સામાન્ય કરદાતાઓની અપેક્ષાઓ પૂરી ન થઈ : કોર્પોરેટ ટેક્સ પેયર્સને ફાયદો
ડાયરેક્ટ ટેક્સ કોડ ગાજ્યા પ્રમાણે વરસ્યો નહીં. એમાં પણ, નોકરિયાત વર્ગને તો લગભગ ઠેંગો જ દેખાડી દેવામાં આવ્યો છે. અધૂરામાં પૂરું હોય તેમ તેનો અમલ પણ એક વર્ષ મોડો એટલે કે એપ્રિલ ૨૦૧૨થી થશે. ડાયરેક્ટ ટેક્સ કોડ આવી જતાં હવે કેન્દ્રીય બજેટમાં આવકવેરાના સ્લેબ કે દરમાં ફેરફારની જાહેરાત નહીં થાય. સામાન્ય જનતા માટે બજેટનો ચાર્મ પણ એટલો ઘટી જશે. ડાયરેક્ટ ટેક્સ કોડના મૂળ મુસદ્દામાં સૂચવવામાં આવેલી કરછુટ પણ ઘણા અંશે કાપી નાખવામાં આવી છે. આવકવેરાની મુક્તિ મર્યાદામાં માત્ર ૪૦ હજારનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારને માત્ર ચાર હજાર રૂપિયાનો ફાયદો થશે.
મહિલાઓને અપાતી વધારાની છુટ પણ ખતમ કરી નાખવામાં આવી છે. ટેક્સ કોડના મુસદ્દામાં જે ફરક કરાયો છે તેને કારણે ફાયદા કરતાં નુકસાન વધુ હોય તેવો ઘાટ થયો છે. દળી દળીને જાણે ઢાંકણીમાં ઉઘરાવ્યું છે. કોર્પોરેટ કરદાતાઓને જો કે અઢી ટકાનો લાભ મળ્યો છે અને વિદેશી કોર્પોરેટસને દસ ટકાનો લાભ મળ્યો છે તે દર્શાવે છે કે સરકાર ઉદ્યોગગૃહો તરફ અઢળક ઢળી રહી છે.
સરકારી આંકડાઓની માયાજાળ કહે છે કે ડાયરેક્ટ ટેક્સ કોડ લાગુ કરવાથી સરકારને ૫૩૦૦૦ કરોડનું વાર્ષિક નુકસાન જશે. પણ, તેમાં વિદેશી અને દેશી કોર્પોરેટ્સનો સિંહફાળો હશે તેવું સરકાર બોલી શકતી નથી. કરદાતાઓ માટે આશાનું એક કિરણ એ છે કે ડાયરેક્ટ ટેક્સ કોડનો ખરડો હજુ લોકસભામાં રજૂ થયો જ છે, તેના પર ચર્ચા થવાની બાકી છે. જે સાંસદોએ સંસદને બાનમાં રાખીને પોતાના પગારો વધારી લીધા હતા તેઓ સામાન્ય કરદાતાઓ માટે પણ અવાજ ઉઠાવશે એવી આશા (માત્ર) રાખી શકાય. બલિહારી તો જુઓ, સાંસદોનો પગાર વધારો છેક ૨૦૦૯થી, પાછલી અસરથી લાગુ પાડવામાં આવશે.
જ્યારે કરદાતાઓને માત્ર ૪૦૦૦નો ફાયદો કરાવતો કાયદો પણ એક વર્ષ મોડી અસરથી અમલમાં લાવવાનું નક્કી કરાયું છે. છતાં, એક આશ્વાસન, જો લેવું જ હોય તો, પ્રજા લઈ શકે છે, ચાર દાયકા પૂર્વે જે ભયંકર કરબોજ હતો તેટલો તો બોજ સરકારે નથી નાખ્યો. આ સરકાર તો ગમે તેટલા વેરા વિકાસદરના નામે નાખી શકે છે.