ઝિયાઉદીન સરદાર લંડનના મૂલ્યનિષ્ઠ પત્રકાર છે અને વિજ્ઞાની પણ છે. અમેરિકા અને બ્રિટનના સફળતાલક્ષી લેખો લખી યુવા-પ્રજાને ખોટા વિચારોનો ‘દારૂ’ પાનારા લેખકોના સખત વિરોધી છે. ‘ન્યુસ્ટેટ્સમેન’માં તેમણે લખ્યું છે કે આજે યુવાનોને આગળ વધવા વન-ટુ-ફોર કે દસ-બાર સુધીના શોર્ટકટ વિચારોનો કચરો પીરસનારા ઇન્સ્ટંટિયા ફિલોસોફરો જગતનું અકલ્યાણ કરે છે. મધ્ય-પૂર્વના દેશોએ તેની ખેતીવાડીમાં ઓવર-ઇરિગેશન અથૉત્ વધુ પડતા પિયત (કૂવા કે નહેરનાં પાણીથી ઉગાડેલા પાક) થકી જમીનને વંઠાવી નાખી. આજે શું થાય છે? ખરેખર તો માનવીને તમામ ચીજ સંઘર્ષ, સંઘર્ષ અને સંઘર્ષથી જ મળે છે.
કોઈ ચીજ શોર્ટકટથી મળતી નથી. જે મળ્યું તેને સંતોષથી ભોગવી શકતા નથી અને પોતાના જ ભોગથી મરે છે. ઝિયાઉદીન સરદાર કહે છે કે રોમન લોકોએ પોતાને કાંસાના ઝેરથી મારી નાખ્યા. હા, જરૂર એ વાત સાચી કે રોમનોએ કાંસુ શોધી કાઢયું. સીસા અને ટીનના મિશ્રણથી બનેલી આ ધાતુ હતી. આ બન્ને ધાતુ મેળવીને તેમણે કાંસાના દારૂ પીવાના પિયાલા બનાવ્યા પણ એમને ખબર નહોતી કે એ પિયાલામાં આલ્કોહોલ-વાઈન-દારૂ નાખશે તો એ પિયાલાનું સીસું ઓગળશે અને એ સીસું ઝેર બનીને તેમને મારી નાખશે. તેમણે કરેલો પ્રોગ્રેસ જ તેમનો અંત આણશે!
આજે ઝિયાઉદીન સરદાર મહાત્મા ગાંધીજીને યાદ કરે છે. ખર્ચાળ એલોપથી નહીં, નિસર્ગોપચાર જ માનવજાતને રોગમુક્ત રાખશે. મહાન વિચારક અને ભારતપ્રેમી નવલકથાકાર આલ્ડસ હકસલે ગાંધીજી જ નહીં પણ ભગવદગીતાને યાદ કરી કરીને અને એક નવલકથા લખી ગુજરી ગયા. તેમાં તેમણે ‘આગળ વધો’ અગર ‘પ્રોગ્રેસ’ શબ્દની ભારે મજાક કરી હતી. પ્રથમ આપણે ઝિયાઉદીન સરદારની વાત પૂરી કરીએ.
ઝિયાઉદીનજી કહે છે (‘ન્યુ સ્ટેટ્સમેન’ ૨૦-૧૧-૯૮) ‘આપણે ડીડીટી અને પેસ્ટિસાઈડ શોધીને ખેતીમાં ‘આગળ’ વધ્યા પણ તમામ સોંગબર્ડને મારી નાખ્યાં. અમેરિકા ખૂબ આગળ વધ્યું. અણુબોમ્બથીય તુષ્ટ ન થયાં. વિયેતનામમાં એજન્ટ ઓરેન્જ નામનું ઝેર વાપરીને જંગલોનાં જંગલો ખલાસ કર્યા. ત્રીજી પેઢીએ આજે વિયેતનામમાં એ ઝેરની અસર છે. કુદરત, ઈશ્વર, અલ્લાહે અમેરિકનોને આનો બદલો આપ્યો છે. અમેરિકા પાસે નવાં કેમિકલ્સ શોધાવ્યાં છે. એ કેમિકલ્સ ઉપકારક કરતાં વિનાશક નીવડ્યાં છે. હજી નીવડશે. ઝિયાઉદીન સરદારના શબ્દોમાં ‘ધીઝ કેમિકલ્સ હેવ સિરિયસ ઇફેકટ ઓન અવર મેનહૂડ.’ આ રસાયણોએ પુરુષોનાં શુક્રાણના અંશો તદ્દન ઘટાડી નાખ્યાં છે.
સાનફ્રાન્સિસ્કોથી ‘સ્પિરિચ્યુઅલ લિવિંગ એક્ઝામિનર’ પ્રગટ થાય છે. તેની લેખિકા સિન્થયા કહે છે કે વી આર નોટ પ્રોગ્રેસિંગ, વી આર રિગ્રેસિંગ! ૬-૧-૧૧ના રોજ ‘દિવ્ય ભાસ્કર’ના કટાર લેખક વિષ્ણુ પંડ્યાએ લેખનું મથાળું કરેલું ‘આગળ વધો?ના પાછા વળો!’ જો આલ્ડસ હકસલે જીવતા હોત તો વિષ્ણુભાઈની પીઠ થાબડત. આપણે કેટલા બધા ‘આગળ’ વધ્યા છીએ? આલ્ડસ હકસલેએ આ કહેવાતા ‘પ્રોગ્રેસ’ના વિચારોને ઠમઠોરવા એક નાટક લખી નાખ્યું. તેનું નામ છે ‘એપ એન્ડ એસેન્સ’ (વાનર અને સત્વ). એ નાટક અગર ફિલ્મની સ્ક્રીપ્ટમાં કટાક્ષમાં આલ્ડસ હકસલે કહે છે આપણે બીજા બીજા માનવો પ્રત્યે, તેમની પ્રગતિ પ્રત્યે, તેમની આધ્યાત્મિકતા વિશે ઇર્ષ્યા થાય અને છેવટે ધિક્કાર થાય તે ધિક્કાર માટેની શક્તિ સાચવવી પડશે.
એ ધિક્કાર માટે બ્રહ્નચર્યની શક્તિ જરૂરી છે! આપણને ડગલે ને પગલે ધિક્કારની જરૂર પડશે. એ ધિક્કાર માટેની શક્તિ સેક્સમાં વાપરવી નહીં જોઈએ. તમારે ‘આગળ’ વધવામાં એનર્જી જોઈશે. કોઈએ બતાવેલાં ‘આગળ’ વધવાનાં આઠ-દસ ડગલાં ભરવાં પડશે. કોઈની ઇર્ષ્યા કરવામાં અને તેનો વિનાશ ઇચ્છવામાં શક્તિ જોઈશે.
આલ્ડસ હકસલે નસીબજોગે ભારતના સંપર્કમાં આવ્યા. ભગવદ્ગીતા વાંચી અને તેણે તમામ ફિલોસોફીના કે આગળ વધવામાં ઇન્સ્ટંટિયા વિચારો ફગાવી દીધા. તેણે સત્યમ્ શિવમ્ અને સુંદરમ્નું સૂત્ર વહાલું કરી લીધું, પણ પશ્ચિમના ભૌતિકવાદી કહેવાતા ફિલોસોફરો શું કરતા હતા? તે લવને બદલે લસ્ટ (પ્રેમને બદલે વાસના)ને મહત્વ આપતા હતા. સહકારને બદલે કોઈને કચડીને આગળ આવવામાં માનતા હતા. સહકાર કરતાં ગળાંકાપ સ્પર્ધા વધુ હતી. સાધના નહીં વાસના હતી. આલ્ડસ હકસલે ખૂબ જ રોષ સાથે કહે છે કે આજે હાયર નોલેજ નહીં પણ ઠેર ઠેર હાયર ઇગ્નોરન્સ નજરે ચઢે છે.
માણસ એટલો બધો ‘આગળ’ વધી ગયો છે (‘આગળ’-ઇન્વટેંડ કોમામાં) કે તે બબુન બની ગયો છે. નકલ કરનારો વાંદરો બની ગયો છે. બબુનથી આગળ વધીને ઊરાંગ ઊટાંગ બની ગયો અને હવે તેને જો સમાજના ઉધ્ધારક કે યુવાનોના પ્રેરકબળ તરીકે ગણતા રહેશો તો તો તે ગેરીલો વાનર બની જશે. આજે પ્રેમ-કાવ્યો ગવાય છે. હું કબૂલ કરું છું કે માનવજીવન માટે પ્રેમ એ જ સાચું એસેન્સ-સાચું ટોનિક છે-જીવાડનારું બળ છે પણ આજે પ્રેમનો માત્ર બકવાસ છે. કેવો?
આજે પ્રેમમાં ય લાવ લાવ છે, આપવાની વાત નથી. આ ગીત આલ્ડસ હકસલેના નાટકમાં એક પાત્ર ગાય છે પણ આ દ્રશ્ય આજે મુંબઈ, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર બધે જ છે. આલ્ડસ હકસલેના નાટકમાં તો તે ૨૧૦૮ની સાલ છે. ત્રીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું છે. (પ્રેમ વિશેની હાલત તો આજે જ દેખાય છે.) ત્રીજા વિશ્વયુદ્ધ પછી મોટા ભાગની માનવજાત નાબૂદ થઈ છે કારણ કે થોડાક દેશોને પ્રોગ્રેસ કરવો હતો તેણે અણુ યુદ્ધ કર્યું અને ‘પ્રોગ્રેસ’ના કીડાઓ પણ નાબૂદ થયા.
જે બચ્યા તે પાછા પહેલાં જેવા જંગલી બની ગયા છે. ગામા કિરણો ફેલાયાં તેથી બાળકો વિકલાંગ થયાં છે. જમીનમાં પાક ઊગતો નથી. (આમેય ફર્ટિલાઈઝરો અને જિનેટિક સીડ્ઝે તો હાલત ખરાબ કરી જ છે). લોસ એન્જલસમાં થોડાક બચ્યા છે. અઢી લાખ મડદાં પડ્યાં છે. થોડાક હજાર જીવે છે. લાઈબ્રેરીનાં પુસ્તકો બાળીને રસોઈ કરે છે. વસ્ત્રો જોઈએ તે જમીનમાં દટાયેલાં મડદા ઉપરથી કાઢીને પહેરે છે! ભયાનક દ્રશ્ય છે... શું આપણે આવી હાલત કરવી છે?
આલ્ડસ હકસલે કહે છે કે ‘ડહાપણ વગરની જ્ઞાન માટેની વાસના નકામી છે. નૈતિક મૂલ્યો વગરનું વૈજ્ઞાનિક સત્ય તદ્દન ખોટા કહેવાતા સફળતાના રસ્તે દોરે છે. આપણે ‘આગળ’ વધવાનું નથી નૈતિક મૂલ્યો તરફ પાછા વળવાનું છે.’