની છે.