‘કોંગ્રેસ પક્ષના વર્તમાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક પણ પક્ષ પ્રજાનો વિશ્વાસ જીતી શકે એમ નથી. જો તેમના ખુદમાં પણ એવી જ નબળાઈઓ હોય’ - લાલકૃષ્ણ અડવાણીના આ નિવેદન સાથે કોણ અસહમત હશે? ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનચેતના યાત્રા પર નીકળેલા અડવાણીને જ્યારે ડગલે ને પગલે પોતાના જ પક્ષના નેતાઓ પર લાગેલા આરોપો અંગે જવાબ આપવો પડી રહ્યો છે ત્યારે તેમને આ વાતનો અહેસાસ થયો છે. ભાજપના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન સામે અત્યારે સૌથી મોટું વિઘ્ન કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની છબી છે, જે અત્યારે ન્યાયિક કસ્ટડીમાં છે.
અડવાણીએ હવે જણાવ્યું છે કે કેટલાક લોકોની નાની ભૂલોને કારણે પક્ષના નેતૃત્વએ શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે, પરંતુ જ્યારે આ નાની ભૂલો કરવામાં આવતી હતી ત્યારે પક્ષનું નેતૃત્વ કેમ ચૂપ હતું? યેદીયુરપ્પા ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે એ વાત ઘણા સમયથી ચર્ચાતી હતી અને લોકાયુક્તે પણ તેમના પર આરોપ લગાવ્યા હતા પરંતુ જ્યાં સુધી લોકાયુક્તનો અહેવાલ રજુ ના થયો ત્યાં સુધી ભાજપે યેદીયુરપ્પાને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડી રાખ્યા હતા.
આજે પણ રાજ્યમાં પક્ષ માટે તો તેઓ એક ‘સન્માનિત’ નેતા છે. તેમનાં પહેલાં રેડ્ડી બંધુઓ અંગે પણ કંઈક આવી જ સ્થિતિ હતી. જો પ્રારંભિક સમયે જ ભાજપનું હાઈકમાન્ડ આવા નેતાઓને હટાવી દેતું તો આજે પક્ષને ભ્રષ્ટાચારને મુદ્દે સ્પષ્ટતા કરવા મજબૂર ન થવું પડતું. જોકે, અડવાણીને આ વાતનો અહેસાસ થવો એક સારો સંકેત છે કે તેઓ જે હેતુ સાથે નીકળ્યા છે, તેની પ્રજા વચ્ચે તેમની અપેક્ષાઓ અનુસાર છબી બની નથી.
ફક્ત ભાજપ જ નહીં પરંતુ તમામ રાજકીય પક્ષો માટે અત્યારે આત્મમંથનનો વિષય છે કે આખરે ભ્રષ્ટાચારનો મુદ્દો તેમના દાયરામાંથી બહાર નીકળીને એક બિનરાજકીય આંદોલનના હાથમાં કેમ જતો રહ્યો? શું આ બાબત પ્રજાનો તેમનામાં રહેલા અવિશ્વાસનું ઉદાહરણ નથી? આ વિશ્વાસ ફરીથી પાછો મેળવવો તેમને માટે સૌથી મોટો પડકાર છે.