ઇરાકના લોકોએ લગભગ નવ વર્ષ બાદ મુકત હવામાં શ્વાસ લીધો છે. ગુરુવારે અમેરિકાએ પોતાનું સૈનિક અભિયાન સમાપ્ત થવાની જાહેરાત કરી છે. જોકે હજુ પણ ઇરાકમાં હજારોની સંખ્યામાં અમેરિકન સૈન્યના સલાહકારો અને રણનીતિકારો રહેશે. તેમના સૈન્યની અંતિમ ટુકડી ત્યાંથી રવાના થઈ ગઈ છે. માર્ચ ૨૦૦૩માં વ્યાપક વિનાશના હથિયારોનું બહાનું બનાવીને અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો હતો, જેનું ત્યાં અસ્તિત્વ જ નહોતું. આ કાર્યવાહીમાં મૃત્યુને ભેટેલા ઇરાકીઓની સંખ્યા એક લાખથી દસ લાખ સુધીની છે.
લગભગ સાડાચાર હજાર અમેરિકન સૈનિકો પણ મોતને ભેટયા છે. અને અનેક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ યુદ્ધને કારણે અમેરિકા પર જે ભારણ વધ્યું છે તે વર્તમાન આર્થિક સંકટનું પણ એક મોટું કારણ છે. અમેરિકાએ આખરે શું મેળવ્યું? તેણે સદ્દામ હુસેનનો તખ્તા પલટ કર્યો પરંતુ ઇરાકમાં તે સ્થિરતા સ્થાપી શક્યું નથી કે પછી પશ્ચિમ એશિયા અથવા તો આખી દુનિયામાં તે પોતાની તાકાતનો દબદબો જાળવી શક્યું નથી. તેનાથી વિરુદ્ધ અફઘાનિસ્તાન અને ઇરાકમાં તેના સૈનિક અભિયાનને મળેલી નિષ્ફળતાથી તેની તાકાતની મર્યાદાઓ ઉઘાડી પડી છે.
હવે ઇરાક કઈ દિશામાં જશે એ કહી શકાય એમ નથી, પરંતુ ત્યાં અમેરિકાનો દુશ્મન કહેવાતા ઇરાનનો પ્રભાવ પહેલાથી વધુ જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા એ જ તાલિબાન સાથે વાટાઘાટો કરીને ત્યાંથી નીકળવાનો માર્ગ શોધી રહ્યું છે, જેને સત્તામાંથી હાંકી કાઢવા માટે તેણે ત્યાં હુમલો કર્યો હતો. રણનીતિની દ્રષ્ટિએ અમેરિકાની નિષ્ફળતા કરતાં તો તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ છે.
બંને દેશોમાં લોકતંત્રની સ્થાપના કરવાના નામે હુમલો કરાયો હતો. તેને માટે અપનાવેલી પદ્ધતિ, લાખો નિર્દોષ લોકોનાં મોત અને માનવાધિકારોના ઉલ્લંઘને લોકતંત્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પ્રત્યે અમેરિકાની નિષ્ઠાને શંકાસ્પદ બનાવી છે. ભૂતકાળ પર દ્રષ્ટિપાત કરીએ તો ઇરાક પરનો હુમલો એક એવું દુ:સાહસ લાગે છે જેનાથી અમેરિકા ખુદ પણ ઘાયલ થયું છે.