અમેરિકાએ તાલિબાન સાથે વાટાઘાટો શરૂ કરી છે એવા સમાચાર બાદ ભારતે સતર્ક થઈ જવાની જરૂર છે. ‘આંતરિક વિશ્વાસ પેદા કરવા’ માટેની આ વાટાઘાટો કતારમાં થઈ છે, જ્યાં તાલિબાનને કામચલાઉ ધોરણે પોતાનું રાજકીય કાર્યાલય ખોલવાની મંજૂરી અપાઈ છે. તાલિબાનના નેતાઓને ત્યાં પહોંચવા માટે પાકિસ્તાને મદદ કરી છે, એટલે અનુમાન છે કે તેને પણ વિશ્વાસમાં લેવાયું હશે. અફઘાનિસ્તાનમાં હામિદ કરઝાઈની સરકારને તેમાં કોઈ પ્રત્યક્ષ ભૂમિકા આપવામાં આવી નથી. જોકે હવે અમેરિકાએ એ વાસ્તવિકતા સ્વીકારી લીધી છે કે અફઘાનિસ્તાનમાં ભાવિ વ્યવસ્થા નક્કી કરવાના ક્રમમાં તાલિબાનને એક પક્ષ સ્વીકારવો રહ્યો. આ બાબતે ભારત સાથે કોઈ ચર્ચા કરવામાં આવી હોય એવા કોઈ સંકેત નથી.
ભૂતકાળમાં પણ અમેરિકા અફઘાનિસ્તાન સાથે સંકળાયેલી વાટાઘાટોમાં ભારતની ઉપેક્ષા કરતું આવ્યું છે. આથી ૨૦૧૪માં જ્યારે તેનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી હટી જશે ત્યારે તે ભારતના રાજકીય અને વ્યુહાત્મક હિતોને ધ્યાનમાં નહીં લે એ વાતની શંકા છે. તાલિબાન હવે કટ્ટરવાદી વિચારધારા અને આતંકી પ્રૃવત્તિઓમાં વિશ્વાસ કરતો નથી એવું સ્વીકારી લેવાનું કોઈ કારણ નથી.
આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં પણ તે પાકિસ્તાનના એક હાથાના સ્વરૂપમાં કામ કરતું રહ્યું છે. આથી આંતરરાષ્ટ્રીય વાટાઘાટોમાં તેને માન્યતા અને અફઘાનિસ્તાનની ભાવિ સરકારમાં તેને ભૂમિકા મળવી ચિંતાજનક છે. તેનાથી ભારતની તમામ મહેનત પર પાણી ફરી વળશે જે તે છેલ્લા એક દાયકાથી ત્યાંની માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં અને કરઝઈ સરકાર સાથે રાજકીય સંબંધો વિકસિત કરવામાં કરી છે.
હકીકતમાં કતર વાટાઘાટો પ્રક્રિયા બાબતે અનેક ગંભીર સવાલો છે. શું જે ‘આતંક વિરુદ્ધ યુદ્ધ’થી દુનિયાના અનેક ભાગો અસ્થિર બન્યા છે, તેને કોઈ મુકામ સુધી પહોંચાડ્યા વગર જ હવે અમેરિકા તેમાંથી હાથ પાછા ખેંચી રહ્યું છે? તેનાથી ભારતે શો બોધપાઠ લેવો જોઈએ, એ બાબત વિચારવા યોગ્ય છે.