બાળકોની સ્થિતિ સુધારવામાં માત્ર આર્થિક સમૃદ્ધિ પૂરતી નથી. દેશમાં સૌ પહેલીવાર તૈયાર કરાયેલા બાળ અધિકાર ઇન્ડેક્સનો કદાચ આ સૌથી મોટો પૈગામ છે. એકંદર ઘરગથ્થું ઉત્પાદન (જીડીપી)માં ભારતમાં કેરળ નવમા નંબરે છે, પણ બાળ અધિકાર સંરક્ષણના મામલે પહેલા નંબરે આવ્યું છે. જીડીપીમાં પ્રથમ મહારાષ્ટ્ર આ ક્રમમાં ત્રીજા નંબરે છે. એક બિનસરકારી સંગઠનના આ પ્રયાસથી ભારતમાં બાળ અધિકારોની સ્થિતિ સમજવા અને તેમને સંરક્ષણ અને પ્રોત્સાહન આપવાના કેટલાક ઉપયોગી સંકેતો મળે છે. ઇન્ડેક્સ બાળકોના કલ્યાણ સાથે જોડાયેલા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે.
તેમાં બાળકોની સ્થિતિથી માંડીને ઉભરેલી પ્રાદેશિક વલણ પ્રત્યે ધ્યાન અપાવું જરૂરી છે. ઇન્ડેક્સમાં સૌથી આગળ રહેનારાં પાંચ રાજ્યોમાં ચાર દક્ષિણનાં છે, જ્યારે સૌથી નીચેનાં પાંચ ક્રમે પૂર્વોત્તરનાં રાજ્યો આવ્યાં છે. વાસ્તવમાં આદિવાસી રાજ્યોમાં આરોગ્ય અને શિક્ષણના મામલે બાળકોની હાલત સૌથી નબળી છે. એટલે આ રાજ્યો નીચલા ક્રમે હોય એમાં કોઈ આશ્ચર્ય નથી.
બાળ અધિકારોનું સંરક્ષણ થઈ શકે એ માટેની પહેલી શરત બાળકોને કુપોષણથી બચાવવાં, તેમના આરોગ્ય સંભાળની વધુ સારી વ્યવસ્થા અને તેમના શિક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની બાબત છે. જો આ શક્ય થઈ શકે બાળમજૂરી કે બાળ જાતીય શોષણ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવાનો માર્ગ આપોઆપ તૈયાર થઈ શકે છે. પરંતુ આ બધી કામગીરી રાજકોષમાં વધુ નાણાં આવવાથી કે કેટલાક ખાસ પાસાઓની સમૃદ્ધિથી થઈ શકશે નહીં.
તેને માટે જાહેર નીતિઓ અને કાર્યક્રમોના સ્તરે નક્કર પ્રયાસો કરવાની જરૂર છે. આ રિપોર્ટ એ સમયે લાવવામાં આવ્યો છે, જ્યારે ૧૨મી પંચવર્ષીય યોજનાને અંતિમ સ્વરૂપ આપવાની કામગીરી ચાલી રહી છે. જો યોજનાના ઘડનારાઓ અને સરકાર તેનાં તારણો પ્રત્યે ધ્યાન આપે તો બાળ અધિકારો માટે અનુકૂળ સ્થિતિ સર્જવાનો માર્ગ ખૂલ્લો થઈ શકે છે.