‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી કાનૂન’ (મનરેગા) યોજનાની છઢ્ઢી વર્ષગાંઠ નિમિત્તે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ કાર્યક્રમમાં લૂંટને ગરીબો પ્રત્યેનો અપરાધ જણાવ્યો છે, તો વડાપ્રધાન મનમોહનસિંહે તેના અમલીકરણમાં રહેલી ખામીઓ માટે રાજ્યોને દોષી ઠેરવ્યાં છે. એકદમ ગરીબ ગ્રામીણ વર્ગને વિકાસ પ્રક્રિયા સાથે જોડવાની દિશામાં સ્વતંત્ર ભારતમાં ઉઠાવવામાં આવેલું સંભવત: આ સૌથી મોટું પગલું છે અને તેનાં સારાં પરિણામ હવે જોવા પણ મળી રહ્યાં છે. ૨૦૦૯-૧૦માં બે અબજ ૮૩ કરોડ વ્યક્તિ દિવસ રોજગાર પેદા થયો છે. જેમાં ૫૧ ટકા રોજગાર હાંશિયામાં ધકેલાઈ ગયેલા સામાજિક વર્ગોને મળ્યો છે. તેનો લાભ લેનારાઓમાં ૪૯ ટકા મહિલાઓ રહી છે.
સર્વસમાવેશક વિકાસને વાસ્તવિકતામાં બદલી નાખવાનું આવું ઉદાહરણ કદાચ જ કોઈ બીજા કાર્યક્રમમાં જોવા મળે. ભ્રષ્ટાચાર અને વહીવટી આળસ એવી બાબતો છે, જેનાથી મનરેગાનું ભવિષ્ય બગડી શકે છે. રાજ્ય સરકારોમાં તેના પ્રત્યે ઉત્સાહ ઓછો છે તે પણ એક મુદ્દો છે, પરંતુ સચ્ચાઈ એ પણ છે કે મનરેગાના મજુરોને લઘુત્તમ મજૂરી ન મળે, તેને માટે ખુદ કેન્દ્ર સરકાર પણ કાવાદાવા કરી રહી છે. આથી રાજકીય સ્વાર્થોમાંથી બહાર નીકળવાની અને આ કાયદાને સમજવાની જરૂર છે.
ખાસ કરીને ત્યારે જ્યારે મનરેગાના સકારાત્મક પ્રભાવને એવા વર્ગોની માન્યતા પણ મળવા લાગી છે જે રાજકોષિય શિસ્તના નામે સામાજિક ક્ષેત્ર પર ખર્ચ પ્રત્યે વિરોધનો સૂર વગાડતા રહે છે. તેનું ઉદાહરણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની મેકિન્સે એન્ડ કંપનીના સહયોગથી તૈયાર થયેલો રિપોર્ટ છે, જેણે મનરેગાના મહત્વને આ શબ્દોમાં રજુ કર્યો છે - ‘આટલા મોટા પ્રમાણમાં કોઈ કાર્યક્રમનું પરિણામ કપરી પરીક્ષા વગર મળી શકે નહીં. મનરેગામાં ગોટાળા અને ક્ષમતાના દુરુપયોગના આરોપ આવી જ કઠણાઈઓ છે. પરંતુ યોજનાએ ખેડૂતોને મોટો આર્થિક ફાયદો કરાવ્યો છે તથા તે આર્થિક અને કૃષિ વિકાસની સંભાવનાઓને પૂરી કરે છે.’