ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરના સેલફોર્ડ વિસ્તારમાં ભારતીય વિદ્યાર્થી અનુજ બિડવેની હત્યાનું કારણ વંશીય હોવાની સંભાવનાનો બ્રિટિશ પોલીસે ઇનકાર કર્યો નથી. જોકે આ કાંડમાં અનેક ધરપકડ થઈ છે, છતાં પણ હત્યાના હેતુ બાબતે અટકળો ચાલી રહી છે. અસ્પષ્ટતા અને અસમંજસની આ સ્થિતિમાં ત્યાં રહેતા ભારતીય સમુદાયની ચિંતા વધવી સ્વાભાવિક છે.
લેન્કેસ્ટર યુનિવર્સિટીમાં માઈક્રો ઇલેક્ટ્રોનિક્સમાં ભણતો ૨૩ વર્ષનો આ વિદ્યાર્થી રજાઓ ગાળવા માટે માન્ચેસ્ટર આવ્યો હતો. કોઈ કારણ વગર જ બે ગોરા લોકોએ ગોળી મારીને તેની હત્યા કરી નાખી. એવું કહેવાય છે કે આ ઘટના જ્યાં ઘટી છે એ વિસ્તાર ગુનાઈત પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે અને છેલ્લા ૧૪ મહિના દરમિયાન ત્યાં ગોળીબારની ચાર ઘટનાઓ ઘટી છે.
પોતાના જીપીએસ ઉપકરણ પર દિશા શોધી રહેલા અનુજને હત્યારાઓએ સમય પૂછ્યો અને તુરંત ગોળીઓ મારી દીધી. માત્ર સમય બતાવવામાં મોડું થવાને કારણે કોઈ તેની હત્યા કરી દે એ વાત ગળે ઉતરતી નથી. બ્રિટન ખાતેના ભારતીય સમુદાયની ચિંતામાં વધારો થવાનું કારણ આ પરિસ્થિતિઓ જ છે. હકીકતમાં સમગ્ર યુરોપ આર્થિક મંદીમાં સપડાયું છે, તેની સાથે જ રાષ્ટ્રવાદી ભાવનાઓ વધી છે, જેને કારણે ઇમિગ્રન્ટ્સની સુરક્ષાની ચિંતા વધી છે.
આવા સંજોગોમાં કોઈ કારણ વગર જ વિદ્યાર્થીની હત્યા પછી ભલે તે સામાન્ય ગુનો જ કેમ ન હોય તો પણ આ સ્વરૂપમાં સ્વીકારવી આશંકાઓથી ઘેરાયેલા સમુદાય માટે સરળ વાત નથી. આથી બ્રિટિશ પોલીસ આ કેસમાં સંપૂર્ણ તપાસ કરીને સાચો ચિતાર રજુ કરે એ બાબત જરૂરી બની ગઈ છે. ભારત સરકારની પણ જવાબદારી બને છે કે તે બ્રિટિશ સરકાર પર દબાણ ઊભું કરે અને ત્યાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષાની વાતને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવે. આમ કરવાથી બ્રિટનમાં રહેતા ભારતીય સમુદાયમાં એક વિશ્વાસ પેદા થશે અને સાથે જ ભારતમાં રહેતા તેમના પરિવારની ચિંતામાં પણ ઘટાડો થશે.