રક્ષાબંધનની ઉજવણીની ફીલિંગ હજુ તાજી જ છે. ભલે આપણી શહેરી દુનિયામાં રાખડીનું સ્વરૂપ આધુનિક સમયના હિસાબે વધારે ચમકવાળું થઈ ગયું હોય, પરંતુ આજે પણ તેની સાથે પહેલાં જેવી જ મજબૂત ભાવનાઓ જોડાયેલી છે. હું તમને મરાઠા અને રાજપૂતાના કાળમાં લઈ જઉં છું. ભારતીય ઈતિહાસમાં એવાં અનેક ઉદાહરણો છે, જ્યાં રાજપૂત અને મરાઠા રાણીઓએ આ મહત્વપૂર્ણ દિવસના ઉપલક્ષ્યમાં મુગલ શાસકોને રાખડીઓ મોકલી હોય. વાસ્તવમાં મહાન પોરસે પણ યુદ્ધમાં સિકંદરનું નામોનિશાન એટલા માટે નહોતું મિટાવ્યું કારણ સિકંદરની પત્નીએ પોરસના હાથે રાખડી બાંધી હતી.
જોકે એ સ્પષ્ટ નથી કે સિકંદરની કઈ પત્ની એ પોરસને રાખડી બાંધી હતી. સિકંદરની પત્નીએ પોરસને રાખડી બાંધતી વખતે વચન મેળવ્યું હતું કે, તે તેના પતિ (સિકંદર)ને નુકસાન નહીં પહોંચાડે. રાખડીએ અનેક અજાણ્યા લોકોને નજીક લાવીને ભાઈ-બહેનની જેમ એક મજબૂત બંધનમાં જોડી દીધાં છે. હવે તેને કોર્પોરેટ જીવનના હિસાબે જોઈએ.
અનેક કંપનીઓ વચ્ચે અરસ-પરસ એક સમજ વિકસિત થતી હોય છે કે, ફલાણા બજારમાં એકબીજા સાથે સ્પર્ધા નહીં કરે. તે વર્ષો સુધી આ વાત પર ટકી રહે છે, એટલા માટે નહીં કે તેમની પત્નીઓએ વિરોધીના હાથે રાખડી બાંધી છે, પરંતુ તે પોતાના વચનની પાક્કી હોય છે. ભારત તહેવારોનો દેશ છે અને એવા અનેક પ્રસંગો આવે છે, જ્યારે તમે મીઠાઈ, ભેટ મોકલીને કે પ્રતીકાત્મક રૂપે રાખડી બાંધીને વિરોધી ગ્રૂપ સાથે યોગ્ય સમજ વિકસિત કરી શકો છો.
વાસ્તવમાં ભાવનાઓથી ભરપૂર આ પ્રકારનાં બંધનોનાં ઉદાહરણ અનેક સંસ્કૃતિઓમાંથી મળે છે, પરંતુ દુભૉગ્યે સમય સાથે આ પરંપરાઓનું મહત્વ ઘટી રહ્યું છે. કારણ, આજે માણસ પહેલાંની સરખામણીએ ઉન્નત થઈ ગયો છે અને તેને પોતાના આર્થિક વિકાસ માટે આ પ્રકારના રિવાજો પોષવામાં વધારે રસ નથી.
એક રીતે જોઈએ તો સિકંદરની પત્નીએ દીર્ઘદ્રષ્ટિ વાપરીને આ પ્રકારની ભાવનાઓનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો, પરંતુ આધુનિક સમયમાં આપણે આ ભાવનાઓને નેપથ્યમાં ધકેલી દીધી છે અને બજારમાં દયાવિહોણું વ્યવસાયી યુદ્ધ લડી રહ્યા છીએ.
ફંડા એ છે કે, આપણે ભાવનાત્મક ધરાતલ પર પ્રતિસ્પર્ધીઁ જૂથ સાથે મજબૂત બંધનનું નિર્માણ કરવું જોઈએ. સંબંધોની મજબૂતી વ્યક્તિને સફળતાના માર્ગ પર આવતા અવરોધો સામે ટકવાનું જોમ પૂરું પાડે છે.