વિજય વસંદાની જ્યારે ચૌદ વર્ષના હતા ત્યારે એક દુર્ઘટનામાં તેમને સાંભળવાની ક્ષમતા ગુમાવવી પડી. તેઓ સામાજિક ઉપેક્ષાઓનો ભોગ બન્યા. શિક્ષણ મેળવવામાં, સમાજમાં અને લગ્નમાં પણ તેમને ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો. દરેક વખતે તેમને નીચા દેખાડવાનો પ્રયાસ થતો પરંતુ તેઓ હિંમત હારતા નહીં. જોકે સમાજની આ ઉપેક્ષા તેમના મગજમાં એટલી ઘૂસી ગઈ કે તેમણે એમબીબીએસના ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની આ નબળાઈને છુપાવવું જ ઉચિત માન્યું.
જેમ-તેમ કરીને તેમણે એમબીબીએસ અને પછી એમડીનો અભ્યાસ પૂરો કર્યો. આમ છતાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જતા તો તેમને પોતાની આ ખામીને છુપાવવી પડતી. અંતે ઉપેક્ષાથી થાકીને તેમણે રાજસ્થાન હાઈકોર્ટમાં અક્ષમતા કાયદાને લાગુ ન કરવા વિરુદ્ધ એક જાહેર હિતની અરજી દાખલ કરી. ચુકાદો તેમના પક્ષમાં આવ્યો.
તેમને રેલવેમાં મેડિકલ ઓફિસરની નોકરી મળી ગઈ. ત્યાર બાદ તેમને રાજ્ય સરકારમાં પણ મેડિકલ અધિકારીના પદ પર નોકરી મળી. અહીં તેમને રાજ્યમાં પલ્સ પોલિયો કાર્યક્રમને લાગુ કરવાની જવાબદારી સોંપાઇ. સાંભળી ન શકવાના કારણે બેઠકોમાં તેમને મુશ્કેલી પડતી. તેમના સહયોગીઓ પણ મદદના બદલ અપમાન કરતા.
આમ છતાં તેમણે કાર્યક્રમને સફળ બનાવ્યો. ત્યાર બાદ તેમની જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં બદલી કરવામાં આવી. સપ્તાહમાં બે દિવસના બદલે ડૉ.. વસંદાનીને સાતેય દિવસની ડ્યૂટી સોંપાઈ. અહીં પણ તેમણે દર્દીઓ સાથે એવી આત્મીયતા કેળવી કે તેઓ લોકપ્રિય બની ગયા. તેઓ દર્દીની નાડી પકડીને જે રોગ થયો છે તે જણાવી દેતા. એક વખત તેમની પાસે આવેલો દર્દી બીજા ડોક્ટર પાસે જતો નહીં. જયપુરમાં તેઓ આજે વસંદાનીના નામે ખૂબ જ જાણીતા છે.
ability@abilityfoundation.org
એબિલિટી ફાઉન્ડેશનની પત્રિકા સક્સેસ એન્ડ એબિલિટીના સૌજન્યથી.