વિસ્ફોટકોની ટ્રકોગૂમ, અમેરિકાની ચેતવણી, પાકત્રાસવાદ, નકસલવાદ અને ‘સ્વાયત્ત’ વાદ
ભારતનો સ્વાતંત્રય દિન હોય ને ત્રાસવાદી હુમલાની ધમકી ન હોય એવું છેલ્લા થોડા દાયકાઓમાં કદી બન્યું છે ખરું? આ વખતનો ૬૩મો સ્વાતંત્ર્યદિન પણ આવી જ ધમકીઓ- દહેશતોની ઝોળીઓ ભરીને આવ્યો છે. એક તરફ પેલી મોંઘવારી ડાકણ બેફામ બનેલી છે. યુપીએ સરકારનું કારભારું પ્રતિદિન ભાવવધારાને અસહ્ય બનાવતું જઈ રહ્યું છે.
સામાન્ય માણસ માટે કપરા દિવસ આવ્યા છે. ત્રાસવાદ, અલગતાવાદ, નકસલવાદ, માઓવાદનાં ભૂતડાં ય ધૂણી રહ્યાં છે. પાકપ્રેરિત આઈએસઆઈ બ્રાન્ડ ત્રાસવાદમાં જૈશ-લશ્કરની સાથે તાલિબાનો અને અલ-કાયદા પણ ભળવા બેઠા છે. કર્ણાટક પોલીસે પકડેલા કાવતરા મુજબ માઓવાદીઓની આઈએસઆઈ અને અન્ડર વર્લ્ડ સાથેની લિન્ક પકડાઈ છે. કાશ્મીરની ગલીઓમાં રોજેરોજ અલગતાવાદના પથ્થરમારા ચાલે છે. દેશમાં આંતરિક સલામતી ચિંતાજનક રીતે જોખમાઈ રહી છે.
વિશ્વભરમાં પોલીસગીરી કરતું અમેરિકા પાછું શાણું થઈને ચેતવે છે કે ત્રાસવાદીઓ હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. અત્યાર લગી તેની આવી ચેતવણી ભારત માટે હતી, હવે (ફોમૉલિટી ખાતર પાક અને મિડલઇસ્ટનાં નામ પણ એ ઉમેરી રહ્યું છે.) આને ચેતવણી ગણવી કે ચીમકી? આઝાદદિન ટાણે ભારતને ફફડતું રાખવાનો કીમિયો ખતરનાક છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી છ હજાર ટન દારૂગોળો ભરેલી ૬૧ ટ્રકો ગુમ થયાની ઘટના ધ્રુજારી લાવનારી છે. પોલીસને દહેશત છે કે બીજા રાજ્યોમાં આ દારૂગોળો વેચાઈ ગયો છે. એ કોને વેચાયો હશે?
ત્રાસવાદીઓ જોડે ભાઈબંધી ધરાવનારા પેલા નકસલવાદીઓને? એ દારૂગોળો હવે ક્યાં ફૂટશે? દહેશતોના ડુંગરા ખડકાઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સની પછવાડે કરોડોના ભ્રષ્ટાચારોની ફરિયાદોના ગંજ ખડકાય છે. અલગતાવાદના વાવાઝોડામાં ફરીથી કાશ્મીરમાં સળગેલું છે ત્યારે એને હિલિંગ ટચ આપવાને બદલે વડાપ્રધાન મનમોહનસિંહ રઘવાયા થઈને ફારુક ઉમરના ઇશારે ‘સ્વાયત્ત’ વાદનાં ગાણાં ગાઈ રહ્યાં છે.
સરકાર સામે ચાલીને કાશ્મીરનું ડોકું તાસક પર મુકવા જઈ રહ્યાંનું લાગે છે. આઝાદ દિન ટાણે દેશ અનેક પરેશાનીઓ, કઠણાઈઓ અને પડકારોમાં ઘેરાયો છે. શાસક પક્ષ-ગઠબંધન ચૂંટણીલક્ષી વેતરણમાં છે. વામણો વપિક્ષ તરતો રહેવા તરણાં ઝાલી રહ્યો છે. કોઈ ઉમંગ, ઉત્સાહ વગર દહેશતો વચ્ચે સ્વાતંત્રયદિન આવ્યો છે ત્યારે સારે જહાં સે અચ્છા... કહેવડાવવાની જાણે હોડ જામી છે.