હત્યાકાંડ: નિદાન અને ઇલાજ હિંસાની અનેક અણધારી ઘટનાઓ અસલમાં ઓચિંતી હોતી નથી. આવી અનેક હિંસા સાદા ઇલાજોથી રોકી શકાય તેવી હોવા છતાં તેને રોકવામાં નથી આવતી.
આપણે ત્યાં સમસ્યા એ છે કે માણસ સાવ જ ગાંડો થઈ જાય ત્યારે જ એ મનોરોગી ગણાય છે. આ ખોટું. આ જોખમી. મનોરોગની સારવાર ત્યારે જ શક્ય છે જ્યારે પહેલાં તો એ સ્વીકારવામાં આવે કે ‘કંઈક લોચો છે.’
ગયા શનિવારે સાણંદ નજીકના એક મંદિરમાં બાવા ધર્મનાથે લોખંડના સળિયા વડે ચારને મારી નાખ્યા, ચારને ઘાયલ કર્યા અને પોતે આપઘાત કરી લીધો. કહે છે કે ધર્મનાથ અફીણ લેતા. અલબત્ત, અફીણ-ગાંજો લેનારા બધા બાવા ખૂની નથી હોતા. પણ, ‘હમ સબ કો માર ડાલેંગે’ એવી જોખમી ચેતવણી અનેકવાર ઉચ્ચારી ચૂકેલા, ધર્મનાથ જેવા માથાફરેલ બાવાજીને છુટથી અફીણ લેવાની છુટ હોય, એ કેવું? આવા સાધુઓને ડિએડિકશન સેન્ટર (વ્યસનમુક્તિ કેન્દ્ર)માં તબીબી સારવાર દ્વારા અફીણ (કે ગાંજા)મુક્ત કરવાનું ન વિચારી શકાય? ના, કારણ કે બાવાઓ મસ્તીમાં હોય છે, કહ્યામાં નથી હોતા.
એમ તો, સાધુઓ સામે ચાલીને પોતાની સેક્સ્યુઆલિટી અંકુશમાં રાખવા માટે સરળ અને સુરક્ષિત શસ્ત્રક્રિયા પણ કરાવી શકે, જિંદગીભર નૈસિર્ગક જાતીય આવેગ સામે લડવાને બદલે તેઓ થોડી મિનિટના ઓપરેશન દ્વારા જાતીયતાનો છેદ ઉડાવીને શાંતિથી પ્રભુને ભજી શકે. મેડિકલ સાયન્સ એમને ભક્તિમાં મદદરૂપ બની શકે. પણ ધર્મપુરુષો સર્જરી નહીં કરાવે. કેમ? એ તો એ પોતે જાણે, રામ જાણે, અલ્લા જાણે, ગોડ નોઝ.
છોડો, મુદ્દો વીર્યપાતનો નથી, રક્તપાતનો છે. આસાનીથી રોકી શકાય એવા અનેક રક્તપાત આપણે રોકતા નથી. સૌથી સાદો દાખલો છે રોડ એક્સિડન્ટનો. એમાં ઓછામાં ઓછી ઇજા થાય એ માટે સીટબેલ્ટ અને હેલમેટ જેવા સાદા ઇલાજો છે જ. પણ અમુક મરદના ફાડિયા હેલમેટ ન પહેરવા બાબતે એવી દલીલ કરે કે ‘મારું માથું છે. એમાં તમારે શું?’ ભલે ભાઈ, માથું તમારું છે, પણ એ ફૂટે ત્યારે જે લોહી વહે છે એ કોઈને જોવું ગમે તેવું નથી હોતું તેનું શું?
કેટલાક લોકો મગજની બીમારીને કારણે રક્ત વહાવતા હોય છે. જેમ કે, બાવાજી ગાંડા થયા એના ચોથા જ દિવસે પૂનામાં એક એસટી ડ્રાઈવર ગાંડો થયો. એણે અડધા કલાક સુધી બેફામ બસ હાંકી. રસ્તામાં જે સામે આવ્યું તે ગયું. પંદરેક કિલોમીટરની એ હિંસક યાત્રામાં એ ડ્રાઈવરે આઠ જણને મોતને ઘાટ ઉતાર્યા. કહે છે કે એ ડ્રાઈવર સ્કિઝોફ્રેનિયાનો દરદી હતો. અગાઉ એણે આ રોગની સારવાર લીધેલી, પણ પછી એણે દવા લેવાનું બંધ કરી દીધેલું.
એ ડ્રાઈવરે પોતાના મનોરોગને ગંભીરતાથી ન લીધો. આપણે ત્યાં સમસ્યા એ છે કે માણસ સાવ જ ગાંડો થઈ જાય ત્યારે જ એ મનોરોગી ગણાય છે. આ ખોટું. આ જોખમી. મનોરોગની સારવાર (અને ઇવન નિદાન પણ) ત્યારે જ શક્ય છે જ્યારે પહેલાં તો એ સ્વીકારવામાં આવે કે ‘કંઈક લોચો છે’. પણ આપણે ત્યાં માનસિક માંદગી સ્વીકારવાનું કલ્ચર જ નથી. પછી જ્યારે રુગ્ણ માનવી રક્તપાત કરે ત્યારે આપણને એ ઘટના અણધારી લાગે, પણ વાસ્તવમાં એ હિંસા અણધારી હોતી નથી.
આતંકવાદી હુમલાથી બચવા આપણે ઠેર ઠેર ‘આપ કો કોઈ ભી વસ્તુ અપરિચિત યા સંદેહજનક લગે...’ એવી ચેતવણીઓ સાંભળીએ છીએ, પણ એક આખો ને આખો માણસ સંદેહજનક અણસાર આપતો હોવા છતાં આપણે ચેતતા નથી. માન્યું કે અમુક લોકો કોઈ આગોતરો અણસાર આપ્યા વિના હિંસક બનતા હોય છે. પણ એવા અસંખ્ય કિસ્સા જોવા મળે છે જેમાં ખૂન થાય એ પહેલાં ખૂનીની બેચેની ચિલ્લાઈને હિન્ટ આપતી હોય છે. પતિ-પત્ની પારસ્પરિક હત્યાના સમાચાર છાપામાં સતત છપાતા હોય છે.
આવા કિસ્સામાં બેય વચ્ચે કંકાસ લાંબા સમયથી ચાલતો હોય છે. ઇવન, સ્વજનો પણ ડરતાં હોય છે કે આ બે ક્યાંક રક્તપાત ન કરે તો સારું! છેવટે રક્તપાત થાય. વર વહુને મારી નાખે, યા વહુ બાળકોને મારીને આપઘાત કરી લે કે પતિને હણે... પણ વાત આટલી હદે વણસે એ પહેલાં છુટાછેડા કે કામચલાઉ અલગાવ જેવા અહિંસક ઇલાજો શા માટે નથી વિચારવામાં આવતા? કારણ કે ઘરમાં વાસણ તો ખખડે... એ બધું આપણે ત્યાં સામાન્ય ગણવામાં આવે છે.
એમ તો આપણે ત્યાં ઉશ્કેરણીજનક ભાષણો પણ નોર્મલ ગણાય છે. પ્રાંતવાદી-કોમવાદી-જાતવાદી વગેરે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી સજાપાત્ર ગુનો હોવા છતાં આપણે ઉશ્કેરકોને આદરભેર ઝેરીલા ભાષણ માટે મંચ પૂરો પાડીએ છીએ. ભાષણ કરનાર જાણતો હોય છે કે શેતાન સૌની અંદર હોય છે. ભાષણકાર ભાષણ વડે શેતાનને ચરણ ચાંપી, મૂંછ મરડીને જગાડે છે. પછી આવાં ભાષણોથી દોરવાઈને અને મનોમન વર્ષોથી પોષેલા ધિક્કારના જોરે માણસો રમખાણ કરે, સ્ટેબિંગ કરે, લોહી વહાવે ત્યારે હોબાળો મચે.
એના કરતાં ઉશ્કેરણી પર પહેલેથી જ ચુસ્ત પ્રતિબંધ હોય તો! મગજના રોગથી પીડાતા રોગીને સમયસર સારવાર અપાતી હોય તો! હેલમેટનો કાયદો ચુસ્ત રીતે પળાતો હોય તો! ધર્મનાથ જેવા બાવાઓને અફીણ-ગાંજા છોડાવવા ડ્રગ ડિએડિકશન સેન્ટરમાં મોકલાતા હોય તો! મોટા પાયે ઝઘડતાં વર-વહુને એકમેકથી છેટાં રખાતાં હોય તો! તો ભલે તમામ નહીં, પણ અનેક રક્તપાત અટકી શકે... ન અટકે?