દક્ષિણ એશિયાથી યુરોપ સુધી તેની કંપનીઓ શસ્ત્રો, નશીલી દવાઓ, સોનું અને રિયલ એસ્ટેટનો ધંધો કરે છે
મુંબઈ શહેરમાં મોહમ્મદઅલી રોડ અને પછી ડોંગરીની બજાર અને પાકમોડિયા સ્ટ્રીટની નાની ખોલીમાં રહી કપાળની બિંદીઓ વેચનારો દાઉદ ઈબ્રાહીમ કાસકર આજે ૨૧મી સદીમાં અમેરિકાની એફ.બી.આઈ.ને ચોપડે નોંધાયેલો મોસ્ટ ડેન્જરસ મેન બની ગયો છે. તે માણસ વિશે ખૂબ લખાયું છે પણ ગિલ્બર્ટ કિંગ નામના એક સાહસિક પત્રકારે તેના ઉપર ખૂબ રિસર્ચ કરીને તાજેતરમાં ‘મોસ્ટ ડેન્જરસ મેન ઇન ધ વર્લ્ડ - દાઉદ ઇબ્રાહીમ’ નામનું પુસ્તક લખ્યું છે તેમાં દાઉદને ઓસામા બિન લાદેન કરતાં ય વધુ ડરવા જેવો માણસ કહ્યો છે.
તેના પેટા હેડિઁગમાં લખ્યું છે કે દાઉદ આજે બિલિયોનેર (અબજપતિ) ગેંગસ્ટર છે. ઓસામા બિન લાદેનને દાઉદ ત્રાસવાદી પ્રવૃત્તિ માટે પૈસા આપે છે એટલું જ નહીં અણુશક્તિનું-અણુબોમ્બનું બ્લેક માર્કેટિંગ પણ કરે છે. દાઉદ આજે ઇન્ડિયાનો જ નહીં પણ ગ્લોબલ ટેરિસ્ટ બન્યો છે. અમેરિકાની લાઈબ્રેરી ઓફ કોંગ્રેસે આ પુસ્તક ખાસ વસાવ્યું છે.
૧૧-૯-૨૦૦૧ના રોજ ન્યુ યોર્ક વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટાવરોને ટેરિસ્ટોએ પાડી નાખ્યાં તેમાં પણ દાઉદનો હાથ હતો! ૧૯૯૩માં મુંબઈમાં સિરિયલ બોમ્બધડાકા થયા તેમાં પણ તેનો હાથ હતો જ અને હજી તેના મગજમાં ઘણા પ્લાન છે અને પાકિસ્તાનનું જાસૂસીતંત્ર આઈ.એસ.આઈ. તેને મદદ કરે છે. દાઉદ આઈ.એસ.આઈ.ને ભારત તેમ જ કાશ્મીરમાં ત્રાસવાદ ફેલાવવામાં મદદ કરે છે.
દાઉદ આજે ગિલ્બર્ટ કિંગના કહેવા મુજબ કરાચીના એક મહેલ જેવા મકાનમાં રહે છે. જ્યારે ઓસામા બિન લાદેન જેને સૌ ડેન્જરસ ગણે છે તે બિચારો એક ગુફામાંથી બીજી ગુફામાં સંતાતો ફરે છે. ઓસામા બિન લાદેન મધરાતે જ સ્થળ બદલાવે છે.
ધૂળિયા ગુફામાં સૂએ છે જ્યાં ઘણી વખત જીવજંતુ કે સાપ પણ હોય છે. ઓસામા બિન લાદેનની કિડની ફેલ હોઈ તેણે ડાયાલિસિસ મશીનનો આશરો લેવો પડે છે. જ્યારે દાઉદ તેના મહેલમાં બપોર સુધી ‘‘સો મણની તળાઈ’’માં સૂએ છે, પછી બપોરે સૂરજ ઘણો ચઢે પછી ઊઠે છે. તેની પથારીમાં તેની સાથે સાવ કુંવારી હોય તેવી નવી નવી સુંદરીઓ સૂતી હોય છે.
અમેરિકાનું વિદેશ ખાતું અને ટ્રેઝરી ખાતું ઓસામા અને દાઉદને સરખા ટેરિસ્ટ ગણે છે, પણ ઓસામા બિન લાદેને તેની સંપત્તિ લૂંટાવ્યા પછી દાઉદની સરખામણીમાં ઓસામા સાવ રાંક છે. દાઉદ તેની સરખામણીમાં સૌથી મોટું ડ્રગ-સ્મગલિંગ-રેકેટ (હેરોઈન-અફીણની દાણચોરી)ચલાવે છે. જગતમાં પાકતા ૭૫ ટકા હેરોઈન પર દાઉદનો કંટ્રોલ છે. એની ટોચે દાઉદ હવે તો મલ્ટિનેશનલ કંપનીઓ પણ (લીગલ અને ઈલીગલ) ચલાવે છે. દક્ષિણ એશિયાથી યુરોપ સુધી તેની કંપનીઓ શસ્ત્રો, નશીલી દવાઓ, સોનું અને રિયલ એસ્ટેટનો ધંધો કરે છે.
૧૯૮૨-૮૩માં તો તે સાવ નાનકડો દાણચોર હતો. સોનાની દાણચોરી થકી અને મુંબઈના પ્રખ્યાત સ્મગલર કરીમ લાલાના ભત્રીજાને મારી નાખ્યા પછી તેણે પોતાની ‘ડી’ કંપની શરૂ કરી હતી. જ્યારે તેને દુબઈ ભાગી જવું પડ્યું અને શારજાહમાં ક્રિકેટર્સ બેનિફિટ મેચો શરૂ થઈ ત્યારે સ્ટેડિયમમાં તેણે બબ્બે લાખ દીરહામમાં પોતાના માટે, તેના નાના ભાઈ માટે અલગ બોક્સ ખરીદેલાં અને તેમાં બેસીને તે શરૂમાં ભારતીય ક્રિકેટરોને પાનો ચઢાવવા ભારતનો ત્રિરંગો ફરકાવતો. પછી તેણે ક્રિકેટનો જુગાર શરૂ કર્યો તે આખી સ્ટોરી અલગ કહેવાઈ ગઈ છે.
આપણે દાઉદનાં વધુ કાતિલ સાહસો આજે કરાચી બેઠા કરે છે તે અમેરિકન પત્રકાર ગિલ્બર્ટ કિંગની નજરે જોઈએ. આજે તે પાકિસ્તાનના અણુબોમ્બના પિતામહ ડૉ.. એ.કયુ. ખાનના કહેવા મુજબ અણુશક્તિ માટેના શુદ્ધ કરેલા યુરેનિયમનો મોટો દાણચોર છે અને મિસાઈલોનો પણ સોદાગર છે.
અફઘાનિસ્તાનને અમેરિકાએ કબજે કર્યું પછી ઓસામા બિન લાદેનને નાણાંની જરૂર હતી ત્યારે તેણે દાઉદ સાથે નાણાકીય ગોઠવણ કરી. દાઉદે પોતાના પાકિસ્તાન - અફઘાનની બોર્ડર ઉપરના જે સ્મગલિંગના રૂટ હતા તે ઓસામાને વાપરવા દીધા. તેના બદલામાં દાઉદને અલ કાયદાના ટેરિસ્ટો તેનો ધંધો નિરાંતે કરવા દે છે. દાઉદ અલ કાયદાને જરૂર પડે તેટલા ડોલર કે ભારતીય રૂપિયા કે પાક. રૂપિયા આપે છે.
પાકિસ્તાનની ઇન્ટર સર્વિસીઝ ઈન્ટેલજિન્સ એજન્સી (આઈ.એસ.આઈ) નો સૌથી મોટો સાગરીત દાઉદ છે. છેક ૧૯૯૩થી આ દોસ્તી શરૂ થઈ છે. એ વખતે આઈ.એસ.આઈ.ના કહેવાથી બાબરી મિસ્જદ તૂટયા પછી તેણે મુંબઈમાં ત્રાસવાદ ફેલાવ્યો. એ પછી આજે ૧૭ વર્ષથી તેને પાકિસ્તાનમાં રહેવાનો સીધો હક મળી ગયો છે. બદલામાં તેણે ભારત-કાશ્મીરમાં ટેરિસ્ટ ગ્રુપોને પૈસા આપવાના હોય છે અને ભારતના ભ્રષ્ટાચારી અમલદારોને ફોડવાનું અને અમુક મુંબઈના પ્રતિષ્ઠિત અખબારના રિપોર્ટરોને ફોડવાનું કામ સોંપ્યું છે. એક અંગ્રેજી દૈનિકના રિપોર્ટરે એક કામ માથે લીધું છે કે સતત-લગભગ રોજે રોજ દાઉદને લગતા, તેની બહેન કે ભાઈ કે કંઈ પણ જાતના સમાચાર અંગ્રેજી દૈનિકમાં છાપવા, દાઉદનું નામ ભડકતું રાખવું.
દાઉદનું કરાચીમાં જુદી જાતનું સામ્રાજ્ય છે, ત્યાં પિસ્તોલ, બંદૂકો અને એક.કે. ૪૭ રાઈફલનો વેપાર કરે છે. કરાચીના સ્ટોક એક્સચેન્જમાં પ્રભુત્વ છે. ડોલરના હવાલાઓ કરી આપે છે. ખાસ કરીને નાણાંની જરૂર હોય તેને દાઉદની કંપની હૂંડી સિસ્ટમથી નાણાં ધીરે છે ઉપરાંત ‘ન્યૂઝ લાઈન’ મેગેઝિનના લેખક કરાચીની રૂપજીવિનીઓ (વેશ્યા)ને પણ અઢળક મદદ કરે છે. જો એક કુંવારી રૂપજીવિનીનો માર્કેટ ભાવ રૂ.૧૦,૦૦૦ હોય તો દાઉદ R ૧ લાખ આપે છે. પાકિસ્તાનની ટોચની કોલગર્લ તેને પ્રાપ્ય છે.