Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

ક્રિકેટના જુગારનો રંગ શારજાહથી લાગ્યો

 
Source: Aas pass, Kanti Bhatt   |   Last Updated 12:55 AM [IST](02/09/2010)
 
 
 
 
 
મધ્ય યુગનો ભારતીય નાટકકાર રાજાઓને રંજિત કરવા સાથે તેને બોધ-પાઠ આપનારાં નાટકો લખતો. તેનું નામ હતું શુદ્રક. શુદ્રકે લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં કહેલું કે ‘કોઈ આખલાને ભૂખ લાગે ત્યારે તેને જુવારના લીલા છોડ સુધી જતો રોકી જ શકો નહીં. એ રીતે જ જે માણસને જુગારનું વ્યસન હોય તે ચોરી કરીને કે લૂંટફાટ કરીને પણ જુગાર રમશે. બૈરીનાં ઘરેણાં પણ વેચી આવશે. દાઉદ ઈબ્રાહીમે ૧૯૮૨-૮૩માં મુંબઈથી ભાગીને દુબઈ જવું પડ્યું પણ તે તેની જુગારની આદતને સાથે લઈ ગયો અને ખાસ તો ક્રિકેટના જુગારની એને જબરી લત હતી.

એની જુગારની અને ખાસ કરીને ક્રિકેટના જુગારની આદતને શારજાહના શેખ બુખાતીરે પોષણ આપતું કામ કર્યું. શેખ બુખાતીરને ક્રિકેટનો બહુ જ ગાંડો શોખ હતો. સુનીલ ગાવસ્કર તેનો હીરો હતો. તેણે પોતાના શોખને પોષવા ઘરઆંગણે જ હિન્દુસ્તાન-પાકિસ્તાનના ક્રિકેટરોને રમાડવા શારજાહમાં એક સ્ટેડિયમ ઊભું કર્યું અને એક તંત્ર રચ્યું તેનું નામ ‘ક્રિકેટર્સ બેનિફિટ ફંડ સિરિઝ’ રાખ્યું. ત્યારે અમને ૧૯૮૩થી શારજાહ જઈને ક્રિકેટનું રિપોટિઁગ કરવાનું મળ્યું. ભારત જ્યારે ૧૯૮૩માં વર્લ્ડકપ જીત્યું ત્યારે વન-ડે મેચો જગતભરમાં લોકપ્રિય થઈ.

દાઉદ ઈબ્રાહીમ તો વન-ડે મેચ પાછળ ગાંડો છે અને ૨૭ વર્ષથી તે વન-ડેની મેચો ઉપર જુગાર રમે છે. શારજાહના ક્રિકેટ સ્ટેડિયમ માટે લાખો દીરહામ ખર્ચાયા. પણ શેખ બુખાતીર વેપારી પણ હતા. તેણે ધનિક આરબ ક્રિકેટ શોખીનો તેમ જ દુબઈ-મસ્કતના ધનવાન ગુજરાતીઓ માટે અલગ બેસીને મેચ જોવાના બોક્સ બનાવ્યા, તે દરેક બોક્સ ઉપર નામ લખાતું. તેવા બોક્સની કિંમત R ૧૦ લાખથી R ૧૫ લાખ રખાઈ. દાઉદ માટે તો એ રકમ ક્ષુલ્લક હતી. તેણે એક બોક્સ તેના નામે અને બીજું બોક્સ તેના નાના ભાઈ અનીસ ઈબ્રાહીમના નામે ખરીદ્યું.

શરૂમાં આવા બોક્સ ખુલ્લાં હતાં પણ હવે સોફિસ્ટિકેટેડ બન્યાં છે. એરકન્ડિશન્ડ બોક્સમાં ટેલિવિઝન હોય છે, રેફ્રિજરેટર હોય છે અને જોઈએ તેવાં પીણાં મળે છે. દાઉદ તેના બોક્સમાં મુંબઈની ફિલ્મસ્ટારો અને તેના ફેવરિટ હીરોને મહેમાન બનાવતો. ફિરોઝ ખાન અને નીલમ કોઠારી નામની સેક્સી એક્ટ્રેસ દાઉદના મહેમાન બનતા. મેં નીલમને દાઉદના બોક્સમાં બેસીને ક્રિકેટ નહિાળતી જોઈ છે. બીજી તો દાઉદની મંદાકિની સહિતની ઘણી બોલિવૂડની સ્ટારો દુબઈમાં તેની મહેમાન થતી.

બરાબર ૧૦૦ વર્ષ પહેલાં અમેરિકન પત્રકાર, નવલકથાકાર અને વ્યંગકાર ડોન માર્કવીસે લખેલું કે ‘ઇટ ટેઈકસ ઓલ સોર્ટ ઓફ પિપલ ટુ મેઈક એન અન્ડરવર્લ્ડ. દાઉદને ‘દાઉદ’ કે ‘ભાઈ’ બનાવનારા અનેક જાતના લોકો હતા. તેમાં ફિલ્મસ્ટારો, ફિલ્મ નિર્માતાઓ, મુંબઈના પોલીસ ઓફિસરો, રાજકારણીઓ, દુબઈના સોનાના વેપારીઓ, કેટલાક પત્રકારો અને દુબઈ-શારજાહના પ્રતિષ્ઠિત શેખોએ દાઉદને ખરેખરો ‘ભાઈ’ બનાવ્યો ત્યારથી ક્રિકેટનો જુગાર ધૂમધોકાર ચાલતો થયો. શરૂ શરૂમાં દાઉદને આશા હતી કે તેને યેનકેન પ્રકારેણ ભારતમાં પાછા ફરવાનું મળશે એટલે કપિલદેવ છગ્ગો મારે ત્યારે તે શારજાહ સ્ટેડિયમમાં હાથમાં ત્રિરંગો લઈને ફરકાવતો. ઘણા ક્રિકેટરો તેના મહેમાન થતા.

એ પછી શારજાહના ક્રિકેટમાંથી જ મોહમ્મદ અઝહરુદીનને અને શર્માને મેચફિક્સિંગનાં જંતુ આભડી ગયા. મેં પોતે અઝહરુદીનને ફિલ્ડિંગ વખતે બાઉન્ડ્રી ઉપરની જગ્યા પસંદ કરતો જોયો છે અને બાઉન્ડ્રી પાસે જુગારના બુકી આવીને મેચ ફિકસ કરતા હતા. પાકિસ્તાની બોલરને સહેલો બોલ ફેંકીને જીતાડીને જુગારીઓ પાસેથી દલ્લો મેળવવાનો કસબ શારજાહમાંથી ભારતના અમુક ક્રિકેટરો શીખ્યા. તેનો સરદાર હતો, અઝહરુદીન પછી શર્મા પછી મોંગિયા વગેરે વગેરે. એ પછી તો અઝહરુદીનમાં એ જંતુ રોગ બની ગયા અને વર્લ્ડકપ ક્રિકેટમાં મેં એક મેચ ઇંગ્લેન્ડમાં ઝિમ્બાબ્વે સામે ભારતની રમાતી હતી તેમાં સામે ચાલીને મેચ હારીને દલ્લો મેળવવાની તરકીબ કરતો એ ભારતીય કપ્તાનને સાંભળ્યો છે.

ચાર્લ્સ કોલ્ટન નામના મનોવિજ્ઞાની લેખકે કહ્યું છે કે ભ્રષ્ટાચાર એક નાનકડા બરફના દડા જેવો છે એ દડો જેટલો પહાડ ઉપરથી નીચે ગબડે તેટલો તે વધુ ને વધુ બરફ ભેગો કરતો કરતો મોટો પહાડ જેવો બની જાય છે. એ પછી અઝહરુદીનનો બરફનો નાનો દડો પહાડ બન્યો અને તેને સંગીતા બીજલાની નામની એક્ટ્રેસ પત્ની તરીકે મળી. દાઉદને પગલે પગલે પછી ગેંગસ્ટર અબુ સાલેમ પણ એક્ટ્રેસ બિન્દુનો પ્રેમી બન્યો, મોનિકા બેદીની ફિલ્મોમાં પણ અબુ સાલેમ નાણાં રોકતો. દાઉદ ઈબ્રાહીમ શારજાહમાં ક્રિકેટ મેચો જોવા કોમીલા વર્ક નામની એક્ટ્રેસને બોલાવતો. આ કોમીલા વર્ક પછી દુબઈના કોઈ શેખને પરણી ગઈ હતી.

આવી રંગીન હિરોઈનો, ક્રિકેટનો જુગાર અને શારજાહ-દુબઈની રાતની પાર્ટીઓ સાથે સાથે શારજાહનું ક્રિકેટનું જુગારખાનું જામવા માંડ્યું અને પછી તો આખું સ્ટેડિયમ જ જુગારના અડ્ડાજેવું બની ગયું. ભારતના કપિલદેવ સહિત ૯૯ ટકા ક્રિકેટરો પ્રામાણિક હતા અને માત્ર પાકિસ્તાનના કેપ્ટન ઇમરાન ખાન સિવાય લગભગ બધા જ ક્રિકેટરો ક્રિકેટના બુકીઓ અને દાઉદના ખિસ્સામાં હતા. શારજાહ ક્રિકેટર્સ બેનિફિટ મેચો ૨૦૦ જેટલી રમાઈ ત્યારે જુગાર ટોચે ગયો.

અમારા પ્રેસ બોક્સમાં ત્યારે કોલકાતાના પ્રતિષ્ઠિત દૈનિક ‘સ્ટેટસમેન’ના સ્પોર્ટ્સ રિપોર્ટર તરીકે સિનિયર પત્રકાર એસ. ભીમાણી આવતા પણ એક દિવસ ખુલ્લે છોગે જુગાર રમાતો જોઈ પ્રેસ બોક્સમાં આક્રોશ કરીને જોરથી બોલ્યા ‘આ ક્રિકેટ સ્ટેડિયમ નથી જુગારનો અડ્ડો છે’ તેમ કહી તે બહાર નીકળી ગયા અને પછી કદી જ શારજાહ આવ્યા નહીં. એ પછી થોડા વખતમાં ભારતીય ક્રિકેટ બોર્ડે પણ શારજાહનો બોયકોટ કર્યો. પણ પાકિસ્તાની ક્રિકેટરો અને દાઉદ ઈબ્રાહીમની જુગારની લત એવી ને એવી તાજી તમતમતી રહી તે છેક ૨૦૧૦ના ઓગસ્ટના અંત સુધી લંડનના લોર્ડ્ઝના મેદાન સુધી પહોંચી છે.

આ મેદાનમાં ક્રિકેટના જુગાર અને મેચ ફિક્સિંગમાં દાઉદને મિયાંદાદ સાથે દોસ્તી થઈ અને દાઉદે જુગારમાં માલમાલ કરનારા વેવાઈના પુત્ર જુનૈદ સાથે પોતાની પુત્રી મહારુખને R ૨૦ કરોડની ખર્ચવાળી શાદીમાં પરણાવી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.