મહાત્મા ગાંધી વડીલો અને નિ:સહાયોની મદદને માનવજીવનનો પરમ ધર્મ માને છે. ગાંધીજી અસ્વસ્થ વડીલની દેખરેખ અને ઉપચારને પોતાનો ધર્મ માનતા. એક વખત તેમની પાસે એક ૭૫ વર્ષની વૃદ્ધા આવ્યાં. તે રડી રહ્યાં હતાં અને કંઈ બોલી પણ નહોતાં શકતાં.
ગાંધીજીએ તેમને બેસાડ્યાં અને પાણી પીવડાવ્યું અને તેઓ શાંત થયા પછી શાંતિથી તેમને સમસ્યા જણાવવા કહ્યું. વૃદ્ધાએ જણાવ્યું કે તે ખંજવાળની સમસ્યાથી પીડાય છે અને તેના કારણે તે પોતાના નિયમિત કાર્યો પણ કરી શકતાં નથી. ગાંધીજીએ તાત્કાલિક એક ડોક્ટરને બોલાવ્યો અને તેમને લીમડાના પાંદડા વાટીને ખવડાવવા અને તેની ઉપર છાસ પીવડાવવાનું કહ્યું. બીજા દિવસે ગાંધીજીએ ડોક્ટરને પૂછ્યું કે વૃદ્ધાને કેટલી છાશ પીવડાવી? ડોક્ટર કંઈ બોલી ન શક્યો. તે જાણકારી મેળવવા માટે તેમની ઘરે ગયો તો વૃદ્ધાએ ગરીબીના કારણે છાશ પીવામાં અસમર્થતા દાખવી.
જ્યારે ગાંધીજીને આ વાતની જાણ થઈ તો તેમણે ડોક્ટરને કહ્યું કે તું કેવો ડોક્ટર છે? હજી પણ તે એમને છાશ નથી પીવડાવી. તારે ગામડેથી મંગાવીને છાશ પીવડાવવી હતી. તેમને રડતાં મૂકીને અહીંયા શું કરવા આવ્યો છે? ડોક્ટરનો ધર્મ સેવા કરવાનો છે, માત્ર દવા કે સારવાર જણાવવાનો નહીં. હકીકતમાં તો રોગીને લાભ થાય ત્યાં સુધી તમામ જવાબદારી ડોક્ટરની રહે છે. તે જીવનદાતા છે, તેણે રોગીઓની સારવાર લાભની દ્રષ્ટિએ નહીં પણ સેવાના ભાવથી કરવી જોઈએ.