સંસદના શિયાળુસત્રમાં ચાલી રહેલો અવરોધ વધુ આગળ ધપે તે પહેલાં જ વિરોધ પક્ષ સાથે વાટાઘાટો કરવાની સાચી દિશામાં સરકારે પહેલ કરી છે. સત્રની શરૂઆતની સાથે જ ડાબેરીઓએ મોંઘવારી અને ભારતીય જનતા પાર્ટીએ કાળાં નાણાંને મામલે ‘કામ રોકો’ પ્રસ્તાવ રજુ કરવાનો ઇરાદો તથા ગૃહમંત્રી પી. ચિદમ્બરમના બહિષ્કારના નિર્ણયથી સંસદમાં કામ થઈ શકતું નથી. ત્યારે સરકારના સંકટમોચક કહેવાતા નાણામંત્રી પ્રણવ મુખર્જીએ પહેલાં ડાબેરી નેતાઓને બપોરના ભોજન માટે બોલાવ્યા અને પછી ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સાથે મુલાકાત કરી.
આ મુલાકાતોથી સ્પષ્ટ છે કે સરકાર આ સત્રમાં ખાસ કરીને આર્થિક મામલાઓમાં, ખરડાના નિર્માણમાં કામકાજ આગળ ધપાવવા માગે છે અને તેને માટે વિરોધ પક્ષનો સહયોગ જરૂરી છે. દેશ પર જ્યારે આર્થિક સંકટ ઘેરું બન્યું હોય ત્યારે સુધારાની પ્રક્રિયાને આગળ વધારવી અને વિકાસની ગતિને વેગ આપવો સૌથી મોટો પડકાર હોય છે. આખા દેશની અપેક્ષા છે કે આ કામ રાજકીય અથડામણની બલિએ ન ચઢે.
જો સરકાર વાટાઘાટોને સંકટમાંથી બહાર નીકળવાનું માધ્યમ બનાવવાને બદલે વિરોધ પક્ષ અને સિવિલ સોસાયટી સાથે પણ સંવાદની એક વ્યવસ્થા બનાવે તો આ હેતુ વધુ સારી રીતે પૂરો થઈ શકે છે. આમ કરવાથી નીતિ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર વિરોધ પક્ષનો મત સરકાર પહેલાથી જ જાણતી હશે. જો ખરડાનો મુસદ્દો તૈયાર કરતાં સમયે જ તેનું ધ્યાન રાખવામાં આવે તો પછી સસંદમાં અથડામણ કે મોડું થવાની સમસ્યાથી બચી શકાય છે.
લોકશાહી સર્વસંમતિથી ચાલતી એક વ્યવસ્થા છે, જેમાં વિરોધ પક્ષ પણ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ હોય છે. સરકાર ચલાવવાનો જનાદેશ સત્તામાં રહેલા પક્ષ પાસે હોવાથી તેની જવાબદારી વધુ મોટી હોય છે. સંવાદ અને સહમતી બનાવવાના ક્રમમાં જો આ જવાબદારી યાદ રાખવામાં આવે તો સંસદમાં ગતિરોધ ટાળવો શક્ય બની શકે છે. અત્યારે તો પ્રણવ દાનો પ્રયાસ વખાણવાલાયક છે.