ચેન્નાઈની એક સ્કૂલમાં પંદર વર્ષના વિદ્યાર્થી દ્વારા પોતાની શિક્ષિકાની ચપ્પુ મારીને હત્યા કરી દેવાની ઘટના જેટલી આઘાતજનક છે, એટલી જ હચમચાવી મૂકનારી પણ છે. નાની ઉંમરના વિદ્યાર્થીઓમાં વધતી જતી હતાશા ક્યારેક આત્મહત્યા તો ક્યારેક હત્યામાં વ્યક્ત થઈ રહી છે. તેમની આ પ્રતિક્રિયા સમાજમાં વધી રહેલા ગંભીર રોગનું લક્ષણ છે. આ પ્રવૃત્તિ શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સાથે જોડાયેલી એક મૂળભૂત સમસ્યા છે અને ઘરોમાં માતા-પિતા તથા બાળકો વચ્ચે વધતા જતા અંતર તરફ ઇશારો કરે છે.
વિદ્યાર્થીઓની સંપૂર્ણ પ્રતિભાના મૂલ્યાંકનના આધુનિક સિદ્ધાંતો બાદ પણ શાળાઓમાં માત્ર કોર્સને આધારે જ અભ્યાસ કરાવવામાં આવે છે. આજે પણ સ્કૂલના પરિણામને આધારે જ બાળકનો બુદ્ધિઆંક માપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓનું નબળું પ્રદર્શન હોય છે તેમના પર આની ખરાબ અસર પડે છે. એક વાત સ્પષ્ટ છે કે બદલાઈ રહેલાં સામાજિક મૂલ્યોને શિક્ષણ સાથે જોડવાની આપણી નિષ્ફળતા બાળકોને લાગણીમાં આવીને ગુનાઈત પ્રવૃત્તિ તરફ ધકેલી રહી છે.
સ્થિતિ વધુ ગંભીર એટલા માટે પણ છે કે સામાન્ય મધ્યમવર્ગનાં ઘરોમાં માતા-પિતા પાસે બાળકો માટેનો સમય ઘટી રહ્યો છે. બાળકોની પીડા અને મનોવિજ્ઞાનને સમજવા અને તેના અનુસાર તેમને ગાઈડ કરવાની જવાબદારી નિભાવવા માટે જરૂરી સમય કે ઇચ્છાશક્તિના અભાવે ઘરના સભ્યો વચ્ચે એક મોટું અંતર પેદા કર્યું છે. બાળકોને આપવાના પ્રેમની ભરપાઈ ભૌતિક સુવિધાઓ આપીને કરી શકાય નહીં, પરંતુ પરિવારોમાં આવું ચલણ વધી રહ્યું છે એ દુભૉગ્યની વાત છે.
આવી સ્થિતિમાં જો કોઈ બાળક બદલાની ભાવનાવાળી બોલિવૂડની કોઈ ફિલ્મ જોયા બાદ એવી જ હરક્ત કરે છે તો તે બાબત આપણને ભલે હૃદયદ્રાવક લાગે પરંતુ તેમાં આશ્ચર્ય ન થવું જોઈએ. આથી આવી ઘટનાઓને અપવાદ ગણીને છોડી દેવાને બદલે તેમાંથી શિક્ષણની નીતિના ઘડવૈયાઓ, સંચાલકો, શિક્ષકો અને દરેક માતા-પિતાએ બોધપાઠ લેવાની જરૂર છે.