Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Kanti Bhatt
 

લગ્નોમાં ભંગાણ : બ્રિટનની મોટી બીમારી

 
Source: Aas Pass, Kanti Bhatt   |   Last Updated 3:25 AM [IST](05/08/2010)
 
 
 
 
 
કન્નડ ભાષાના નવલકથાકાર અનંત મૂર્તિએ પંદર વર્ષ પહેલાં ‘ભારતી પુત્રી’ પુસ્તકમાં લખેલું કે ‘જ્યારે તમે ક્રાંતિની વાત કરતા હો ત્યારે જો તમે ફેમિલીવાળા ન હો અને પત્ની અને તેના કુટુંબીઓ સાથે કેમ સહઅસ્તિત્વ ટકાવવું તે જાણતા ન હો તો તમારી ક્રાંતિ નકામી છે અને વહીવટકાર તરીકે નકામા છો.

ભારતને પત્ની વગરના બે વડાપ્રધાનો મળ્યા ત્યારે મહત્તમ અશાંતિ અને ગેરવ્યવસ્થા હતી. ત્યારે જ નહેરુના વખતમાં ભાગલા પડ્યા. આજે ગુજરાતમાં આપણને પત્ની વગરના મુખ્ય પ્રધાન મળ્યા છે. હવે નરેન્દ્ર મોદીનું મૂલ્યાંકન તો સમય કરશે પણ બ્રિટન અગર અમેરિકા જોશો તો મોટા ભાગે તમામ પ્રમુખો કે વડાપ્રધાન કુટુંબવાળા હતા. વહાલસોયી પત્નીવાળા હતા.

ભારતમાં અર્થતંત્ર અને રાજકારણ કઠિન અવસ્થામાં હતું ત્યારે આપણને ડૉ.. મનમોહનસિંહ જેવા ગૃહસ્થ વડાપ્રધાન મળ્યા છે, પણ મારે આજે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોનની અંગત વાતો કરવી છે. ડેવિડ કેમેરોન ફેમિલીમેન કહેવાય છે. કુટુંબવત્સલ છે. તેમણે પ્રેમલગ્ન કર્યા છે. આજે તેમની વહાલી પત્ની સમન્તા ગર્ભવતી છે એટલે પતિ સાથે ભારત આવી શક્યાં નહીં.

કુટુંબ સાથે, ભાઈ સાથે, તેમ જ તેમની સરકાર બહુમતીવાળી નથી, પણ લિબરલ પક્ષની ભાગીદારીમાં તે સરકાર ચલાવે છે. તેમની સૌથી આકર્ષક વાત એ લાગી કે ચાર વર્ષ પહેલાં તે માત્ર સાંસદ તરીકે દિલ્હી આવ્યા ત્યારે રિક્ષામાં બેસીને આપણી પાર્લામેન્ટમાં તેની સસ્તી હોટેલથી ગયા હતા. વડાપ્રધાન થયા પછી જ્યારે તેઓ પ્રથમ વાર વોશિંગ્ટન ગયા ત્યારે બ્રિટિશ સરકારનું ભવ્ય સગવડવાળું જેટ વિમાન વાપરી શકતા હતા, પરંતુ બ્રિટન આજે આર્થિક ભીંસમાં છે એટલે બ્રિટિશ એરવેઝના વિમાનમાં બીજા ઉતારુ સાથે સફર કરી હતી.

કેનેડા જેવા સમૃદ્ધ દેશની કેન્દ્રીય બેન્કના ગવર્નર ડેવિડ ડોજ જ્યારે પણ સફર કરે છે ત્યારે વિમાનનો ઇકોનોમી કલાસ વાપરે છે. જ્યારે ગરીબ દેશમાં આપણા મુખ્યપ્રધાનથી માંડીને તમામ રાજ્યોવાળા ફતંગદેવાળિયાની જેમ સ્પેશિયલ વિમાનો કે હેલિકોપ્ટરમાં માખણિયા પત્રકારો સાથે સફર કરે છે. ૯ ઓક્ટોબર ૧૯૬૬ના રોજ જન્મેલા ડેવિડ વિલિયમ ડોનાલ્ડ કેમેરોન ચોથી પેઢીએ બ્રિટનના રોયલ કુટુંબના નબીરા છે પણ ખૂબ સાદાઈથી રહે છે.

તેના કરતાં તો મુંબઈની આર્થર રોડ જેલનો એક વખતનો મહેમાન અબુ સાલેમ મોંઘા R ૧૮૦૦૦નાં ટીશર્ટ પહેરે છે. કેમેરોન કહે છે કે બીજાથી બિલકુલ અનોખો ન દેખાઉં તેવા કપડાં પહેરું છે. તેમના પિતા ડોનાલ્ડ કેમેરોન લંડનના શેરબજારના દલાલ હતા. તેમણે કેમેરોનને ઘર સાચવવામાં પૂરા સંસ્કાર આપ્યા છે. કેમેરોન રસોઈ જાણે છે. હાથે કપડાં ધોઈ જાણે છે. તેમણે ઓકસફર્ડ યુનિ.માં ફિલોસોફી, રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. ભારત આવતાં પહેલાં તેમણે ભારતીય ફિલોસોફી જ નહીં પણ ભારતીય સમાજની વિગતો જાણી હતી.

બ્રિટનમાં જે પાંચ લાખ ભારતીયો છે તેમાં મોટે ભાગે ગોઠવેલાં લગ્નો (એરેન્જડ મેરેજ) થાય છે તે પ્રથા ડેવિડ કેમેરોનને ખૂબ ગમે છે. જો પિતા-માતા અને મુરતિયા ત્રણેય જણે મળીને પત્ની પસંદ કરી હોય તો લગ્નજીવન સરળ ચાલે છે. બાંધછોડ કરતાં આવડે છે. તે પ્રમાણે તેમને સમન્તા સાથે પ્રેમ થયા પછી માતા-પિતા જ નહીં પણ તેના નાના ભાઈ તેમ જ સમન્તાનાં માતા-પિતાની સંમતિથી લગ્ન કર્યાં હતાં. બ્રિટનની વસતિમાં એશિયનો વધી રહ્યા છે એટલે પોતે ત્રણ-ચાર-પાંચ સંતાનોના પિતા થવા માગે છે.

તેનો સૌથી મોટો પુત્ર ઈવાન જન્મથી ખોડવાળો હતો. તે નાની વયે મરણ પામ્યો ત્યારે ડેવિડ કેમેરોન ભાંગી પડ્યા હતા. હવે તેને નાન્સી નામની અતિ સુંદર પુત્રી છે. તે છ વર્ષની થઈ છે. બીજો પુત્ર આર્થર માત્ર ચાર વર્ષનો છે. પુત્રીને તે તાજમહાલ બતાવવા માગતા હતા, પણ નાન્સીએ કહ્યું કે માતા સાથે તાજમહાલ જોઈશ.

આ માણસ ડૉ.. મનમોહનસિંહની જેમ નર્યો અર્થશાસ્ત્રી અને નાણાશાસ્ત્રી છે એટલે જ તેણે ભારત આવીને સીધી ‘‘ધંધા’’ની જ વાત કરેલી. તેના જીન્સમાં ફાઈનાન્સ છે. તેના દાદાના દાદાઓ જર્મનીમાં સરકારને નાણાં ધીરતા પછી ૧૮૭૧માં બ્રિટન આવ્યા. એક દાદા લંડન આવીને ચાર્ટર્ડ બેન્ક ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર થયેલા. તેના એક કાકા-દાદાએ જાપાનની રશિયા સાથે લડાઈ થઈ ત્યારે જાપાનની તિજોરી તિળયા-ઝાટક થઈ તેને નાણાં ધીરેલાં.

બ્રિટિશ પ્રિન્સો એન્ડ´ અને એડવર્ડ જે સ્કૂલમાં ભણેલા તે સ્કૂલમાં કેમેરોન ભણેલા. વિદ્યાર્થી તરીકે તેને કંઈ થવું નહોતું. તેને આર્ટિસ્ટ થવું હતું, પણ આર્ટ્સ સ્કૂલમાં ટીનેજર તરીકે તે ગાંજાની લતે ચડ્યા પછી પિતાએ તેને સ્કૂલ બદલાવી હતી. એ પછી તે અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને ફિલોસોફીમાં રસ લેવા લાગ્યા. તેમને દરેક રમતમાં રસ છે. ટેનિસ ટીમના તે કોલેજકેપ્ટન હતા. ક્રિકેટમાં તેઓ બ્રિટિશ ઓલરાઉન્ડર ઈયાન બોથમના ચાહક છે.

ભારતીય ક્રિકેટરોમાં તેણે કપિલદેવને પોતાનો હીરો માન્યો છે. તેમનો પ્રથમ પુત્ર જ્યારે ખોડવાળો જન્મ્યો ત્યારે તેની ઈશ્વર પરની શ્રદ્ધા વધી અને ભારતીય ભાષામાં તેમણે ‘‘રામ રાખે તેમ રહેવું,’’ તેવી ફિલોસોફી અપનાવી છે. લંડનના ‘‘ડેઈલી મેઈલ’’ના રિપોર્ટર બેનેડીકટ બ્રોગ્નાનને તેમણે કહ્યું ‘દરેક વાતમાં મારા માટે ફેમિલી ઈઝ ફર્સ્ટ છે.’’ દરેક બ્રિટિશરે ભારતીયોની જેમ કુટુંબવત્સલ થવું જોઈએ.

૨૦૦૮માં જ્યારે તે વડાપ્રધાન નહોતા ત્યારે કહેલું કે ‘આખા યુરોપમાં સૌથી વધુ કુટુંબ-ભંગાણ બ્રિટનમાં છે તે અટકવું જોઈએ. લગ્નો વધુ ટકવાં જોઈએ. દા.ત. પંજાબીઓ અને ગુજરાતીઓને જુઓ.’ આવું ભાષણમાં કહ્યા પછી વડાપ્રધાન થયા ત્યારે પ્રથમ કામ એ કર્યું કે લગ્નો ટકે અને પતિ-પત્નીની રિલેશનશિપને ટકાઉ બનાવાય તે માટે ૨.૪ કરોડ પૌંડનું બજેટ પેદા કર્યું છે.

તેમની ફિલોસોફી છે કે બ્રિટિશ પુરુષે ઓફિસ કે ધંધાનું કામ પતે કે ફરજ પતે પછી સૌથી વધુ સમય કુટુંબ સાથે ગાળવો જોઈએ. પત્નીને બાળક ઉછેરવામાં, રસોડામાં મદદ કરવી જોઈએ. આજે વડાપ્રધાન થયા પછી પોતે રસોડામાં પત્ની માટે કોફી બનાવી આપે છે. વડાપ્રધાન થયા નહોતા ત્યારે મોટે ભાગે તે સાઈકલ ઉપર જ સવારી કરીને ઓફિસે જતા. તેમને એક પત્રકારે પ્રશ્ન પૂછયો ‘પત્ની સાથે કદી દલીલ થઈ છે?’ તો કેમેરોને કહ્યું, ‘માત્ર એક મોટરવાળા સાથે દલીલ થયેલી.’ તેણે મને કહ્યું, ‘સાઈકલ ચલાવતા શીખ,’ પણ મેં તેને ધડ દઈને કહ્યું, ‘મોટર ચલાવતા શીખ!’
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.