એક દિવસ એક ઊંટ પોતાનો ગાળિયો છોડાવીને ભાગી ગયું. તે સતત ભાગતું જ રહ્યું અને ક્યાં સુધી રોકાયું નહીં. એક નદી આવી અને આગળ રસ્તો ન રહેતા તે ત્યાં રોકાયું.
ઊંટ ફરીથી પકડાવાના ભયે હરિયાળાં ખેતરો અને વનરાજી છોડીને દોડ્યું હતું, કે જ્યાં રોકાઈને તે પેટ ભરીને ખાઈ શક્યું હોત. હવે તેની સામે માત્ર નદીનું પાણી હતું. બંને તરફ દૂર દૂર સુધી માત્ર રેતી હતી. તે બિચારું પાણી પીને જમીન પર બેસી ગયું. ભૂખના કારણે તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. આ રીતે ત્રણ દિવસ પસાર થઈ ગયા.
ઊંટ ખોરાક માટે વલખાં મારી રહ્યું હતું. તેવામાં એક કાગડો ત્યાંથી પસાર થતો હતો. તેને ઊંટની દયા આવી અને બોલ્યો ભાઈ હું આગળ ઊંડું છું તું મારી પાછળ આવ હું તને હરિયાળા ખેતર સુધી પહોંચાડી દઈશ. ઊંટ ખૂબ જ ખુશ થઈ ગયું. તેણે જતા પહેલાં તેને પૂછ્યું કે ત્યાં કોઈ માણસ તો નથી રહેતો ને. કાગડાએ હસીને જવાબ આપ્યો કે કોઈ માણસની હાજરી વગર ખેતર હરિયાળું કેવી રીતે રહી શકે? ઊંટ ઉદાસ થઈને બોલ્યું તો હું અહીંયા જ બરાબર છું. કાગડાએ તેને સમજાવ્યો કે અહીંયા તો તું ભૂખે મરી જઈશ. ત્યારે ઊંટ ગર્વથી બોલ્યું અહીંયા કોઈ ગાળિયા નાખીને મને હેરાન તો નહીં કરેને. અહીંયા હું મારી મરજીનો માલિક છું.
સાર એટલો જ છે કે સુવિધાઓ સાથેની પરાધિનતાની તુલનામાં કષ્ટ સાથે મળતી સ્વતંત્રતા વધારે સારી છે, કારણ કે ત્યારે આપણે જીવનના તમામ નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હોઈએ છીએ, જ્યારે પરાધીનતા આપણને માલિકની મરજી પ્રમાણે વર્તવા મજબૂર કરે છે.