યુરોપ-અમેરિકાનું કથળેલું અર્થતંત્ર, નવી પેઢીની આર્થિક મૂંઝવણો, લોકપાલ બિલ માટે ચાલી રહેલી લડત... આ બધા મામલે ગાંધીજી કેવા ઇલાજો સૂચવે?
‘બાપુજી તો બોલ્યા કરે...’ એવા મણિલાલ ગાંધીના અભિગમને બાપ-દીકરાના અંગત મામલા તરીકે અવગણી શકાય, પરંતુ ‘બાપુ તો બોલે...’ એવું કહીને ગાંધીવાણીને અવગણવાનું આપણને પોસાય એવું નથી.
પુત્ર મણિલાલને એક પત્રમાં ગાંધીજીએ લખેલું: ‘(૧) કરજ ન કરવું, (૨) ઉધાર ધંધો ન કરવો, (૩) ત્યાજય ધંધો ન કરવો - જેવો કે બીડી વેચવાનો, (૪) ઝટ ધનવાન થવાનો ધંધો ન કરવો.’નવી પેઢી ‘ગાંધી-અંકલ’ની આ સલાહોનો વિરોધ આવી રીતે કરી શકે: (૧) કમ ઓન, કરજ (લોન) વિના કેમ ચાલે? હાઉસિંગ લોન વિના ઘર કઈ રીતે ખરીદાય? (૨) ધંધામાં તો ઉધાર લેવું પણ પડે અને દેવું પણ પડે. ક્રેડિટ વિના બિઝનેસ કઈ રીતે થાય? (૩) બે પાંદડે થવા માટે નાનો દુકાનદાર બીડી વેચશે અને અમેરિકા જેવો મોટો દુકાનદાર શસ્ત્રો વેચશે... આવા ત્યાજય ધંધા થવાના જ! (૪) ઝટ ધનવાન થવાની ઇચ્છા ન હોય તો ધંધો કરવો જ શીદને! બેસીને હરિભજન ન કરીએ! પહેલી નજરે આ દલીલો સ્માર્ટ અને સચોટ લાગી શકે, પરંતુ જરા શાંતિથી વિચારતાં, બે-ત્રણ ઝટકા બાદ એવી ટ્યૂબલાઈટ થઈ શકે કે હા યાર, અગાઉ જેમ મણિલાલની, તેમ આજે આખા યુરોપ-અમેરિકાની આર્થિક કટોકટીના પાયામાં આ ચાર ગાંધી-સલાહોની અવગણના વત્તેઓછે કામ કરી ગઈ છે.
કઈ રીતે? આ રીતે... (૧) હોંશેહોંશે લોન લેવાની વૃત્તિને લીધે ભરાઈ પડવું. (૨) ધંધો વધારવા, દેશ ચલાવવા ઉધારી વધારતાં વધારતાં છેવટે ફતનદેવાળિયા થવું. (૩) ત્યાજય ધંધા કરવા: જેવા કે, ક્રૂડ ઓઈલ પર પોતાનો અંકુશ રાખવા અક્ષમ્ય તિકડમબાજીઓ કરવી, શસ્ત્રો પધરાવવા માટે દેશોને શીશામાં ઉતારવા, ડ્રગ્ઝના ધંધા કરવા.( ૪) ઝટ ધનવાન થવા માટે સટ્ટાખોરી, સંઘરાખોરી, દગાખોરી જેવી અનેક ‘ખોરી’ દાનતોને પોષવી. આવું બધું કરો તો છેવટે આવી બને એવું કહેનાર ગાંધીજી ‘અવ્યવહારુ’ લાગે તોપણ ખોટા નથી.
આ વિચાર આવ્યો ‘શાશ્વત ગાંધી’ને લીધે. ગાંધીપ્રેમી રમેશ સંઘવી દ્વારા સંપાદિત‘શાશ્વત ગાંધી’ એક નવું ગુજરાતી માસિક છે. હાલમાં એક વડીલે આ મેગેઝિનના બે અંક જોઈ જવા માટે આપ્યા. એના એક અંકમાં, ઉપર ટાંકેલો, ગાંધીજીનો મણિલાલ પરનો પત્ર મળ્યો, તો અન્ય અંકમાં એક વિચારપ્રેરક ગાંધીવાક્ય મળ્યું: ‘હું મરીશ ત્યારે પણ થોડો જ શાંત રહેવાનો છું?’ આ વિધાન વિશે તંત્રી રમેશ સંઘવી લખે છે: ‘હા, આ ખૂબ સગર્ભ-અર્થગર્ભ વાક્ય છે. ગાંધી મરીને પણ આજે શાંત નથી જ. આજે તેનો અનુભવ વધારે ને વધારે વરતાતો જાય છે. દુનિયાની બેચેની-અશાંતિ દર્શાવે છે કે કંઈક ખોટો જ રસ્તો પકડાઈ ગયો છે.’
જુનિયર ગાંધી (અણ્ણા) આજે લોકપાલ બિલ માટે લડી રહ્યા છે ત્યારે, ‘શાશ્વત ગાંધી’ વાંચતાં સમજાયું કે સિનિયર ગાંધી તો આખેઆખી કેન્દ્રીય સત્તાના જ વિરોધી હતા. કેન્દ્રીય વહીવટ વિના દેશ ચલાવવામાં કેટલી મુશ્કેલી પડે એ વિશે કોઈ બહુ દલીલો કરે તો, પરેશ વૈધ્ય લખે છે તેમ, બાપુ છેવટે એટલું સ્વીકારે: ‘મને ખબર છે કે મારા અંગત વિચારો છતાં કેન્દ્રીય વહીવટ રહેશે જ.’
પોતાનો વિચાર ‘અવ્યવહારુ’ હોવાનું સ્વીકારવા છતાં તેને વળગી રહેનાર ગાંધીજીના આવા અતિ ઊંચા આદર્શોને આંબી ન શકાય તોપણ, એ આદર્શના આધારે આપણે એટલું તો નક્કી કરી જ શકીએ કે આપણે કઈ દિશામાં આગળ વધવું જોઈએ. ‘ભૂમિપુત્ર’માંથી ‘શાશ્વત ગાંધી’માં લેવાયેલા એક લેખમાં વિનોબા જણાવે છે: ‘સરકારની સત્તાને આપણે સમાપ્ત જ કરવા માગીએ છીએ. અને તેની જગ્યાએ લોકોની પોતાની સત્તા સ્થાપવા માગીએ છીએ... રાજ્ય એટલે સરકારની સત્તા, અને સ્વરાજ્ય એટલે દરેક મનુષ્યની સત્તા. માટે ગાંધી-વિચારમાં માનનારાઓ સામે આ એક મુખ્ય ધ્યેય છે: જનતાને જગાડવાનું અને રાજ્યનો ક્ષય કરવાનું. જનતાની પોતાની શક્તિ જાગે, અને રાજ્યનો ક્ષય થાય, તે વિના ગાંધીજીની કલ્પના અનુસારનો સમાજ લાવી શકાશે નહીં.’
કરો વાત. માથા પર બેસીને રાજ કરતું ‘રાજ્ય’ જ ન જોઈએ? આ તો ગાંડા જેવી વાત થઈ. ખુદ ગાંધી પણ કહે છે: ‘મને લોકો ચક્રમ, ધૂની અને ગાંડો કહે છે. હું એ ખ્યાતિને યોગ્ય છું એ સ્પષ્ટ છે. કારણ, હું જ્યાંજ્યાં જાઉં છું ત્યાં મને ચક્રમ, ધૂની અને ગાંડા માણસો મળી આવે છે.’ નેચરલી, ગાંધીજી મૂરખ નથી જ.
‘શાશ્વત ગાંધી’માં એક ઠેકાણે ગાંધીજીની સ્પષ્ટતા વાંચી: ‘હું એવો ભોળો નથી કે એમ કહું કે, સ્વરાજ્યથી સત્યયુગ આવશે. સ્વરાજ મારું કે કોઈનું અપાવ્યું નહીં મળે. પ્રજાની યોગ્યતા સિદ્ધ થયે જ મળવાનું છે. સરકારનો વાંક કાઢવો વ્યર્થ છે. જેવા આપણે છીએ, તેવી સરકાર આપણને મળી રહી છે. આપણે સુધરીએ એટલે સરકાર સુધરી. જ્યારે આપણે સુધરીશું ત્યારે જ આપણને સ્વરાજ મળશે.’
અથૉત્, દેશનો ઉદ્ધાર કોંગ્રેસે કે ભાજપે નહીં, પ્રજાએ કરવાનો છે. માટે, ‘બાપુજી તો બોલ્યા કરે...’ એવા મણિલાલ ગાંધીના અભિગમને બાપ-દીકરાના અંગત મામલા તરીકે અવગણી શકાય, પરંતુ ‘બાપુ તો બોલે...’ એવું કહીને ગાંધીવાણીને અવગણવાનું આપણને પોસાય એવું નથી.