પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ અદમ્ય સાહસ દેખાડ્યું છે. જોકે પાકિસ્તાની સંદર્ભમાં આ નિવેદન જોખમી છે પરંતુ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કાશ્મીર મુદ્દાને યુદ્ધથી ઉકેલી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે ગિલાનીએ આ નિવેદન પાંચમી ફેબ્રુઆરીના રોજ આપ્યું છે, જે દિવસને પાકિસ્તાન દર વર્ષે ‘કાશ્મીર દિવસ’ તરીકે ઉજવે છે. આ દિવસને ત્યાં ભારતવિરોધી ભાવનાઓ ભડકાવવા માટે ઓળખવામાં આવે છે.
બીજી મહત્વની વાત એ છે કે ગિલાની અત્યારે સૈન્ય અને ન્યાયતંત્ર સાથે સીધા સંઘર્ષમાં ફસાયેલા છે. આ પરિપ્રેક્ષ્યમાં સામાન્ય રીતે તેમનું વલણ એવું જ રહેતું કે તેઓ ઉગ્ર રાષ્ટ્રવાદી ભાવનાઓ ભડકાવતા અને ભારતને નીચું દેખાડવાને માર્ગે ચાલતા. તેનાથી વપિરીત તેમણે પોતાના દેશની સરખામણીમાં ભારતીય લોકશાહીનાં વખાણ કર્યા છે.
શું આ નિવેદનને પાકિસ્તાનમાં વિવિધ સ્તરે બદલાઈ રહેલા વાતાવરણનો સંકેત માની શકાય? ગિલાની અત્યારે સર્વશક્તિશાળી સૈન્ય અને મહત્વાકાંક્ષી ન્યાયતંત્રના હુમલા વચ્ચે સંસદીય પ્રજાતંત્રના રક્ષકના સ્વરૂપમાં ખુદને રજુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રાજકીય સંઘર્ષમાં તેમની નજર એવા વર્ગો પર છે જે દેશમાં શાંતિ અને લોકશાહીમાં જ પાકિસ્તાનનું હિત છુપાયેલું છે એવું માને છે.
શું આ વર્ગો એટલા મજબૂત છે ખરા કે જેમના આધારે કટ્ટરવાદ અને રૂઢિવાદી શક્તિઓને પડકાર ફેંકી શકાય? આ સવાલનો જવાબ જાણવામાં ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયા જ નહીં પરંતુ વિશ્વને રસ છે. ગિલાની સરકારની શું હાલત થાય છે અને આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં પાકિસ્તાન કઈ રાજકીય દિશા પસંદ કરે છે, તેમાં આ અંગે સ્પષ્ટ સંકેત મળશે.
જોકે આ ઘટનાક્રમમાં એવા ભારતીય વર્ગો માટે પણ કેટલાક બોધપાઠ છે, જે પાકિસ્તાનની માત્ર એક છબી જોવાનું પસંદ કરે છે. જો પાકિસ્તાનમાં એક નવી વિચારધારા જન્મી રહી છે જેના કેન્દ્રમાં શાંતિ અને પ્રજાતંત્રની ઇચ્છા છે, તો આપણે તેનું મહત્વ સમજવું જોઈએ. આવી વિચારધારા બને દેશોમાં ઊંડે સુધી ઉતરે એ બાબત આ વિસ્તારના સુંદર ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.