ક્રિકેટમાં હાર-જીત ક્રિકેટ માણવા માટે રમતની સમજ ઉપરાંત ચપટીક સેન્સ ઓફ હ્યુમર હોય તો સારું પડે. એ સેન્સ વિના આ રમત સેન્સલેસ તો ઠીક, પેઈનફુલ પણ સાબિત થઈ શકે!
આપણા ક્રિકેટરો પેલા બાવાઓ જેવા છે. બાવા તો મહજ-સહજ બાવા જ હોય છે. આપણે એમને ઈશ્વર બનાવી દઈએ તો વાંક કોનો? બાવાનો કે આપણો?
આપણો કંઈ ભરોસો નહીં. ક્રિકેટવિશ્વમાં ભારત (તેમ જ પાકિસ્તાન)ની ટીમ મર્ક્યુંરિયલ એટલે કે જેના વિશે ખાતરીપૂર્વક કશું કહી શકાય નહીં એવી છે. આપણાવાળા જોરમાં હોય ત્યારે વન-ડેનો વર્લ્ડ કપ જીતી દેખાડે. પછી ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા જઈને ‘ધબો નારાયણ શો’ પણ કરી દેખાડે. આપણા સચિન-સહેવાગ વન-ડેમાં બેવડી સદીયું ઠોકી દેખાડે પણ એ જ સચિન-સહેવાગ પછી ટાઢાં ટબૂકલાં પણ બની જાય. આને કહેવાય સ્પોન્ટેનિટી એટલે કે ઉત્સ્ફૂર્તતા (અંગ્રેજી શબ્દ સમજાયો કે ગુજરાતી કે એકેય નહીં?) માત્ર ખેલાડી જ શા માટે? આપણે ચાહકો પણ એવા જ મર્ક્યુંરિયલ.
ટીમ બહુ હારવા માંડે ત્યારે ખેલાડીઓને એડ (જાહેરખબર)માંથી થતી આવક સામે પણ આપણને વાંધા પડવા લાગે. નાઉ કમ ઓન, ચાર દિન કી ચાંદની જેવી ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન એડના વેશમાં સાક્ષાત લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે વળી મોં ધોવા જવાનું? આવી મૂર્ખામી ભારતીય માણસ કરી જ કઈ રીતે શકે? માટે, આપણા ક્રિકેટરો પ્રેમથી એડ સ્વીકારે છે અને એડને કારણે મેદાન પર દેખાવ કથળે છે એ તો આખી દલીલ જ શંકાસ્પદ છે.
જો એવું જ હોય તો ભારતીય ખેલાડીઓ ભારતમાં હારતા જ હોત (મોટા ભાગની એડનું કામ ભારતમાં થાય છે) અને વિદેશપ્રવાસમાં જીતતા જ હોત (ત્યાં એડની દખલઅંદાજી ઝાઝી નથી હોતી). પણ ગયા વર્ષે બન્યું શું? એડની રાજધાની મુંબઈમાં આપણે વર્લ્ડ કપ જીત્યા. પછી ઇંગ્લેન્ડના પ્રવાસમાં આપણે ચારેચાર ટેસ્ટ હાર્યા, એકમાત્ર ટી-૨૦માં હાર્યા, પાંચમાંની એક વન-ડે ધોવાઈ, એક ટાઈ થઈ અને બાકીની ત્રણેય વન-ડે પણ હાર્યા. હવે તમે જ કહો, ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ખેલાડીઓ શું એડ કરી કરીને ઊંધા પડી ગયેલા? ના. તો પછી? પછી શું? તરત ઇંગ્લેન્ડ ભારતના પ્રવાસે આવ્યું.
એ વખતે આપણા ખેલાડી એડ શૂટ કરવા લાગેલા, પણ રિઝલ્ટ જુઓ સાહેબ! આપણા ખેલાડીઓએ એડની હારોહાર ઇંગ્લેન્ડને પણ ‘શૂટ’ કરી દીધું. પાંચેય વન-ડેમાં ઇંગ્લેન્ડને હરાવીને, કુચડો મારીને એને ઘરભેગું કરી દીધું. પછી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત આવી. તો એને પણ ટેસ્ટ શ્રેણીમાં ૨-૦થી અને વન-ડે શ્રેણીમાં ૪-૧થી આપણે હરાવી દીધું. પછી આવી હાલવાળી ઓસ્ટ્રેલિયાની ટૂર. ત્યાં જાહેરખબરનું ડિસ્ટ્રેકશન (ખલેલ) ન હોવા છતાં ચારેચાર ટેસ્ટમાં અને પહેલી વન-ડેમાં ભૂંડી રીતે હાર્યા. પછી વળી ગઈ કાલની મેચમાં ઓસ્ટ્રેલિયાને નાના બચ્ચાની જેમ, ૮ વિકેટે કચડ્યું.
ટૂંકમાં, એડ કે નો એડ, આપણે તો ભઈ આવા... એવી દલીલ કરવામાં આવે છે કે આપણા ખેલાડીઓ પૈસા કમાવામાં ડૂબેલા હોવાને લીધે પૂરતી (ગોરા ક્રિકેટરો જેટલી) પ્રેક્ટિસ નથી કરતા. પણ બાત કો સમજો જરા... ભારતમાં મોટો માણસ મહેનત-મજુરી કરે? પરસેવો પાડે? થોડાં વર્ષ પહેલાં ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી એ વખતે એક ટીવી ચેનલે કરેલા શુટિંગમાં એવું જોવા મળેલું કે જોગિંગ દરમિયાન ટીમના (એ વખતના) કોચ ગેરી કર્સ્ટન (સાઉથ આફ્રિકન પ્રૌઢ) આખી ટીમ કરતાં આગળ ટેસથી, નિરાંતે દોડતા હતા, જ્યારે આપણા જુવાન ખેલાડીઓ થોડી જ વારમાં હાંફવા લાગેલા.
કેમેરામાં આ પોલ પકડાતી જોઈને અમુક ખેલાડી તો સરકીને મેદાન પરના હોર્ડિંગ્ઝની પાછળ સંતાઈ ગયેલા. બેઝિકલી, ભારતીય પ્રજા ખેલકૂદમાં ઝાઝો પરસેવો પાડવા માટે જાણીતી નથી. એટલે જ તો ઓલિમ્પિક્સમાં આપણો ગજ નથી વાગતો અને આપણા દેશમાં યોજાતી મેરેથોનમાં દેશી માણસ ક્યારેય નથી જીતતો. હવે આવા ભારતમાં ‘ભારતીય’ ક્રિકેટરો ન પાકે તો શું ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પાકવાના? વાત કરો છો... અસલમાં ભારતીય ક્રિકેટરો ભારે થ્રિલિંગ છે, રોમાંચક છે. એમની (સારી કે ખરાબ) રમત કલ્પનાતીત હોય છે. એમાં વળી ઓલું મેચ ફિક્સિંગનું ભૂત પણ વચ્ચે વચ્ચે ધૂણે.
એ આખી વાતને ઓર ઉત્તેજક બનાવે. કંઈ ખબર જ ન પડે કે ફલાણી મેચ ફિકસ થયેલી કે પછી કુદરતી ક્રમમાં હાર-જીત થઈ... તો, એમ વાત છે. આપણા ખેલાડીઓ આપણા જેવા જ છે. એ આપણા જ ‘છોકરાંવ’ છે. માટે, એમની રમત માણવી હોય તો જેમ પહેલા-બીજા ધોરણમાં ભણતાં આપણા છોકરાંવ ‘કોથળાદોડ’ કે ‘લીંબુ-ચમચી’ દોડમાં ભાગ લે ત્યારે એમને જીતતા જોઈને પણ આપણે રાજી થઈએ અને એ ભપ્પ થઈ જાય તો પણ આપણે એમને હસીને તેડી લઈએ... એવો જ અભિગમ ક્રિકેટરો પ્રત્યે દાખવવા જેવો છે.
બીજી રીતે જોતાં, આપણા ક્રિકેટરો પેલા બાવાઓ જેવા છે. બાવા તો મહજ-સહજ બાવા જ હોય છે. આપણે એમને ઈશ્વર બનાવી દઈએ તો વાંક કોનો? બાવાનો કે આપણો? માટે, ક્રિકેટ (કે આખું જીવન સુધ્ધાં) માણવું હોય તો ટેક અ ચિલ પિલ, ટેક ઇટ ઇઝી, દિલ પે મત લે યાર. ક્રિકેટ માણવા થોડીક સેન્સ ઓફ હ્યુમર જરૂરી છે. એ સેન્સ વિના ક્રિકેટ સેન્સલેસ તો ઠીક, ક્યારેક ખાસ્સું પેઈનફુલ લાગી શકે. વાત સાચી કે ખોટી?સેન્સિબલ કે નોનસેન્સ?