Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Sanat Mehta
 

સબસિડી ઘટે, મોંઘવારી વધે

 
Source: Santh Mehta   |   Last Updated 12:45 AM [IST](12/08/2010)
 
 
 
 
 
પેટ્રોલિયમ પેદાશો પર સબસિડીઓ ઘટાડવાની કેન્દ્ર સરકારની નીતિ સામાન્ય પ્રજા માટે મોંઘવારીનો ગાળિયો કસનારી બની રહી છે. સબસિડી ઘટે છે પણ એક્સાઈઝ ડ્યૂટી ઘટતી નથી. રાજ્યો પણ વેટ ઘટાડતાં નથી પછી પેટ્રોલ-ડીઝલ, કેરોસીન, રાંધણગેસના ભાવ ક્યાંથી ઘટે?

૨૫મી જૂન ૨૦૧૦ને ભારતના સર્વ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન તેમજ એલપીજી વપરાશકારોને પોતાની જન્મ તારીખની માફક યાદ રાખવાની રહેશે. મોટરકાર વાપરનારાઓને બાજુએ મૂકીએ તો આ વપરાશકારોમાં એલપીજી વાપરતી ગૃહિણીઓ, દ્વિચક્રી વાપરનારા મધ્યમ વર્ગનાં ભાઈ- બહેનો, કેરોસીન વાપરનારી ગામડાની ગૃહિણીઓ અને પમ્પ અને ટ્રેક્ટરમાં ડીઝલ વાપરનારા ખેડૂતોનો સમાવેશ થાય છે. આ તારીખે ભારત સરકારે પેટ્રોલિયમ પદાર્થોના ભાવ અંકુશમુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.

આયોજન પંચના અર્થશાસ્ત્રી કિરીટ પરીખની સમિતિની આ ભલામણ હતી એટલે વડાપ્રધાન, નાણાપ્રધાન અને પેટ્રોલિયમ પ્રધાને તજ્જ્ઞની ભલામણની અમલનો દાવો કર્યો છે. આ ભાવવધારા અંગે તાજેતરમાં દેશવ્યાપી બંધને જબરી સફળતા મળી ત્યારે એક વધુ વખત યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરાએ ભાજપપ્રેરિત સરકારે કેટકેટલીવાર ભાવવધારો કર્યો એ ગણી બતાવ્યું હતું.

એટલું જ નહીં પણ પેટ્રોલમાં લિટરે વધારેલા સાડાત્રણ રૂપિયા, ડીઝલે લિટર દીઠ વધારેલા બે રૂપિયા, ગેસ સિલિન્ડરે વધારેલા પાંત્રીસ રૂપિયા અને લિટર કેરોસીને વધારેલા બે રૂપિયાથી માથાદીઠ દૈનિક વધારો કેટલો નજીવો છે એ હિસાબ જનતાને આપ્યો હતો. નોંધવા જેવી બાબત એ છે કે આ નેતાઓ પેટ્રોલ અને એલપીજી એક જ કુટુંબ વાપરે છે એ જાણીબૂઝી ભૂલી જાય છે. એમને એની તો કદાચ જાણ જ નહીં હોય કે આદિવાસી અને દૂરદરાજ ગામડાંઓમાં રહેતા લોકોને તો આ પેટ્રોલિયમ પદાર્થોના લિટરે બેથી પાંચ રૂપિયા વધુ આપવા પડે છે.

કારણ ત્યાં પૂરતા પેટ્રોલપંપો, કેરોસીન વિક્રેતા અને એલપીજીના બાટલા આપનારા નથી હોતા. આપણામાંથી કેટલાને ખબર છે કે ગામડે ગામડે અને દરેકને ધિરાણ આપી ધિરાણને સર્વસમાવેશક કરવાની મોંઘી જાહેરાત આપનારી બેન્કોની લગભગ અરધોઅરધ ડિપોઝિટ મોટાં મેટ્રાપોલિટન નગરો અને બીજાં બે-ત્રણ શહેરોમાંથી આવે છે?

હવે લઈએ આ પદાર્થોના વેચાણમાં આપવી પડતી સરકારી સબસિડીની વાત : એક હિસાબ પ્રમાણે ભારત સરકારે આની સબસિડી પાછળ ક્રૂડનો ભાવ બેરલે એંશી રૂપિયા હોય તો R ૯૮ હજાર કરોડ પર મૂકી છે. આમાં એક છુપી બાબત એ છે કે દેશમાં પેદા થતા ક્રૂડની પડતર કિંમત ગમે તે હોય પણ તેની કિંમત પણ બેરલે R એંશી ગણાય છે. બદલામાં ઓ.એન.જી.સી. ઓઇલ અને ગેઇલ તેલ કંપનીઓને નાણાકીય ટેકો આપે છે. આ પહેલાં ઇન્દિરા ગાંધીના જમાનામાં ઓ.એન.જી.સી.ને આંતરરાષ્ટ્રીય ક્રૂડભાવ કરતાં ઓછો ભાવ અપાતો હતો. ઉદારવાદમાં હવે ઊલટું કરાય છે. ઓ.એન.જી.સી.ને આંતરરાષ્ટ્રીય ક્રૂડભાવ આપી બદલામાં નાણાં લેવાય છે. બેમાંથી કઈ પïતિથી જનતાને ફાયદો થાય છે એની ગણતરી ક્યાંયથી મળતી નથી.

કિરીટ પરીખે એમના અહેવાલમાં દિલ્હીના પેટ્રોલ અને ડીઝલના એ સમયના પ્રવર્તમાન ભાવનું પ્úથક્કરણ આપી લખ્યું હતું કે દિલ્હીના પેટ્રોલના લિટરના R ૪૭.૯૩માં એક્સાઇઝ ડÛૂડી પોણા પંદર રૂપિયા અને સેલ્સ ટેક્સ લિટરે આઠ રૂપિયા છે. એવી જ રીતે ડીઝલમાં લિટરના R ૩૮.૧૦ના ભાવમાં ડ્યૂટી R ૪.૭૦ અને સેલ્સ ટેક્સ સાડા છ રૂપિયા છે.

કિરીટ પરીખના અહેવાલમાં આ એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી વપરાશકારોને રાહત આપવાની ભલામણ હતી એ તો કેન્દ્ર સરકારે અભેરાઈ પર ચડાવી દીધી છે.છેલ્લા સમાચાર એવા છે કે ડીઝલ પર વેચાણ વેરો/વેટ લિટરે હરિયાણામાં નવ રૂપિયા વધુ છે જે અઢાર ટકા છે જે પંજાબ ઓરિસ્સામાં વધીને તેત્રીસ ટકા પર છે. પેટ્રોલ પર પણ પંજાબમાં તેત્રીસ ટકા પર છે.

આ બધાનું પરિણામ એ આવ્યું છે કે પેટ્રોલનો લિટરનો ભાવ પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળથી પણ ઊંચો છે. ડીઝલ પણ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ભારત કરતાં સસ્તું છે. અલબત્ત એલપીજી અને કેરોસીન મોંઘાં છે.દુ:ખની વાત એ છે કે આ ભાવવધારા છતાં ત્રણેય તેલ કંપનીઓ ખોટ જ કરે છે. ૨૦૧૦-૧૧ની સાલમાં ખોટ સત્તાવન હજાર કરોડ રહેવાની છે.

સૌથી આઘાતજનક બચાવ શ્રીમતી સોનિયા ગાંધીનો છે. એમણે તો ભાવવધારાના બચાવમાં કહ્યું કે ‘આ બધું આપણા ગરીબ ભાઈ-બહેનો માટે વધુ નાણાં ફાળવવા કરાયું છે.’
ટૂંકમાં, તેલ કંપનીઓ ખોટ કરે, કેન્દ્ર ડ્યૂટીમાં ઘટાડો ન કરે, રાજ્યો વેચાણવેરો કે વેટ ન ઘટાડે તો ફરી ભાવવધારો આવવાનો જ.

પ્રણવ બાબુ તો અત્યારે ‘વર મરો કે કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો’નો પાઠ ભજવી રહ્યા છે.છેલ્લે એ જ યાદ આપવાની કે, આજથી એક માસ પહેલાં ખુદ ‘લંડન ટાઇમ્સ’ જેવા અખબારે અગ્રલેખમાં લખ્યું હતું કે ‘સબસિડી ઘટાડવી એ સાચું પગલું છે પણ ગરીબ માણસોને સહાય આપવી જ જોઈએ.’ કોઈ સાંભળશે ખરું! આજના ભારતમાં???

સનત મહેતા , લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.