સામાજિક ન્યાય અને વિકાસ શું સંપૂર્ણપણે ન્યાયી એવો સમાજ શક્ય છે ખરો? સૌને સાચો ન્યાય મળે, સૌ એ ન્યાય સાથે સહમત હોય એવો કોઈ રસ્તો જડે જ નહીં ત્યારે શું કરવું?
સામખિયાળી-માં બે જણની સાઈકલ અથડાઈ પડવા વિશે ચર્ચા છેડાય ત્યારે પણ એવો ડર રહે કે ક્યાંક આખી ચર્ચા મોદી-ગાંધી-કોંગ્રેસ-ભાજપ તરફ ન ફંટાઈ જાય જાય તો સારું!
ત્રણ બાળકો છે. એમની વચ્ચે વાંસળી એક છે. ત્રણેય વચ્ચે ઝઘડો થાય છે. ત્રણમાંનું એક બાળક કહે છે: વાંસળી મને મળવી જોઈએ, કારણ કે અમારાં ત્રણમાંથી ફકત મને જ વાંસળી વગાડતાં આવડે છે. બીજું બાળક કહે છે: હું બહુ ગરીબ છું. મારી પાસે રમવા માટે એક પણ રમકડું નથી. માટે વાંસળી મને મળવી જોઈએ. ત્રીજું સુથાર-બાળક કહે છે: મેં પોતે વાંસમાંથી આ વાંસળી બનાવી છે. માટે મારી બનાવેલી વાંસળી મને જ મળવી જોઈએ. હવે બોલો, તમારે જો ન્યાય તોળવાનો હોય તો તમે કોને વાંસળી આપો?
વિખ્યાત અર્થશાસ્ત્રી અમત્ર્ય સેને તેમના પુસ્તક ‘ધ આઇડિયા ઓફ જસ્ટિસ’માં આ ઉદાહરણ રજુ કર્યું છે. સારું છે કે એમણે વાર્તામાં અતિ અમીર એવું ચોથું બાળક નથી ઉમેર્યું.
નહીંતર આખી ચર્ચા બાજુ પર રહી જાય અને અતિ અમીર બાળકનાં મમ્મી-પપ્પા મોંમાગી કિંમત ચૂક્વીને વાંસળી ખરીદી લે... ખેર, વાંસળીના સાચા હકદાર લાગી શકે એવાં ત્રણ બાળકોના આ ઉદાહરણ દ્વારા અમત્ર્ય સેને સવાલ એવો ઉઠાવ્યો છે કે આપણે જેને ‘આદર્શ ન્યાય’ કહીએ છીએ એવું કશું હોય છે ખરું? સેનસાહેબ એ વાતે સ્પષ્ટ છે કે વાંસળી કોને મળવી જોઈએ એ સવાલનો એક પણ ‘સાચો’ જવાબ છે જ નહીં.
હા, આપણે કરુણાને કેન્દ્રમાં રાખીને વિચારીએ તો ‘વાંસળી ગરીબ બાળકને મળવી જોઈએ’ એવો જવાબ આપી શકીએ. બીજી તરફ, લોકશાહી પ્રણાલીને અનુસરીએ તો બહુમતી કહે તેને વાંસળી આપી શકાય અથવા તો એકદમ નિષ્પક્ષ ચુકાદો આપવા માટે સિક્કા ઉછાળવા જેવી રેન્ડમ પદ્ધતિ પણ અપનાવી શકાય. સરવાળે, આ એક એવો સવાલ છે જેમાં બધાને સ્વીકાર્ય હોય એવો કોઈ જવાબ મેળવી શકાય તેમ નથી.
પણ આપણને જવાબની ઉતાવળ હોય છે. લટકતો સવાલ આપણને દાંતમાં ફસાયેલા રેષાની જેમ ખૂંચે. ‘જવાબની ઉતાવળ’ આપણને એવી કનડે કે આપણને સ્પષ્ટ જવાબ ઝટ ન સૂઝે તો વાતને આપણે ક્યાંક બીજે જ ફંટાવીને ભળતો જ જવાબ શોધી કાઢીએ. જેમ કે, આજકાલ આર્થિક અસમાનતા કે અસ્પ્úશ્યતા જેવી કોઈ નક્કર સામાજિક સમસ્યા વિશેની નક્કર ચર્ચા આપણે કરી રહ્યા હોઈએ ત્યારે હજુ આપણે ‘જાગીએ’ એ પહેલાં બે ભળતાં જ વિકલ્પો - નરેન્દ્ર મોદી તથા રાહુલ કે સોનિયા ગાંધી આખી ચર્ચામાં ટપકી પડે.
સામખિયાળીમાં બે જણની સાઈકલ અથડાઈ પડવા વિશે ચર્ચા છેડાય ત્યારે પણ એવો ડર રહે કે ક્યાંક આખી ચર્ચા મોદી-ગાંધી-કોંગ્રેસ-ભાજપ તરફ ન ફંટાઈ જાય તો સારું! ચર્ચા આવી રીતે આડી ફંટાયા બાદ મૂળ મુદ્દો ભૂલાઈ જાય અને વાત લડાઈ પર ઉતરી આવે. એક વાર બે જણ આવી રીતે ઝઘડી પડ્યા. પહેલો માણસ બોલ્યો: ‘એક મારીશ તો બત્રીસ પાડી દઈશ.’ બીજો બોલ્યો: ‘બે મારીશ તો ચોંસઠ પાડી દઈશ.’ વચમાં કોઈ ત્રીજો ટપકયો: ‘ભાઈ, માણસના મુખમાં બત્રીસ જ દાંત હોય.’ બીજાએ સ્પષ્ટતા કરી: ‘મને ખબર જ હતી કે તું વચ્ચે ટપકીશ. એટલે બત્રીસ તારા અને બત્રીસ પેલાના, કુલ ચોંસઠ!’
ખેર, વાત ચાલતી હતી સામાજિક ન્યાયની. પેલા ત્રણ બાળકોમાંથી કોને વાંસળી આપવી? આવી મૂંઝવણોમાં ગાંધીબાપુનો નિયમ એકદમ સાદો અને સ્પષ્ટ હતો: ‘સૌથી છેવાડાના માણસને લાભ કરે તે સારું.’ મતલબ, વાંસળી સૌથી ગરીબ બાળકને આપવી. બાકીનાં બે બાળકો ઓછા ગરીબ (કે વધુ અમીર) હોવાને લીધે એમનાં મમ્મી-પપ્પા માર્કેટમાંથી બીજી વાંસળી ખરીદીને અપાવી શકે. આ તારણ બાલશિ-વેવલું-આદર્શવાદી લાગે છે? ઓકે, તો આનાથી એકદમ ઊંધું વિચારીએ.
માની લો કે સૌથી છેવાડાના આદમીને બદલે સૌથી ટોચના આદમીના હિતને પ્રાધાન્ય આપીએ તો શું થાય? આવી સિચ્યુએશનનો તાજો, ગરમાગરમ દાખલો આપણી સામે છે. એ દાખલો છે: અમેરિકાનો (અને કંઈક અંશે યુરોપનો પણ). આ દેશોએ (ત્યાંના નેતાઓએ) સૌથી છેવાડાના માણસને ઉગારવાને બદલે સૌથી ટોચના અબજો-ખર્વોપતિઓને તથા એમના હિતને પ્રાધાન્ય આપતી બેન્કોને ઉગારવાને વધુ પ્રાથમિકતા આપી... પરિણામ આપણા સૌની નજર સામે છે. એ દેશોનાં ચલણ, એમનાં અર્થતંત્ર... બધું રમણ-ભમણ થવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
છેવટે, અમત્ર્ય સેન પણ કંઈક એવું જ કહે છે કે ‘સંપૂર્ણપણે ન્યાયી સમાજપ્ત ભલે શક્ય નથી, પરંતુ જે વાતે અન્યાય દૂર કરવાનું આપણા હાથમાં છે એ તો કરીએ. જેમ કે, હૈડ હૈડ થતી સ્ત્રીઓ, લઘુમતી જુથનું દમન, મજુરોનું આકરું શોષણ... મુદ્દે, સામાજિક ન્યાય અને વિકાસ જેવા અતિ પેચીદા મામલે મૂંઝાઈ જવાને બદલે સાદામાં સાદો ક્રાઈટેરિયા એવો રાખવો કે સૌથી છેવાડાના માણસનું હિત જાળવે એ માર્ગ સાચો, એ માર્ગે ઓછામાં ઓછા લોચા પડે, એ માર્ગ લાંબા ગાળે સૌને સુખી કરે... સિમ્પલ. બોલો, આમાં ગૂંચવાડો ક્યાં છે?