ઉત્તર(હરિયાણા), દક્ષિણ (આંધ્રપ્રદેશ), પૂર્વ (બિહાર) અને પશ્ચિમ (મહારાષ્ટ્ર) એમ દરેક જગ્યાએથી લગભગ એક જેવા જ સંકેત મળી રહ્યા છે. વિચારધારામાં સ્પષ્ટ દિશાનો અભાવ તથા અનેક કૌભાંડોના ઘટસ્ફોટ બાદ ખરાબ થયેલી છબી કોંગ્રેસને ભારે પડી શકે છે. લોકસભાની એક અને વિધાનસભાની ત્રણ બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં હાર અંગે કોંગ્રેસ એટલી દલીલ રજુ કરી શકે છે કે તેમાંથી એક પણ બેઠક યુપીએની પોતાની હતી નહીં, આથી તેણે કશું ગુમાવ્યું નથી.
આ પરિણામથી એટલું તો જરૂર સ્પષ્ટ થાય છે કે કેન્દ્રમાં પોતાના બીજા કાર્યકાળ દરમિયાન યુપીએ સરકાર મતદારોના એક પણ વર્ગમાં પોતાના પ્રત્યે નવો ઉત્સાહ પેદા કરી શકી નથી. તેનાથી વપિરીત તેના સમર્થનના આધારમાં નવાં ગાબડાં પડ્યાં છે. હિસારમાં ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીમાં પણ કોંગ્રેસ ત્રીજા નંબરે હતી પરંતુ તે વખતે સૌથી વધુ મત તેને જ મળ્યા હતા.
જો એ દલીલ સ્વીકારવામાં આવે કે આ વખતે જાટ મતદારોનું ધ્રુવીકરણ અજય ચૌટાલાના પક્ષમાં થયું છે જેને લીધે કોંગ્રેસની આવી સ્થિતિ થઈ છે તો હવે સવાલ એ થાય છે કે રાજ્યમાં જાટ મુખ્યમંત્રી હોવા છતાં પણ આમ કેમ થયું? તેલંગાણા પ્રશ્ન પર કોઈ સ્પષ્ટ વલણ નક્કી કરવાનું પરિણામ કોંગ્રેસને બંસવાડામાં ભોગવવું પડ્યું છે.
ગત સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો આંધ્રપ્રદેશમાંથી મળી હતી. ત્યાં જ ગાબડાં પડવાનો અર્થ શું છે તે કોંગ્રેસનું નેતૃત્વ વધુ સારી રીતે સમજી શકે એમ છે. આ બાજુ મહારાષ્ટ્રના ખડકવાસલાની ચૂંટણીએ જોડ-તોડ દ્વારા ચૂંટણી જીતવાની રીતની નિરર્થકતા સાબિત કરી દીધી છે. બિહારમાં પાર્ટીનું સ્થાન એટલું મજબૂત નથી પરંતુ ત્યાં વિરોધ પક્ષની જગ્યા ખાલી હોવા છતાં પણ કોંગ્રેસ પોતાની જગ્યા બનાવી શકી નથી. શ્રેષ્ઠ કામગીરી અને સ્વચ્છ છબીનો કોઈ વિકલ્પ નથી. જો પાર્ટીએ આ પરિણામોમાંથી બોધપાઠ નહીં લીધો તો આગામી ચૂંટણીમાં ભયંકર પછડાટ ખાવા માટે તેણે તૈયાર રહેવું પડશે.