ઇજિપ્ત ફરીથી ક્રાંતિની નવી લહેરમાં લપેટાયું છે. તેનો પ્રથમ શિકાર દેશની વચગાળાની સરકાર બની છે, જેણે રાજીનામાની ઓફર કરી છે. આમ છતાં પણ પ્રજાનો ગુસ્સો અટકવાનું નામ લેતો નથી, કેમ કે સરમુખત્યાર હોસ્ની મુબારકના પતન બાદથી સત્તાનાં મૂળ સૂત્રો તો સર્વોચ્ચ સૈનિક પરિષદના હાથમાં જ છે, જેના ઇરાદાઓ પર આશંકાઓને કારણે જ લાખો લોકો ફરી એક વખત કાહિરાના તહરીર ચોક અને બીજાં શહેરોમાં સડક પર ઉતરી આવ્યા છે. સૈનિક પરિષદે થોડા દિવસો પહેલાં જ નવા બંધારણનું વર્ણન કરતો એક મુસદ્દો બહાર પાડ્યો છે.
જેમાં જણાવાયું છે કે નવી વ્યવસ્થામાં લશ્કર અને તેનું બજેટ નાગરિક સરકારની સીધી દેખરેખથી દૂર રહેવા જોઈએ. નાગરિક હિતના મહત્વના નિર્ણયો લેવામાં લશ્કરને હસ્તક્ષેપ કરવાનો અધિકાર મળવો જોઈએ અને ૨૦૧૩માં જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ન થાય ત્યાં સુધી સત્તા સૈનિક પરિષદના હાથમાં જ રહેવી જોઈએ. આ મુસદ્દાએ લોકશાહીના સમર્થકોને ફરી જગાડી દીધા છે અને ગયા શનિવારથી લાખો લોકોનાં ટોળેટોળાં સડક પર ઉતરી આવ્યાં છે, જેમની સાથે થયેલી અથડામણમાં અનેકનાં મોત થયાં છે અને અસંખ્ય ઘાયલ થયા છે.
લોકશાહીના ટેકેદારો નવી બંધારણિય વ્યવસ્થામાં રાજકીય બાબતોમાં લશ્કરનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ઈચ્છતા નથી. સાથે જ તેમની માગણી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવા અને લશ્કરને બેરેકોમાં પાછી જતા રહેવા માટે ૨૦૧૨ની સમયમર્યાદા નક્કી થવી જોઈએ.
ઇજિપ્તમાં નવી સંસદ કે જે બંધારણ સભાની ભૂમિકા નિભાવશે, તેની ચૂંટણી આગામી સોમવાર (૨૮ નવેમ્બર)ના રોજ છે. આ ચૂંટણીમાં મુખ્ય ટક્કર ઇસ્લામી અને ધર્મનિરપેક્ષ પક્ષો વચ્ચે છે. પ્રચાર અભિયાનમાં પણ તેમના વચ્ચે કાંટાની ટક્કર ચાલતી હતી પરંતુ તેમણે ફરી ભેગામળીને લશ્કર વિરુદ્ધનો મોરચો સંભાળી લીધો છે. ઇજિપ્તના આ ઘટનાક્રમ પર આખી દુનિયાની નજરો ટકેલી છે.