કોંગ્રેસ સરકાર જો એમ જાણતી હોત કે કેન્દ્રમાં તેની નહીં પરંતુ તેના નેતૃત્વવાળા ગઠબંધનની સરકાર છે તો કદાચ સરકારના અને કોંગ્રેસના સંકટ મોચકોને સહયોગી પક્ષોને રાજી કરવામાં ભાગદોડ કરવી પડતી નહીં. તૃણમુલ કોંગ્રેસે યુપીએના અંદર ચર્ચા-વિચારણા જેવી કોઈ પ્રક્રિયા ન હોવાનો સવાલ થોડા સમય પહેલા પેટ્રોલના ભાવવધારા સમયે પણ ઉઠાવ્યો હતો. જોકે વાત તો તેનાથી પણ વધુ જુની છે. યુપીએ-૧ના સમયમાં મનમોહનસિંહ સરકાર અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા પર અડગ બની ત્યારે પણ તેણે પ્રજાના આદેશના સ્વરૂપને નજરઅંદાજ કરીને જ નિર્ણય લીધો હતો.
૨૦૦૪ કે ૨૦૦૯માં કોંગ્રેસને સરકાર ચલાવવાનો સ્પષ્ટ જનાદેશ મળ્યો જ નથી. ૨૦૦૪માં સાથી પક્ષોની સાથે-સાથે બહારથી ટેકો આપનારા ડાબેરી પક્ષો થઈને સંસદીય બહુમત તૈયાર થયો હતો. આવા સંજોગોમાં બધા જ સમર્થન પક્ષો રાજી ન હોય એવો કોઈ મોટો નિર્ણય લેવો ગઠબંધનના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું છે. આ જ રીતે જો તૃણમુલ કોંગ્રેસ અને ડીએમકે છુટક વેપારમાં વિદેશી રોકાણને મંજૂરીના વિરુદ્ધ છે તો આજે કોઈ પણ સ્વરૂપે આવો નિર્ણય સંસદીય આધાર બનતો નહીં.
આ બે પક્ષોની વાત ન કરીએ તો ખુદ કોંગ્રેસમાં પણ આ મહત્વના મુદ્દે આંતરિક સહમતિ મેળવવાનો પ્રયાસ કરાયો નથી. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર સંસદની સ્થાયી સમિતિને આ સવાલ પર મોકલેલા જવાબમાં જે ૧૪ રાજ્યોની સરકારોએ રીટેલ ટ્રેડમાં વિદેશી રોકાણનો વિરોધ કર્યો છે તેમાંથી આઠ કોંગ્રેસની છે.
આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે એવું કેવી રીતે વિચારી લીધું કે આ નિર્ણય સૌને મંજૂર હશે? આ મુદ્દાએ જનાદેશના સ્વરૂપનું સન્માન કરવાના મહત્વને ફરી એક વખત સાબિત કર્યું છે. વર્તમાન સ્થિતિ માટે કેન્દ્ર ખુદ જવાબદાર છે અને ભવિષ્યમાં આવી મુશ્કેલીમાં ફસાવા ન માગતું હોય તો તેની પાસે ગઠબંધનના ધર્મનું પાલન કરવા સિવાય અત્યારે તો કોઈ બીજો વિકલ્પ નથી.