યુવાની ઉત્તમ સમય છે. તમે વર્તમાનમાં આ સમયનો (યુવાનીનો) ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર ભવિષ્યના નિર્માણનો આધાર છે. તમારી શારીરિક તંદુરસ્તીને, શક્તિઓને સમજપૂર્વકનું સ્વરૂપ આપો અને એ પણ અત્યારે જ.
તમે જે વિચારશો તે તમે ચોક્કસ થશો. જો તમે તમારી જાતને અશક્ત ગણશો તો તમે અશક્ત થશો અને મજબૂત ગણશો તો તમે મજબૂત થશો.
૧૨મી જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે, જેમને સમગ્ર વિશ્વમાં યુવાનોના આદર્શ ગણવામાં આવે છે. આ ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે આજે વિશ્વમાં ભારત યુવાનોના દેશ તરીકે ઓળખાય છે. આજે ભારતની વસ્તીના ૫૦ ટકા કરતાં વધુ વસ્તી ૧૫થી ૩૦ વર્ષની વય ધરાવે છે.
વિશ્વના અમુક દેશો જેવા કે બ્રાઝિલ અને ચીનમાં યુવાનોની વસ્તીનું પ્રમાણ ૨૦૨૦-૨૫ના સમય દરમિયાન ઓછું હશે જ્યારે ભારતમાં આ પ્રમાણ હકારાત્મક અને ઊંચો દરજજો ધરાવતું હશે. રશિયા અને જાપાનમાં આ પ્રમાણ નોંધપાત્ર રીતે નીચું હશે. આ યુવાધન આવતી કાલના ઊજળા ભારતના નિર્માણ માટે પોતાની જવાબદારીઓ અદા કરવા તત્પર છે.
ઉચ્ચ શિક્ષણની યોગ્ય વ્યવસ્થાને લીધે દેશમાં સારા વકીલો, એન્જિનિયર્સ, ડોક્ટર્સ વગેરેએ દેશ-વિદેશમાં સારી નામના પ્રાપ્ત કરી છે. દેશને ગર્વ અપાવ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ભૂતપૂર્વ ચેરમેન કે કસ્તૂરીરંગનના જણાવ્યા પ્રમાણે ‘ભારતનું યુવાધન ગુણવત્તાયુકત શિક્ષણથી સજજ છે. તેઓ જ્ઞાન આધારિત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ફાળો આપી શકે છે! આજે આર્થિક વિકાસ કુટુંબનો હોય કે દેશનો હોય બંને સ્થાને આ યુવાધન પોતાને પ્રબળ બનાવીને આર્થિક પ્રગતિ અંગે હકારાત્મક વિચારધારા ધરાવે છે.
શહેરના યુવાન કે ગ્રામ્ય વિસ્તારના યુવાન બંનેનો ઉદ્દેશ એક જ છે, તે છે આર્થિક સમૃદ્ધિ અને કાયમી સધ્ધરતા. આજના યુવાનનો પ્રથમ ઉદ્દેશ આર્થિક સમૃદ્ધિ અને અપેક્ષિત પરિણામ મેળવવાની છે. વિશ્વની મહાસત્તા બનવાની યોગ્યતા ભારત ધરાવે છે જે પોતાના યુવાધનના કારણે પ્રાપ્ત કરી શકશે. કોકાકોલા દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણના આધારે નવી પેઢી (શહેરી કે ગ્રામ્ય વિસ્તારની)નો પ્રાથમિક ધ્યેય શ્રીમંત બનવું છે.
રાજકારણ અને યુવાનોના સંદર્ભમાં બે બાબતો અંગે વિચારણા હાથ ધરી શકાય. મતાધિકારની નવી વયમર્યાદાના કારણે યુવાનોએ રાજકારણનાં સમીકરણો બદલ્યાં છે. તેમના દ્રષ્ટિબિંદુથી યોગ્ય સરકારની પસંદગી કરી છે અને તે અપેક્ષા આધારિત પરિણામો ન આપે તો તેને બદલવાની પણ શક્તિ, સમજ, સામથ્ર્ય ધરાવે છે. નવનિર્માણ આંદોલન એ યુવાધનની જાગૃતતાનું પરિણામ હતું. હાલ ત્રાસવાદ સમગ્ર વિશ્વમાં આતંક મચાવે છે પરંતુ આજનું યુવાધન પણ સામનો કરવાનું દ્રઢ મનોબળ ધરાવે છે. જમ્મુ-કાશ્મીરમાં એક યુવાન સ્ત્રીનો આતંકવાદીઓ સાથેનો સામનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
ગામડાના યુવાનો ખેતીમાં રોકાયેલ છે પણ તેમની ખેતી પ્રત્યેની અરુચિ અને શહેરો તરફનું ગેરવાજબી આકર્ષણ ચિંતાનો વિષય છે. આજના ઉદારીકરણના સમયમાં દેશના આર્થિક વિકાસ, ગરીબી અને બેકારીનાબૂદી માટે ખેતી એક આદર્શ વિકલ્પ છે. ભારતને ‘યુવાન ભારત’ અંગેનો ખિતાબ ખેતી દ્વારા યુવાનોની મદદથી આર્થિક ઉપાર્જન પ્રાપ્ત થવાથી જ મળશે.
સરકાર દ્વારા ખેતીને પૂરતા પ્રમાણમાં પ્રાધાન્ય આપવું જોઈએ અને યુવાનોનો મહત્તમ ઉપયોગ ખેતી અંગે કરવામાં આવે તો આજનો શિક્ષિત યુવાન અસામાન્ય પ્રવૃત્તિઓને સામાન્ય પ્રવૃત્તિઓમાં રૂપાંતરિત કરવા સક્ષમ છે. આજના યુવાનની દ્રષ્ટિ બદલાઈ છે. તે યુદ્ધના સ્થાને શાંતિ ઇચ્છે છે, ભૂખમરાના સ્થાને સમગ્રને અનાજ મળે તેવી ઇચ્છા ધરાવે છે, સંકુચિત માનસ કે સ્વાર્થીપણાના સ્થાને સાથ અને સહકાર ઇચ્છે, સમગ્રલક્ષી વિકાસ ઇચ્છે છે, જીઓ ઔર જીને દોની ભાવના ધરાવે છે. યુવાનો અનેક ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે, કારણ કે તેમની પાસે યુવા વિચારધારા, સર્જનાત્મક- રચનાત્મક શક્તિ છે.
સ્વામી વિવેકાનંદના શબ્દોનું પુનરાવર્તન
યુવાનીનાં સર્વોત્તમ મૂલ્યો એ તેમની અમર્યાદિત અને અવર્ણનીય શક્તિઓ છે. યુવાની એ ખૂબ જ કિંમતી સમય છે. યુવાની ઉત્તમ સમય છે. તમે વર્તમાનમાં આ સમયનો (યુવાનીનો) ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર ભવિષ્યના નિર્માણનો આધાર છે. તમારી સુખાકારી, તમારી સફળતા, તમારું સન્માન અને તમારી નામના તમે આ સમય કેવી રીતે જીવો છો તેના પર આધાર રાખે છે તે યાદ રાખો.
તમારો આ સમય મૂર્તિકારના હાથમાં મૂર્તિના સ્વરૂપ આપવાની તૈયાર માટી જેવો છે. મૂર્તિકાર આ માટીને તેના કૌશલ્યના આધારે ચોક્કસ અને સાચું સ્વરૂપ પોતાની ઇચ્છાના આધારે આપે છે. તમે પણ તમારા જીવનને, ચારિત્રયને, તમારી શારીરિક તંદુરસ્તીને, શક્તિઓને સમજપૂર્વકનું સ્વરૂપ આપો અને એ પણ અત્યારે જ.
ડૉ. પરિમલ ત્રિવેદી, લેખક ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે.