પંજાબમાં મતદાનનો વિક્રમ તૂટ્યો છે. ઉત્તરાખંડમાં પણ મતદાનની ટકાવારી ઊંચી રહી છે. તેના પહેલાં મણિપુરમાં ૮૨ ટકા લોકો મતદાન કેન્દ્રો સુધી પહોંચ્યા હતા અને લોકતાંત્રિક પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. લોકો હવે ચૂંટણીમાં રસ લઈને આગળ પડતો ભાગ લઈ રહ્યા છે એ બાબત આ ત્રણેય રાજ્યોએ સિદ્ધ કરી છે. ભારતની પ્રજાસત્તાક વ્યવસ્થા અંગે સમાજના વિવિધ વર્ગોમાં જે નિરાશા વ્યક્ત કરાઈ રહી છે તેનાથી આ તદ્દન વપિરીત તસવીર છે. મણિપુરમાં તો એક જગ્યાએ ખાસ સકારાત્મક ઘટનાક્રમ જોવા મળ્યો. નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટે રાજ્યની નાગા વસ્તી ધરાવતા વિસ્તારોમાં પોતાના ઉમેદવાર ઊભા કર્યા છે. આ પાર્ટીને નાગાલેન્ડ સરકારે એક ભૂગિર્ભય ઉગ્રવાદી સંગઠનની સમર્થક જણાવી છે.
એવા સમાચાર છે કે ચૂંટણી લડવાનો તેનો હેતુ મણિપુરની રાજકીય ગતિવિધિઓમાં ભાગ લઈને પોતાની માગણી માટે મંચ તૈયાર કરવાનો છે. આવાં અનેક સંગઠનોને હિંસક અને ઉગ્રવાદી ગતિવિધિઓ નિરર્થક લાગી રહી છે, જે બાબત લોકશાહીમાં છુપાયેલી તાકાત અને સંભાવનાનું ઉદાહરણ છે. પંજાબમાં પણ આ વખતે ધાર્મિક મુદ્દા ગાયબ રહ્યા છે. ઉત્તરાખંડમાં વિકાસ અને ભ્રષ્ટાચારને મુદ્દે ચૂંટણી લડવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં મતદારોનું બહાર નીકળવું આપણી લોકશાહીમાં આવી રહેલી નવી પરિપક્વતાનું પ્રમાણ છે. જેમાં ચૂંટણી પંચની ભૂમિકાને પણ નજરઅંદાજ કરી શકાય નહીં.
પંચે સ્વતંત્ર, નિષ્પક્ષ અને ભ્રષ્ટાચારમુકત ચૂંટણી કરાવીને પ્રજાના અત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. ચૂંટણી પંચ મતદાનમાંથી ભય અને બિનજરૂરી પ્રભાવોને ખસેડી દેવામાં સફળ રહ્યું છે, આથી મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે પ્રેરિત થાય છે. રાજકીય પક્ષોને પંચના સખત વલણથી ભલે અસુવિધા થતી હોય પરંતુ સમગ્ર ઘટનાક્રમ લોકશાહી માટે શુભ છે. ઉત્તરપ્રદેશ કે જે ભૂતકાળમાં રાજકીય અથડામણોની ભૂમિ રહ્યું છે, ત્યાં પણ પ્રજાતંત્રના વિજયના આવાં જ ઉદાહરણ જોવા મળશે એવી આશા છે.