ચીની ડ્રેગન પોતાનું પ્રભુત્વ દર્શાવવા મિલિટરી તાકાતનું પ્રદર્શન કરી રહ્યો છે. દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક ડેટરન્સ વધારવા માટે ચીને ભારતની સરહદે ગોઠવેલાં મિસાઈલો દૂર કરીને તેની જગ્યાએ વધુ લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવાં અને વધુ આધુનિક મિસાઈલ ગોઠવી દીધાં છે. સીએસએસ ફાઈવ ઉર્ફે દોંગ ફેંગ ૨૧-એ નામના મિસાઈલોથી ભારતનાં મુંબઇ સુધીનાં શહેરો પરનો ખતરો વધ્યો છે.
ચીન માત્ર આર્થિક તાકાત નથી વધારી રહ્યું, તેના પિપલ્સ લિબરેશન આર્મીની તાકાત પણ વધારી રહ્યું છે. ભારત સાથેની ૪૦૫૭ કિલોમીટર લાંબી સરહદ પર ચીન અરુણાચલ પ્રદેશ અને અકસાઇ ચીન વિસ્તારમાં સૌથી વધુ સૈન્ય જમાવટ કરી રહ્યું છે. અકસાઇ ચીન કાશ્મીરની પૂર્વે આવેલો વિસ્તાર છે. જ્યાં સુધી પાકા રસ્તાઓ ચીને બાંધ્યા છે અને દિલ્હી સુધી પહોંચવા માટેનો તે સૌથી ટૂંકો માર્ગ છે. આ જ વિસ્તારમાં ચીને થોડા સમય પહેલાં ઘૂસણખોરી કરી હતી. છેલ્લા એક વર્ષમાં ચીનના લાલ લશ્કરે અઢીસોથી વધુ વખત ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરી કરીને સીમોલ્લંઘન કર્યું છે.
ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધારવાની વાતો વારંવાર થતી રહે છે પણ, સામા પક્ષે ચીન તરફથી જવાબ સરહદ પર લશ્કરી કાર્યવાહી દ્વારા જ મળે છે. ભારત પાસે ચીનના પાટનગર બીજિંગ સુધી પ્રહાર કરી શકે એવા મિસાઈલો છે અને અણુબોંબ પણ છે. છતાં, બે બાબતમાં ભારત ચીનની બરોબરી ક્યારેય કરી શકે તેમ નથી. પહેલી, લશ્કરી તાકાત અને બીજી, દગાખોર નીતિ. ભારતનું લશ્કર ચીનની સામે બહુ જ નાનું છે.
૧૯૬૧ના યુધ્ધમાં પિપલ્સ લબિરેશન આર્મીની સામે ભારતના સૈન્યએ પરાજય સહન કરવો પડ્યો હતો. જો કે, તે વખતે સૈનિકો કરતાં પંડિત જવાહરલાલ નેહરુ નામના ભારતના એક ટૂંકી દ્રષ્ટિના વડાપ્રધાનનો વાંક વધુ મોટો હતો. નેહરુ બીજિંગની મુલાકાતે જઈને હિન્દી-ચીની ભાઈ-ભાઈનો નારો ઊંચા ગળે લલકારતા હતા ત્યારે ચીન સરહદે લશ્કર ખડકી રહ્યું હતું. દેશમાં આવીને નેહરુએ તૈયારી વગર જ આપણા સૈનિકોને હિમાલયમાં લડવા મોકલી આપ્યા હતા. હવેની વૈશ્વિક સ્થિતિ જોતાં યુધ્ધ થવાની સંભાવના વધુ ઓછી છે છતાં, ચીનનાં અડપલાંનો જવાબ તો આપવો જ પડશે.