અગાઉની બે ચૂંટણી કરતાં આ વખતે સમરસ ગ્રામ-પંચાયતોની સંખ્યા ઘટી છે. બીજી બાજુ નવું પાસું એ ઉમેરાયું છે કે, અગાઉ કરતાં મહિલા સમરસ પંચાયતોની સંખ્યાનું પ્રમાણ વધ્યું છે.
તાજેતરમાં ગુજરાતમાં ૧૦ હજાર જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણીઓ યોજાવાની હતી તેમાંથી ૨૧૨૪ જેટલી ગ્રામપંચાયતો બિનહરીફ એટલે કે સમરસ બની, જ્યારે ૮૨૦૦ જેટલી ગ્રામપંચાયતોમાં ગ્રામીણ પ્રજાએ લોકશાહી ઢબે ચૂંટણી થકી પોતાની સંસદ રચી. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં સરકારી પ્રોત્સાહક નીતિને કારણે સમરસ ગ્રામપંચાયતો બનાવવાનું વલણ વધ્યું છે. આમ છતાં ૨૦૦૧માં ૩૯૦૦ જેટલી, ૨૦૦૬માં ૪૩૦૦ જેટલી જ્યારે ૨૦૧૧માં ૨૧૨૪ જેટલી ગ્રામપંચાયતો સમરસ બની છે. એટલે કે અગાઉની બે ચૂંટણી કરતાં આ વખતે સમરસ ગ્રામપંચાયતોની સંખ્યા ઘટી છે. બીજી બાજુ નવું પાસું એ ઉમેરાયું છે કે, અગાઉ કરતાં મહિલા સમરસ પંચાયતોની સંખ્યાનું પ્રમાણ વધ્યું છે. કેટલીક જગ્યાએ ૫૦ને બદલે ૧૦૦ ટકા મહિલા અનામતોવાળી ગ્રામપંચાયતો રચાઈ છે.
ગુજરાતમાં આજેય એવાં કેટલાંક ગામો છે કે જ્યાં ૪૦ કે ૫૦ વર્ષથી કે બે-ત્રણ કે ચાર મુદતથી ચૂંટણી જ યોજાઈ નહોય. બોરસદ તાલુકાની સિસ્વા ગામની આખી ગ્રામપંચાયત ૧૮થી ૨૧ વર્ષની વયની અપરિણીત યુવા મહિલાઓની સમરસ પંચાયત બની છે, તો બેચરાજી તાલુકાના ચાંદણકી ગામની ૫૪થી ૭૦ વર્ષની વૃદ્ધ મહિલાઓની સમરસ પંચાયત રચાઈ છે.
જ્યાં સમરસ પંચાયતો રચાઈ નથી અને મતદાનથી ચૂંટણી યોજાઈ છે ત્યાં પણ ૭૦ ટકાથી ઓછું મતદાન થયું નથી અને સરેરાશ મતદાન ૭૮ ટકા જેટલું થયું છે. આમ પ્રજાએ સમરસની પેઠે લોકશાહી ઢબની ચૂંટણીમાં પણ એટલો જ વિશ્વાસ દાખવીને ઉત્સાહ દર્શાવ્યો છે.
ગ્રામપંચાયતોની ચૂંટણીઓને કારણે ગામડાઓમાં જ્ઞાતિવાદ અને વેરઝેર વકરતાં. હિંસા પણ થતી. જેની અસર ગ્રામીણ વિકાસ પર થતી. આવી સ્થિતિમાં આખા ગામની ગ્રામસભા બહારના સત્તાપક્ષના રાજકીય આગેવાનો કે સરકારી અધિકારીઓની હાજરીમાં બધી જ્ઞાતિઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે રીતે સમરસ ગ્રામપંચાયત રચે તે આવકાર્ય અને ઇચ્છનીય છે. પણ મોટા ભાગે સમરસમાં ગામમાં જે જ્ઞાતિનું પ્રભુત્વ અને જનસંખ્યા વધુ હોય તેના જ સભ્યો યા પૂર્વ સરપંચની પત્ની, પુત્રી કે પુત્રવધૂઓ સમરસ બનતાં હોય છે અને પંચાયતોનો ડમી વહીવટ ચાલતો હોય છે. સિસ્વા પંચાયતમાં જ એક જ જ્ઞાતિની ૧૦ અને ૨ બીજી જ્ઞાતિની મહિલા સભ્યો સમરસ બની છે.
લોકશાહીમાં ચૂંટણી ન યોજનાર ગામને વધુ વિકાસ સહાય ભંડોળ કે ઇનામ આપવામાં આવે અને ચૂંટણીથી પ્રતિનિધિઓ ચૂંટે છે તેમને આ વધુ વિકાસ ભંડોળનો લાભ મળતો નથી તે લોકશાહીમાં યોગ્ય ગણાય? એક બાજુ સ્ત્રી-પુરુષ અસમાનતા ઘટાડવા ૫૦ ટકા અનામત લવાય છે તો બીજી બાજુ પુરુષો વગરની ૧૦૦ ટકા મહિલા પંચાયતોથી પણ અસમાનતા નહીં ગણાય? વિધાનસભા, સંસદમાં ફરજિયાત મતદાનની જોગવાઈ સામે સ્થાનિક સ્વરાજમાં સમરસ પïતિ લોકશાહીમાં વિરોધાભાસી લાગે છે.
ગાંધીજી ઇચ્છતા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી રાજકીય પક્ષો અલપિ્ત રહે, પણ દુભૉગ્યે એવું બનતું નથી. સમરસની પ્રક્રિયાથી માંડીને ચૂંટણીનાં પરિણામોમાં જીતના દાવા સુધી રાજકીય પક્ષો સક્રિય હોય છે. એટલું જ નહીં, ચૂંટાયેલા સરપંચોના પક્ષીય નેજા હેઠળ સંમેલનો પણ યોજે છે. તેને બદલે સભ્યોને યોગ્ય વહીવટી તાલીમ અપાય તે જરૂરી છે. ગુજરાતમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ આ દિશામાં કામ કર્યું છે. ૫૦ જેટલી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા સરપંચો વિશે આલેખન પણ થયું છે.
કચ્છ, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં દલિત મહિલા સરપંચોએ ઉત્તમ કામ કર્યાના ઉદાહરણો પણ છે. પણ આવાં સરપંચો કહ્યાગરાં ન બનતાં તેમને હોદ્દા પરથી દૂર કરવાની સાજિશો પણ થઈ છે. રાજ્ય સરકારે આ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓને પણ સંશોધન કાર્યમાં જોડવી જોઈએ.
સમરસ પંચાયતો ગામમાં પીવાનું પાણી, આરોગ્ય, રસ્તા વગેરે પ્રાથમિક સુવિધાઓને જરૂર અગ્રીમતા આપે પણ સાથે સાથે ગામની પ્રા.શાળા અને આરોગ્ય કેન્દ્રની દશા અને તેની જરૂરિયાતો, બાળકોની હાજરી, ગામમાં દારૂની વધતી બદી, ઘટતો કોમી સદ્ભાવ અને વધતો જ્ઞાતિવાદ, અસ્પ્úશ્યતા અને મંદિરપ્રવેશ, મહિલાઓને રોજી તથા બચત પ્રવૃત્તિ, ખેતી-પશુપાલન સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભ, ચૂંટણીઓ સમયે મતદાન, બેટી બચાવો અને જીવલેણ રોગો સામે અભિયાન, જાહેર અને અંગત સ્વચ્છતા, પાણી-વીજળીની બચત જેવા અનેક મુદ્દાઓ પર અસરકારક કામગીરી બજાવી શકે.
આજે રાષ્ટ્રપતિથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ તથા રાજકીય પક્ષોના ઉચ્ચ પદો પર સંસદમાં મહિલાઓ છે. ગુજરાતની ૧૭૦૦થી વધુ મહિલા સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓનું સંચાલન માત્ર મહિલાઓ કરે છે. આવા સમયે ગાંધીજીની મૂળ વાત મહિલા પરિવાર અને બાળઉછેર તરફ ઓછું ધ્યાન આપશે તે યોગ્ય નહીં ગણાય તે પણ એટલી જ સાચી છે. મહિલા સશકતીકરણના યુગમાં ઘરડાંઘર વધે તે દુ:ખદ છે, તેટલું જ નર્સરી અને ઘોડિયાઘર વધે તે પણ યોગ્ય નહીં કહેવાય.
સાચી જાગૃતિ, સાચો ગ્રામવિકાસ
મહિલા સશકતીકરણના યુગમાં ઘરડાંઘર વધે તે દુ:ખદ છે, તેટલું જ નર્સરી અને ઘોડિયાંઘર વધે તે પણ યોગ્ય નહીં કહેવાય.