પ્રવાસીઓ સાથેના સંબંધને જીવંત કરવાનો ભારતનો પ્રયાસ હવે દસ વર્ષ જુનો થઈ ચૂક્યો છે. પ્રવાસી ભારતીય દિવસ ઊજવવાની શરૂઆત થયા બાદ વિદેશોમાં વસેલાં આપણા આ લોકો સાથેનો સંબંધ લાગણીના સ્તરે વધુ ગાઢ બન્યો છે. આ બાબત મહત્વની છે, કારણ કે હંમેશાં આપણા સફળ લોકો સાથે ફકત ફાયદાની આશા રાખીને જ સંબંધ ન બાંધવો જોઈએ. પ્રવાસી ભારતીય વિદેશોમાં આપણા દેશના નહીં જાહેર કરેલા દૂત છે, જેમણે મહેનત અને મેઘા દ્વારા પોતાની વિશેષ છાપ ઊભી કરી છે.
જોકે એ પણ એક હકીકત છે કે તેમની સમૃદ્ધિ અને વ્યવસાયિક વિશેષજ્ઞતા દ્વારા દેશના વિકાસમાં જે યોગદાનની અપેક્ષા કરવામાં આવી હતી તે બહુ ઓછા અર્થોમાં પૂરી થઈ છે. પ્રવાસી ભારતીય સમારોહમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ લોકો સાથે રોકાણને આમંત્રણ આપવાની જાણે કે હરીફાઈ કરતાં હોય છે. જયપુરમાં આયોજિત સમારોહ દરમિયાન વડાપ્રધાને લાંબા ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થામાં વધુ સારી સંભાવનાઓ વ્યક્ત કરી છે તો તેની પાછળનો મુખ્ય હેતુ એ મેસેજ આપવાનો હતો કે ભારતમાં રોકાણ ફાયદાનો સોદો છે.
અત્યાર સુધીના અનુભવથી તો એ જ સાબિત થયું છે કે સંબંધોના લાગણીના પક્ષ પર ભાર મૂકવાથી કે અર્થવ્યવસ્થાની ગુલાબી તસવીર રજુ કરવાથી પ્રવાસી ભારતીયોને દેશમાં રોકાણ માટે પ્રેરિત કરી શકાતા નથી. રોકાણ એક આર્થિક નિર્ણય છે, જેને દેશી હોય કે વિદેશી, નફા-નુકસાનની ગણતરીને આધારે જ લે છે.
આથી જો આપણે પ્રવાસી ભારતીયોની મૂડીથી ફાયદો મેળવવાની આશા રાખતા હોઈએ તો આપણે તેમનાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું પડશે. બિનનિવાસી ભારતીયને મતાધિકાર આપવાનો નિર્ણય પણ તેમને વધુ ઉત્સાહિત કરી શક્યો નથી. પહેલ માત્ર ને માત્ર આર્થિકક્ષેત્રમાં જ કરવી પડશે. જો આમ નહીં થાય તો પ્રવાસી ભારતીય સંમેલનનું આયોજન ધીમે-ધીમે એક રિવાજ બની જશે, જેનો સંકેત છેલ્લા કેટલાંક વર્ષોથી મળવા લાગ્યા છે.