દેશમાં ગરીબી અને કુપોષણનો ભોગ બનેલા કરોડો લોકોને ખાદ્યસુરક્ષા આપવાનું સપનું હવે હકીકત બનવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી મળી ગયા બાદ હવે આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપવા માટે સંસદીય પ્રક્રિયામાં આગળ વધારવામાં આવશે અને આશા છે કે ૨૦૧૩ સુધી આ મહત્વાકાંક્ષી યોજના અમલમાં આવી જશે. સરકારે જે બિલને મંજૂરી આપી છે, શક્ય છે તેની સાથે બધા જ પક્ષો સહમત ન હોય પરંતુ લોકશાહી રાજ્યવ્યવસ્થામાં પરસ્પર વિરોધી માગણીઓની વચ્ચે સર્વસંમતિ સમાધાનનો માર્ગ હોય છે.
ખાદ્યસુરક્ષા બિલને મુદ્દે સરકાર આ જ માર્ગે ચાલી છે. આ કાયદો લાગુ થયા બાદ તેની સામે સૌથી મોટો પડકાર દર વર્ષે લગભગ દોઢ કરોડ ટન કરતાં પણ વધુ અનાજ ખરીદવાનો અને લગભગ ૩૦ હજાર કરોડ રૂપિયા કરતાં વધુની ખાદ્ય સબસિડી એકઠી કરવાનો હશે. જો ભારતને દુનિયાની ઉભરતી આર્થિક શક્તિ બનવું હશે તો પોતાને ત્યાંના અડધાથી વધુ કુપોષિત બાળકો તથા એક મોટી વસતીને ભૂખનો ભોગ બનતી અટકાવવા માટે આ વિશાળ પડકારને ઝીલ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
દેશમાં કોઈ ભૂખ્યું ન રહે એ ઘણું મોટું સપનું છે. તેને સાકાર કરવા માટે બધા જ રાજકીય પક્ષોએ સ્વાર્થ ત્યજવો પડશે. આટલી મોટી યોજના કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના તાલમેલ તથા સંપૂર્ણ સહયોગ સાથે જ થઈ શકે છે. તેમનાં વચ્ચે આર્થિક અને અમલીકરણ સંબંધિત જવાબદારીઓ સંયુક્ત હોવી જોઈએ. જો લક્ષ્ય પર સહમતી સધાઈ જાય તો પછી આ કામ કોઈ અઘરું નથી.
સંસદની સ્થાયી સમિતિ અને સંસદ ખરડાને વધુ મજબૂત અને સર્વપક્ષીય સહમતી તૈયાર કરવા માટે ઉચિત મંચ છે. અહીં અંતિમ સ્વરૂપ અપાયા બાદ તેને એક રાષ્ટ્રીય સંકલ્પ તરીકે લેવો જોઈએ. આ પ્રસ્તાવને લાગુ કરવાની સમસ્યાઓ પર અનેક ક્ષેત્રોમાં ચર્ચા થઈ છે. ઈરાદો પાકો હોય તો આવી તમામ મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકાય છે. પડકાર ઘણા બધા છે પરંતુ મોટાં સપનાં સાકાર કરવાનો માર્ગ હંમેશાં કપરો જ હોય છે.