કોઈ એક એવું ઘર બતાવો જ્યાં બાળકોને વધારે કાર્ટૂન જોવા બદલ ટોકવામાં ન આવતાં હોય. દરેકની એ ફરિયાદ છે કે ટીવી પર લાંબા સમય સુધી કાર્ટૂન જોતાં બાળકો કાઉચ પોટેટો બની રહ્યાં છે. એક તરફ બાળ રોગ નિષ્ણાત બાળકોમાં વધતી મેદિસ્વતાથી પરેશાન છે, તો બીજી તરફ વિકસિત દેશોનાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞ બાળકોને સક્રિય બનાવવા પ્રયાસરત છે. તેમનો ઉદ્દેશ્ય ટીવી જોતાં બાળકોને સક્રિય રાખવાનો છે. એ પણ એવાં કાર્ટૂન પાત્રો સામે, જેમણે તેમને આળસુ બનાવ્યાં છે.‘સ્કૂબી ડૂ’ દરેક પાત્રોમાં સવૉધિક સ્વસ્થ છે, કારણ તે હંમેશાં કોઈ ને કોઈ કારણોસર દોડતું રહે છે.
બ્રિટનના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા કરાયેલાં સર્વેમાં સ્કૂબી ડૂને બાળકોના કાર્યક્રમોમાં સૌથી સ્વસ્થ શો ગણવામાં આવ્યો. આ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે નિષ્ણાતોને ૨૦૦ કલાક બાળકોના કાર્યક્રમો જોવા પડ્યા. સર્વેમાં લોકપ્રિય ૨૦ કાર્યક્રમોને સામેલ કરાયા. જેમાં તેમણે એ જોવાનું હતું કે, આખા શોમાં કેટલી વખત કાર્ટૂન પાત્ર શારીરિકસ્તરે સક્રિય રહે છે. જેમાં સ્કૂબી ડૂ ઉપરાંત ટોમ એન્ડ જેરી, ડોરા ધ એક્સપ્લોરર, સ્પાંજબોબ સ્કવોયરપેન્ટ્સ, ગાર્ફીલ્ડ, પેપા પિગ, શોન ધ શિપ, બોબ ધ બિલ્ડર, બેન ૧૦, પોસ્ટમેન પેટ, આઇકાર્લી, હોરિડ હેનરી, ટ્રેસી બીકર, ચાર્લી એન્ડ લોલા અને ધ સિમ્પસન્સને સામેલ કરવામાં આવ્યા હતા.
વૈશ્વિકસ્તર પર બાળકોને કાર્ટૂન પાત્રોની જેમ સક્રિય બનાવવા માટે અપાતું પ્રોત્સાહન ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે. ઉદાહરણ તરીકે દોડતાં રહેવા માટે પ્રેરણા આપવામાં સ્કૂબી ડૂ ઉપયોગી થઈ રહ્યું છે. દોડવાથી સમગ્ર ફિટનેસ પર અસર પડે છે. મોટા થઈ રહેલાં બાળકો માટે જોની બ્રાવો ઉપયોગી અને આકર્ષક પાત્ર છે. તે બાળકોને ફિટ અને શેપમાં રહેવા પ્રેરિત કરે છે. ફંડા એ છે કે, મનોરંજન કરતાં કાર્ટૂન પાત્ર અનેક સમસ્યાના વાહક પણ છે. એ આપણા પર છે કે, આપણે કેવી રીતે તેનો ફાયદો ઉઠાવીએ છીએ. વાસ્તવમાં તેમની મદદથી બાળકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરી શકાય છે. raghu@bhaskarnet.com