નાના વેપારીને સાવ નાનો સમજવા જેવો નથી. ભારતનો વેપારી વર્ગ હજારો વર્ષથી ‘વિદેશી આક્રમણો’ છતાં પોતાનો રસ્તો કાઢતો રહ્યો છે.
આપણો વેપારી માયકાંગલો નથી, ગરીબડી ગાય નથી. ગુજરાતી બચ્ચો જગતના કોઈ પણ ખૂણે (વોલમાર્ટના દેશ અમેરિકામાં પણ) હાટડી માંડીને પથરામાંથી પાણી કાઢી દેખાડે છે.
દીપક સોલિયા, લેખક જાણીતા કોલમિસ્ટ છે.
વડીલો કહે છે: ખેતી ઉત્તમ, વેપાર મધ્યમ અને નોકરી અધમ... ખરેખર? ‘ઉત્તમ ખેતી’માં કોને રસ છે? નાના વેપાર કરતાં મોટી નોકરીનું મહાત્મ્ય દિવસોદિવસ વધી રહ્યું છે એ કોણ નથી જાણતું? વેપાર અને નોકરી વચ્ચેની રસ્સીખેંચ જોરમાં છે. મોટા મોલના મોટાં માથાં નાના દુકાનદારોને કહે છે: ‘તમે તમારી દુકાન છોડો, અમારે ત્યાં નોકરીએ લાગી જાવ.’ નાના વેપારી હોવું એ આજની તારીખમાં ખાવાના ખેલ નથી કારણ કે મોટા ખેલાડીઓ નાના વેપારી સામે મોટો પડકાર બની રહ્યા છે.
વોલમાર્ટ અને ટેસ્કો જેવી જાયન્ટ વિદેશી રિટેલ કંપનીઓ ભારતમાં ન આવે તોપણ, આજની તારીખે દેશમાં તાતા (સ્ટારબઝાર, વેસ્ટસાઈડ), અંબાણી (રિલાયન્સ રિટેલ) તથા કિશોર બિયાની (પેન્ટાલૂન, ફ્યુચર ગ્રુપ) જેવા દેશી મહારથીઓના મોટા મોલ ઓછા નથી. શહેરી લોકો આજે પણ રજાના દિવસે મોટા મોલમાં જઈને મોટી ટ્રોલી લે છે. એ ટ્રોલીમાં પહેલાં બાળકો ગોઠવાય છે, પછી જરૂરી ગ્રોસરી ઉપરાંત બિનજરૂરી ચીજો ખડકાય છે. એમાંની ઘણી વસ્તુ ઘરની બાજુમાંની નાની દુકાનમાં પણ મળતી હોય છે પરંતુ એ ત્યાંથી ખરીદવાને બદલે એ બધું એ.સી. મોલમાંથી ખરીદાઈ રહ્યું હોવાથી નાના વેપારીઓનો વકરો ઘટી જ રહ્યો છે.
આવામાં, જો વિદેશી રિટેલ જાયન્ટ્સ ભારતમાં ધસી આવે તો નાના વેપારીઓનું ઝડપથી આવી બને. પણ જો એમને ન આવવા દેવામાં આવે તો શું નાના વેપારીઓ ફાવી જવાના? ના, ફિલ્મ ‘નયા દૌર’માં સંઘર્ષવીર દિલીપકુમારની ઘોડાગાડી એક વાર તો રેસમાં યાંત્રિક વાહનને હરાવી દે છે, પણ વાસ્તવમાં છેવટે ઘોડાગાડી હારી જ ગઈ. નાના વેપારી માટે આગળઉપર ચઢાણ કપરાં જ છે. ‘મોટું નાનાને ખાય’ એ નિયમ જેટલો માછલાંને એટલો જ દુકાનોને પણ લાગુ પડે છે.
અલબત્ત, નાનાં માછલાં ખવાઈ જતાં હોવા છતાં એમની આખી જાતિ નાબૂદ નથી થતી. એમ, દેશી-વિદેશી મહારથીઓ આખા દેશની કરિયાણાની તમામ નાની દુકાનોનું નામોનિશાન નહીં મિટાવી શકે કારણ કે, ભારત દેશનો નાનો વેપારી પણ સાવ નાનો નથી. એની આગવી લાયકાતો છે, દેશમાં એનું આગવું સ્થાન છે. ગામડે ગામડે મેગા મોલ નથી બનવાના.
વળી, કરિયાણાની દુકાન ઘરની સાવ બાજુમાં જ હોય, વેપારી આપણો વર્ષો જુનો ઓળખીતો હોય, એ ઝડપી સેવા ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં ઉધારીની સગવડ પણ આપતો હોય... આ બધું મોટા મોલમાં શક્ય નથી. અને, મોલનો કર્મચારી નોકરિયાત છે, જ્યારે દુકાનનો માલિક માલિક છે. નોકરિયાત કરતાં માલિક વધુ જોશથી ઝઝૂમવાનો જ. મુદ્દે નાની દુકાનો વિરુદ્ધ મોટી કંપનીઓનો જંગ જોશીલો હોવાનો, એકતરફી નહીં.
બાકી તો પરિવર્તન સંસારનો નિયમ છે. તમે જ કહો: તમારા દીકરા-દીકરીને પિઝા-પાસ્તામાં વધુ રસ છે કે રિંગણાના ઓળામાં? એમને રોકસ્ટારનું રોક મ્યુઝિક વધુ ગમે કે નારાયણ સ્વામીનું ફોક મ્યુઝિક? ‘વિદેશી આક્રમણ’ આપણા ખોરાક, સંગીત, ભાષા... બધે જ છવાઈ રહ્યું છે. એ આક્રમણને આપણે કેટલું ખાળી શક્યા?વેપારીઓએ જ નહીં, સૌએ પરિવર્તન સાથે તાલમેલ સાધવો પડે છે. તાલમેલની આ કપરી કળામાં આખા ભારતમાં સૌથી નિષ્ણાત અને કાબેલ વર્ગ હોય તો એ છે વેપારી વર્ગ. સીધી વાત છે: વિદેશી આક્રમણો તો સદીઓથી થઈ રહ્યાં છે.
ઇ.સ. ૧૦૦૮માં ગઝની (આજથી ૧૦૦૩ વર્ષ પહેલાં) ચઢી આવ્યો... પછી મોગલો અને અંગ્રેજો આવ્યા... હજાર વર્ષના આવાં અનેક પડકારો છતાં કરિયાણાની દેશી દુકાનો દેશી વેપારીના જ હાથમાં રહી છે કારણ કે એ લવચિક (ફ્લેક્સિબલ) છે, ઢીલોપોચો નથી. જુગાડ કરવો, રસ્તો કાઢવો... આ બધી કળા એવી છે જેમાં ભારતીય વેપારી-ધંધાર્થી ભલભલા વિદેશી સામે બાથ ભીડી શકે તેમ છે. હા, એ ફરિયાદો હંમેશાં કરશે કે તમે કોઈ વેપારીને એવું કહેતો સાંભળ્યો કે ધંધો જોરમાં છે? એ તો કહેશે: ‘ઠીક હવે... પહેલાં જેવું નથી રહ્યું... રોટલા નીકળે છે.’ આવાં ઢીલાં વચન ‘અસલી વેપારી’ હોવાની સાબિતી છે, છુપી શક્તિની નિશાની છે, એક પ્રકારની બિઝનેસ સ્ટ્રેટેજી છે.
બાકી, આપણો વેપારી માયકાંગલો નથી, ગરીબડી ગાય નથી. ગુજરાતી બચ્ચો જગતના કોઈ પણ ખૂણે (વોલમાર્ટના દેશ અમેરિકામાં પણ) હાટડી માંડીને પથરામાંથી પાણી કાઢી દેખાડે છે. મોટા મોલ સામેની લડાઈમાં નાનો વેપારી કદાચ થાકશે, પણ હારશે નહીં. એ ભાંગી નહીં પડે. આ એ વેપારી છે જે સદીઓથી આફતોને અવસરમાં પલટાવતો રહ્યો છે. ટૂંકમાં, પહેલી નજરે નાની માછલી વિરુદ્ધ મગરમચ્છના લાગતા આ જંગમાં, અસલમાં બે બળિયા બાથે વળગ્યા છે. એમાં દેખીતી રીતે એક પક્ષ જીતતો જણાય ત્યારે પણ, સંપૂર્ણ હાર કોઈની નથી થતી.