ગંભીર સવાલ એ છે કે લોકશાહી દેશોમાં, પ્રજાકીય વિરોધ માટે ક્યા રસ્તા અપનાવવા જોઈએ? વર્ષોથી ઘરેડબંધ રીતે આપણે ત્યાં ધરણાં થાય છે, ઘેરાવ કરવામાં આવે છે, જુલૂસ નીકળે છે, ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર થાય છે, આમરણ અનશનની જાહેરાત કરાય છે, ગામ, જિલ્લો, પ્રદેશ અને દેશ ‘બંધ’ કરવાનું એલાન થાય છે.
શરૂઆત બે ઘટનાઓથી કરીએ: સ્વિડનમાં સ્ત્રી-પુરુષને એકસરખું વેતન મળવું જોઈએ, કોઈ અસમાનતા ન હોઈ શકે તેવી માગણી સાથે નારીવાદી સંગઠનોએ આંદોલન શરૂ કર્યું છે. સ્ટોકહોમમાં આ આંદોલનકારી નેતા ગુદરુન શિમેને જાહેરમાં એક લાખ ક્રોનોરની ચલણી નોટોને બાળી નાખી... ‘અમારી પરિસ્થિતિ ખતરનાક છે તેનું આ પ્રતીક છે’ એમ પણ કહ્યું હતું. બીજી ઘટના થોડાંક જ વર્ષ પહેલાંના ચેકોસ્લોવેકિયાની છે. તત્કાલીન સામ્યવાદી સરમુખત્યારોનાં શાસનમાં પ્રજાને ભરોસો નહોતો, વિરોધ જારી હતો.
પણ સરકારી રેડિયો તો વિરોધીઓને પ્રજાદ્રોહી, બુર્ઝુવા કહીને સરકારી પ્રગતિનાં ગુણગાન ગાતો. કેટલાક શાણા નાગરિકોએ રસ્તો કાઢ્યો : સાંજે સાત વાગ્યાનાં બુલેટિન વખતે ઇવનિંગ વોક કરવા નીકળી પડવું! સરકારી જાસૂસો એવી ફરિયાદ નહીં કરી શકે કે વિરોધ વ્યક્ત કરવા માટે આ નાગરિકોએ રેડિયો બંધ રાખ્યો હતો. ચતુર પ્રસારણ વિભાગે સમાચારનો સમય સાડાસાત કરી નાખ્યો. તો ચાલનારાઓ સાડાસાતે રસ્તા પર દેખાતા થયા. જોતજોતામાં લગભગ આખું શહેર સાંજે રસ્તા પર દેખાવા લાગ્યું!
વિરોધ કરવાના આ બે રસ્તા એટલે યાદ આવ્યા કે હમણાં ‘ભારત બંધ’ પાળવામાં આવ્યો હતો. પહેલો બંધ મોટા ભાગના વિરોધપક્ષો તરફથી હતો, બીજો બંધ માઓવાદીઓએ જાહેર કર્યો હતો. પ્રથમ ‘ભારત બંધ’માં કોઈ મોટી હિંસા ન થઈ, બીજા બંધમાં માઓવાદીઓ સીઆરપીએફ પર તૂટી પડ્યા. બંધના દિવસે ‘ફિક્કી’એ જાહેર કર્યું કે દેશને ૧૦,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. વળતો જવાબ એ હતો કે પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવવધારાથી સામાન્ય નાગરિકને તો અબજોનું નુકસાન થયું, તેનું શું? એક ગંભીર સવાલ એ છે કે લોકશાહી દેશોમાં, પ્રજાકીય વિરોધ માટે કયા રસ્તા અપનાવવા જોઈએ?
વર્ષોથી ઘરેડબંધ રીતે આપણે ત્યાં ધરણાં થાય છે, ઘેરાવ કરવામાં આવે છે, જુલૂસ નીકળે છે, ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર થાય છે, આમરણ અનશનની જાહેરાત કરાય છે, ગામ, જિલ્લો, પ્રદેશ અને દેશ ‘બંધ’ કરવાનું એલાન થાય છે. ગાંધીજીએ સ્વતંત્રતા માટેના સંઘર્ષ દરમિયાન આમાંના કેટલાંક માધ્યમોનો ઉપયોગ કર્યો હતો. ગાંધીજીએ તેને ‘અસહકાર’ નામ આપ્યું અને સ-વિનય કાનૂન ભંગની લડત લાંબા સમય સુધી કોઈને કોઈ રીતે ચાલતી રહી.
આપણે ત્યાં કોઈ પણ સમસ્યા પર વિરોધ કરવાના બે રસ્તા જાણીતા છે. એક માઓવાદીઓનો હિંસા કરવાનો રસ્તો છે. ગરીબોના બેલી હોવાના નામે, ક્રાંતિના ફુગ્ગા ઉડાડનારા માઓવાદીઓ પોતે જ હવે સ્થાપિત હિત થઈ ચૂક્યા છે. વધારે જાણવું હોય તો પૂર્વ-નક્સલી અજિતા કુન્નીક્કલની મલયાલમ ભાષામાં લખાયેલી (હવે અંગ્રેજીમાં ઉપલબ્ધ) આત્મકથા વાંચી જજો. માઓવાદીઓ વિદેશી નાણાં, શસ્ત્રો અને તાલીમ મેળવીને ભારતીય પ્રજાને તેમજ સૈનિકોને મારવા નીકળ્યા છે. ક્રાંતિ-બ્રાંતિ કશું જ નથી ત્યાં. ૧૯૬૦નો નક્સલવાદ તો ચારુ મજુમદારની સાથે દફનાઈ ગયો. એવો જ વિરોધ કાશ્મીરમાં ચાલે છે. અલગાવવાદીઓ ‘કાશ્મીરિયત’ના નામે આતંક ફેલાવે છે. સ્થાનિક રાજકારણ તેમાં રોટી શેકે છે. યાદ રહે કે કાશ્મીરી લડાખી બૌદ્ધો અને જમ્મુના પંડિતો આ ઉગ્રવાદની સાથે સામેલ નથી, પછી ‘કાશ્મીરિયત’ કેવી અને કોની?
છેલ્લી વાત ‘ભારત બંધ’ની કરીએ. આ ‘બંધ’ ભાવવધારાના વિરોધ માટે હતો. મોંઘવારી, ફુગાવો, ઉત્પાદન, આયાત-નિકાસ, જીડીપી... આ બધાં પરબિળોનો છેવટનો મુકામ સામાન્ય માણસના જીવનમાં અભાવ લાવતો હોય તો તેણે વિરોધ કરવો જોઈએ કે નહીં? લોકશાહીમાં શાસનકર્તા અને વિપક્ષ-આ બે પરબિળો રહેવાનાં છે એટલે વિપક્ષને પ્રજાકીય લાગણીના પ્રવકતા બનવાનો અધિકાર અને ફરજ પણ છે.આપણા જૂના તરીકાઓ હવે અસરવિહોણા થઈ ગયા. ક્યાંક તો મશ્કરીને પાત્ર બને છે. જાહેરાત થાય ‘આમરણ અનશન’ની અને પહેલેથી લીંબુપાણીથી પારણાં કરાવવાની તૈયારી પણ ચાલે!
‘ગાંધી માર્ગે અનશન’ શબ્દપ્રયોગ કરનારાઓએ ચેતવા જેવું છે કે ખુદ ગાંધીએ ‘આમરણ અનશન’ જાહેર કરનારાઓએ છેવટ સુધી અનશન કરવા જોઈએ તેવું સાફસાફ જણાવ્યું હતું.આપણા ધરણાં સવારથી સાંજ સુધીના હોય છે, હડતાળોમાં મોટા ભાગે બળજબરી કરાય છે, ડોક્ટરો, શિક્ષકો અને વકીલો હડતાળ પાડે તેને લોકો આદર કઈ રીતે આપે? હાલનો ભારત બંધ અપવાદ સાબિત થયો કે કોઈ મોટાં તોફાનો ન થયાં, પણ પછી શું? આ સવાલ ખરા અર્થમાં જેમને વિરોધ કરવો છે તેમને થવા લાગ્યો છે. આજની સ્થિતિનો ઉકેલ સમજૂતીમાં હોઈ શકે અથવા વધુ અસરકારક વિરોધમાં.
સમજૂતીના રસ્તા માટે દેશના બિન-રાજકીય, વિભિન્ન ક્ષેત્રના મહાનુભાવો સરકાર પર દબાણ લાવે અને મોંઘવારી ઘટાડવાનાં પગલાં લેવાય એમ બની શકે. બીજો રસ્તો, જેઓ મોંઘવારી માટે સીધા જવાબદાર છે તેવા કૃષિ, પેટ્રોલિયમ વગેરે વિભાગોના પ્રધાનોને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવે. પાછા બોલાવવાનો અધિકાર તો આપણા બંધારણે આપ્યો નથી, પણ રાજીનામું માગવાનો પ્રજાકીય અધિકાર તો છે જ. બે-ચાર પ્રધાનો લોકલાગણી સાથે સંમત થઈને રાજીનામાં આપશે તો સરકારને મોંઘવારી ઘટાડવા પુનવિચારની ફરજ પડશે. આ ‘બંધ’ કરતાં અસરકારક માર્ગ છે.
વિષ્ણુ પંડ્યા લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.