અણ્ણાની ક્ષમતા અને મર્યાદા અણ્ણા લોકનાયક છે, પણ જેપી નથી. એ સરદાર છે, પણ વલ્લભભાઈ નથી. એ મહાત્મા છે, પણ ગાંધી નથી. ભ્રષ્ટાચાર સામેના જંગમાં એમની એક મર્યાદિત ભૂમિકા છે.
મૂળભૂત રીતે અણ્ણા એક પ્રામાણિક અને ભોળા માનવી છે. એમની સૌથી મોટી લાયકાત એ છે કે એમને માટે બે જોડી કપડાં, થોડાં વાસણ, એક ખાટલો ને એક ઓરડી પૂરતાં છે અને એ લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકે છે.
થોડાં વર્ષ અગાઉ મુંબઈની એક અતિ વિખ્યાત હોટેલના પ્રાંગણમાં એક એવોર્ડ વિતરણ સમારંભ યોજાયેલો. એમાં શરત એવી હતી કે રાત્રે દસ વાગ્યે માઈક બંધ કરી દેવામાં આવશે. પછી થયું એવું કે રંગારંગ કાર્યક્રમમાં કેટલાક ગાયકો બહુ રંગમાં આવી ગયા. એમણે મન ભરીને ગીતો ગાયાં. પરિણામે બહુ મોડું થઈ ગયું. પોણા દસ વાગી ગયા.
મોટા ભાગના એવોર્ડ્સ આપવાના હજુ બાકી હતા. પછી તો જે ઝડપે એવોર્ડ અપાયા, આહાહા... ઉદ્ઘોષક લગભગ ચીસો પાડવા લાગ્યો: એવોર્ડ લેવા જલદી આવો... દોડૉ... વિજેતાઓ (જેમાં કેટલાક વૃદ્ધો પણ હતા) બિચારા દોડ્યા, એવોર્ડ લેવા. એકનો એવોર્ડ બીજાને અને બીજાનો ત્રીજાને પણ કદાચ અપાયો... અંધાધૂંધી, લોચાલાપસી, ભાગાભાગી... જોણું યાદગાર બની રહ્યું.
લોકપાલ મામલો પણ કંઈક આવો જ તમાશો બની રહ્યો છે. પહેલાં કોંગ્રેસે ભ્રષ્ટાચારવિરોધી હોવાનો દેખાડો કરવા માટે લોકપાલ બિલનો ઢીલો અને ‘અમથો’ મુસદ્દો તૈયાર કર્યો. એ અંચઈથી અણ્ણા એન્ડ કંપની ભડકી. એ મંડળી જાણે કડક કાઠિયાવાડી ચા બનાવી રહી હોય એમ ઉકળતી ચામાં (લોકપાલ મુસદ્દામાં) મુઠ્ઠા ભરી ભરીને એમણે ચાયપત્તી (કડક જોગવાઈઓ) ઠપકારી.
એ આકરી જોગવાઈ વિશે વિચારણા કરવામાં સરકારે મોડું કર્યું એ જોઈને અણ્ણા ક્રોધે ભરાયા છે: આ મહિને બિલ પાસ નહીં થાય તો હું સોનિયાના ઘર સામે ઉપવાસ કરીશ. હવે અણ્ણાથી ડરતી કોંગ્રેસે એવી નીતિ અપનાવી છે કે લોકપાલ મુસદ્દામાં ધડાધડ સુધારાવધારા કરીને આવતા અઠવાડિયે ફટાફટ લોકસભામાં બિલ પાસ કરી દેવું. પછી રાજ્યસભામાં બિલ અટકે કે વિપક્ષ વાંધા ઉઠાવે તો વાંક વિપક્ષનો, આપણે છુટ્ટા... ટૂંકમાં, લોકપાલ નામનું ગરમ બટેટું ઝડપથી બીજાને પધરાવી દેવાનો કોમિક શો ચાલી રહ્યો છે.
આમ તો લોકપાલના ભાઈ જેવો સીવીસી (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન) એક્ટ, ૨૦૦૩ અને કડક મજાનો પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, ૧૯૮૮ આપણે ત્યાં છે જ, પણ તેનાથી ઝાઝો ફરક નથી પડ્યો. આવામાં, લોકપાલના હોદ્દા પર શોભે એવા કોઈ રામ-પરશુરામ મળી આવશે અને પછી એ દેશને ‘ચોખ્ખોચણાક’ કરી નાખશે એવા ખ્વાબમાં રાચવા જેવું નથી.
વળી, કડક કાયદાનો અતિરેક ક્યારેક નુકસાન પણ કરી શકે. જેમ કે, દેશના હિત માટે જરૂરી એવા કેટલાક હિંમતભર્યા નિર્ણયો લેતી વખતે પ્રામાણિક અમલદારને પણ એવો ડર લાગી શકે કે કાલે ઊઠીને કોઈ કહેશે કે આ નિર્ણય લેવામાં આ અધિકારીને આવો ફાયદો થતો જણાયો છે. પછી એ ‘સંભવિત ફાયદા’ને ભ્રષ્ટ ઇરાદાના પ્રાઈમા ફેસી પુરાવા તરીકે રજુ કરીને પેલા અધિકારી સામે કેસ ચાલી શકે.
આવામાં, અધિકારીઓ પોતાની ચામડી બચાવવાની ચિંતામાં ઉપયોગી છતાં જોખમી નિર્ણયો લેવાનું ટાળવા લાગે એ શક્ય છે. બીજી તરફ, ચીનમાં બન્યું છે તેમ, કડક કાયદાને લીધે લાંચની રકમમાં વધારો થવાની શક્યતા છે. સીધી વાત છે: કાયદા કડક બને, લોકપાલનો જાપ્તો વધે તો લાંચ લેનાર કહેવાનો: જુઓ બોસ, જોખમ ઊંચું છે, માટે રકમ ઊંચી આપવી પડશે. ટૂંકમાં, કડક અને ઝાઝા કાયદાથી દેશનો ઉદ્ધાર થઈ જશે એવું માની લેવા જેવું નથી.
તો શું હાથ જોડીને બેસી રહેવાનું? ના, અણ્ણા સાથે મળીને બૂમરાણ જરૂર મચાવીએ. એ બૂમરાણ એટલી અકસીર છે કે વગર લોકપાલે, એકલી બૂમરાણના જોરે, કલમાડી-રાજા અંદર થઈ ગયા. સરવાળે, જોર કાયદાઓમાં કે અણ્ણામાં નથી, જનતામાં છે. અણ્ણા દાયકાઓથી લડી રહ્યા છે, પણ એમની લડતમાં જ્યારે દેશ આખો જોડાયો ત્યારે એ અચાનક મહાપુરુષ બનીને ઊભર્યા. મૂળભૂત રીતે અણ્ણા એક પ્રામાણિક અને ભોળા માનવી છે.
એમની સૌથી મોટી લાયકાત એ છે કે એમને માટે બે જોડી કપડાં, થોડાં વાસણ, એક ખાટલો ને એક ઓરડી પૂરતાં છે અને એ લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકે છે. આ ઓલિયો માણસ દેશપ્રેમી છે. માટે એ આદરણીય છે. આવામાં, સરકારને સીધીદોર રાખવા માટે અણ્ણાની પડખે રહીને હોબાળો મચાવવામાં કશું ખોટું નથી. એ જ તો અણ્ણાની સાચી ઉપયોગિતા છે કે એમને માધ્યમ બનાવીને પ્રજા પોતાનો આક્રોશ દિલ્હી દરબાર સુધી પહોંચાડી શકે છે.
અણ્ણા આપણા આક્રોશના પ્રતિનિધિ છે અને પ્રામાણિકતાના પ્રતીક છે, એટલું જ. ધેટ્સ ઇટ! એ કોઈ વિચક્ષણ મહાપુરુષ નથી. એ લોકનાયક છે, પણ જેપી નથી. એ સરદાર છે, પણ વલ્લભભાઈ નથી. એ મહાત્મા છે, પણ ગાંધી નથી. માટે, અણ્ણા આંદોલનમાં જરૂર જોડાઈએ, પણ સાથોસાથ યાદ રાખીએ કે અણ્ણા દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકે તેમ નથી અને લોકપાલ બિલથી ઝાઝું કશું વળવાનું નથી. ટૂંકમાં, અણ્ણા-આંદોલનથી ભ્રષ્ટાચાર નાબૂદ થાય કે ન થાય, આક્રોશની સચોટ અભિવ્યક્તિ જરૂર થશે એવી સ્પષ્ટતા સાથે આગળ વધીએ તો સારું પડે. શું કહો છો?