જીવનના દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ થવાનો પ્રયાસ ન કરો. દુનિયામાં કોઈ પણ મહિલા આદર્શ બની શકતી નથી, આથી જો તમે એમ કરવાનો પ્રયાસ કરશો તો ટેન્શન તો આવવાનું જ છે.
આપણામાંથી મોટાભાગના લોકો મહિલાઓ પ્રત્યે નાના-મોટા ગુનાઈત કાર્યમાં જરૂર સંડોવાયેલા હોય છે. આપણે તેમના ન્યાયાધીશ બની જઈએ છીએ, તેમની પાસે જરૂર કરતાં વધુ અપેક્ષા રાખીએ છીએ, તેમના વ્યક્તિત્વનો વિકાસ થવા દેતા નથી.
તાજેતરમાં જ નીલસેન દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, દુનિયામાં ભારતીય મહિલાઓ સૌથી વધુ ટેન્શનમાં રહે છે. ભારતની ૮૭ ટકા મહિલાઓ મોટાભાગનો સમય તણાવમાં હોય છે, જ્યારે અમેરિકા જેવા દેશમાં ફક્ત ૫૩ ટકા મહિલાઓ જ તણાવમાં રહેતી હોય છે. આ આંકડાએ મને ટેન્શનમાં નાખી દીધો છે. અંતે આપણે મહિલાઓ સાથે એવું તો શું કરી રહ્યા છીએ? મારા મતે ભારતીય મહિલાઓ દુનિયામાં સૌથી વધુ સુંદર હોય છે. આપણે તેમને દરેક ભૂમિકામાં પ્રેમ કરતાં હોઈએ છીએ.
શું તમે મહિલાઓ વગરના જીવનની કલ્પના કરી શકો છો? જો મહિલાઓ ન હોય તો દુનિયા અસ્ત-વ્યસ્ત, આક્રમક અને અહંકારી પુરુષોનું એક ટોળું બનીને રહી જશે. પુરુષો દ્વારા શાસિત દુનિયામાં શરીરની દુર્ગંધ હશે, કપડાં આમ-તેમ ફેલાયેલાં હશે અને ફ્રિજમાં ખાવાનું કશું નહીં હોય. મનોરંજનઉદ્યોગનું તો મરણ જ થઈ જશે, કેમ કે અભિનેત્રીઓ વગર ફિલ્મો કોણ જોવા જશે? જે દુનિયામાં મહિલાઓ નહીં હોય, તેમાં ઉપેક્ષિત બાળકો દસ વર્ષની ઉંમર સુધી પહોંચતા સુધીમાં તો તેઓ કોઈને કોઈ નશાનો શિકાર બનશે અથવા તો માનસિક રીતે બીમાર થઈ જશે. પુરુષશાસિત દુનિયાના નેતાઓ નાની અમથી વાત પર ગુસ્સે થઈ જશે અને બોમ્બ ફેંકવા માટે હંમેશાં તત્પર રહેશે. સમગ્ર વાતનો સાર એ છે કે મહિલાઓ અને તેમના શિસ્ત વગર આખી દુનિયા ખાડામાં જશે.
આપણા દેશમાં નારી જાતિ સાથે કેવું વર્તન કરવામાં આવે છે એ જોઈએ. આપણે જન્મતાં પહેલાં જ તેની હત્યા કરીએ છીએ, કે પછી ઉછેર દરમિયાન તેની ઉપેક્ષા કરવામાં આવે છે, તેની સાથે બળાત્કાર ગુજારાય છે અથવા તો ઓનર કિલિંગ હેઠળ તેને મારી નાખવામાં આવે છે. એ વાત સાચી કે બધા લોકો આવા ગુનાઈત કાર્યો કરતાં નથી. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો મહિલાઓ પ્રત્યે નાના-મોટા ગુનાઈત કાર્યમાં જરૂર સંડોવાયેલા હોય છે. આપણે તેમના ન્યાયાધીશ બની જઈએ છીએ, તેમની પાસે જરૂર કરતાં વધુ અપેક્ષા રાખીએ છીએ, તેમને યોગ્ય સ્થાન આપતાં નથી અને તેમના વ્યક્તિત્વનો વિકાસ થવા દેતા નથી. જરા કલ્પના કરો કે જો આ બધું જ પુરુષોએ કરવાનું રહેતું તો શું તેઓ પણ ટેન્શનમાં રહેતા કે નહીં?
સામાન્ય રીતે આ બાબત ફક્ત મહિલાઓને જ લાગુ નથી પડતી. આપણે ભારતીયો એવી દરેક વ્યક્તિનું શોષણ કરીએ છીએ જેની પાસે કોઈ અધિકાર હોતો નથી. આપણે ત્યાં દેવીઓ, વરિષ્ઠ અને પ્રભાવશાળી મહિલાઓ, મહિલા નેતાઓ વગેરે તમામ સન્માનને પાત્ર હોય છે પરંતુ બીજી મહિલાઓ નહીં. જે સમાજ સત્તાને સમાનતા અને ન્યાયથી ઉપર રાખે છે, તે વધુ સફળતા મેળવી શકતો નથી. આવો સમાજ પ્રગતિની દોડમાં પાછળ રહી જાય છે, કેમ કે તે સત્તાવિહીન લોકોને આગળ વધવાની તક આપતો નથી, પછી ભલે તેઓ પ્રતિભાશાળી જ કેમ ન હોય. આપણે જ્યારે મહિલાઓને આગળ વધતી રોકીએ છીએ ત્યારે દેશની અડધી વસ્તીને આગળ વધતી રોકી દઈએ છીએ.
શોષણકારી પ્રવૃત્તિઓને બદલાતાં થોડો સમય લાગશે, પરંતુ વર્તમાનમાં ભારતીય મહિલાઓને તણાવ ઓછો કરવા માટે હું થોડાં સૂચન કરવા માગું છું. પ્રથમ સૂચન એ છે કે તેઓ એવું ક્યારેય ન સમજે કે તેમની પાસે કોઈ તાકાત નથી. તમે જ્યાં છો ત્યાં જ રહો, કોઈ બીજી વ્યક્તિ બનવાનો પ્રયાસ ન કરો. જો ઓફિસમાં સારું કામ કરી રહ્યાં છો અને તમારા અધિકારી તમારું સાચું મૂલ્યાંકન નથી કરતા તો તેને એ વાત જણાવો અથવા તો નોકરીને તિલાંજલિ આપી દો. પ્રતિભાશાળી-મહેનતુ લોકોની જરૂર સૌને હોય છે. ત્રીજું સૂચન એ છે કે તમારી જાતને શિક્ષિત કરો. તમારી ક્ષમતા અને નેટવર્ક વધારો.
આર્થિક રીતે સ્વતંત્ર થવાનો માર્ગ શોધો. ચોથું સૂચન એ છે કે પરિવાર અને કારકિર્દીની બમણી જવાબદારીથી તણાવગ્રસ્ત ન બનો. આ વાત કપરી જરૂર છે પરંતુ અશક્ય નથી. વાત એમ છે કે જીવનના દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ થવાનો પ્રયાસ ન કરો. તમે હંમેશાં સો ટકા માર્ક મેળવી શકતા નથી. જો તમે લંચમાં ચાર વ્યંજન નથી બનાવી શકતી તો કોઈ વાત નહીં, કેમ કે એકથી પણ પેટ ભરી શકાય છે. જો તમે અડધી રાત સુધી કામ નથી કરતા અને તમને પ્રમોશન નથી મળતું તો પણ ચિંતા કરવાની જરૂર નથી.
મૃત્યુના દિવસે આપણે એ વાત યાદ નથી કરતા કે કઈ પોસ્ટ પર આપણે નોકરી કરતા હતા. પાંચમુ અને સૌથી જરૂરી સૂચન એ છે બીજી મહિલાઓ સાથે હરીફાઈમાં ન ઊતરો. કોઈ મહિલાઓ સ્કૂલ પ્રોજેક્ટ માટે સારી સ્ક્રેપબુક તૈયાર કરી શકતી હોય તો કોઈ પોતાના આરોગ્યનું સારું ધ્યાન રાખી શકતી હોય છે. હંમેશાં કોઈ રિપોર્ટકાર્ડ માટે રાહ ન જુઓ અને કલાસમાં પ્રથમ આવવાનો પ્રયાસ ન કરો. દુનિયામાં કોઈ પણ મહિલા આદર્શ નથી બની શકતી, આથી જો તમે એમ કરવાનો પ્રયાસ કરશો તો ટેન્શન તો આવવાનું જ છે.
આથી, ઊંડો શ્વાસ લો, મગજને ઠંડું રાખો અને શાંત રહો. તમારી જાતને કહો કે તમે સુંદર છો. જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી શાંતિ છીનવી લેવાનો પ્રયાસ કરે છે તો એ તેની ભૂલ છે, તમારી નહીં. આ પૃથ્વી પર તમારો જન્મ એટલા માટે નથી થયો કે દરેકને સંતુષ્ટ કરી શકો. તમારો જન્મ એટલા માટે થયો છે કે તમારા તરફથી કંઈક યોગદાન આપી શકો અને તેના બદલામાં એક સારું જીવન પસાર કરો.
ચેતન ભગત, લેખક અંગ્રેજી સાહિત્યના યુવાન નવલકથાકાર છે.