તે એક પાઈલટ હતો. બીજા વિશ્વયુદ્ધમાં તેના બંને પગ કપાઈ ગયા હતા. આમ છતાં પણ તેનું મનોબળ મજબૂત હતું. તે એવું માનતો ન હતો કે તેના બંને પગ કપાઈ ગયા છે.
દુર્ઘટના પહેલાં તે વાયુસેનામાં હતો અને તેનો અડગ નિર્ણય હતો કે તે વાયુસેનામાં જ રહેશે. પોતાની શારીરિક ખોડ હોવા છતાં પણ તેણે તાલીમ લેવાનું જારી રાખ્યું અને એક દિવસ પોતાના કમાન્ડરને કહ્યું કે, હવે હું સરળતાથી વિમાન ઉડાડી શકું છું. કમાન્ડરે જણાવ્યું કે, વાયુસેનાના નિયમો અનુસાર તને ફરીથી વાયુસેનામાં રાખી શકાય નહીં. પાઈલટ બોલ્યો, સામાન્ય વ્યક્તિ માટે પરીક્ષાના જે નિયમ છે, તેનાથી પણ વધુ આકરી પરીક્ષા આપવા હું તૈયાર છું.
જો હું તેમાં સફળ થાઉં તો પછી તમે મને અટકાવી શકો નહીં. પાઈટલ એવી તમામ કપરી પરીક્ષાઓમાં પાસ થયો અને સાથે જ તેણે જર્મનીમાં ૧૫૧ વિમાન તોડી પાડ્યાં. તેની પત્નીએ તેને સમજાવ્યું કે, દેશ માટે તમે ઘણું બધું કરી નાખ્યું છે, પરંતુ તેનો જવાબ હતો કે યુદ્ધ હજુ પૂરું થયું નથી. આખરે જ્યારે વિજય દિવસ ઉજવાયો ત્યારે વિમાનમાં બેસીને તેણે પરેડનું નેતૃત્વ કર્યું હતું.
બધા જ લંડનવાસી તેનું સન્માન કરવા માટે હાજર રહ્યા હતા. આ પગ વગરના મહાન સાહસિક પાઈલટનું નામ હતું ડગ્લાસ બોર્ડર. દ્રઢ સંકલ્પ અને મજબૂત ઇરાદા પ્રતિકૂળતાઓને અનુકૂળતાઓમાં બદલી નાખે છે. આથી ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં મન મજબૂત રાખવું જોઈએ.