દરેક ઉત્પાદક પોતાની વસ્તુઓ શહેરી બજારમાં વેચવા ઇચ્છતો હોય છે, પરંતુ તેની ઇચ્છા આ ઉત્પાદનોને ગ્રામીણ બજારમાંથી મેળવવાની હોય છે, કેમ કે ત્યાં તે સસ્તાં પડતાં હોય છે. ભારતમાં સૌથી મોટી સમસ્યા આ બંને બજારો વચ્ચેના જોડાણની છે. માછલીબજારનું જ ઉદાહરણ લઈએ. માછલીઓ ગામના સુરમ્ય, સ્વચ્છ અને શાંત વાતાવરણમાંથી એકઠી કરવામાં આવે છે પરંતુ શહેરની વસ્તીને હાઈજેનિક રીતે સારી અવસ્થામાં સી ફૂડ ઉપલબ્ધ કરાવવા માટે કોલ્ડ સ્ટોરેજની એક શ્રૃંખલા હોવી જોઈએ, જે જોવા નથી મળતી. અનેક દેશોમાં વ્યવસાયીઓ કોલ્ડ સ્ટોરેજ સેવાની વ્યવસ્થા સાથે જોડાયેલા છે. તેઓ આવી પ્રોડકટ માટે કોલ્ડ સ્ટોરેજની શ્રૃંખલા ઉપલબ્ધ કરાવે છે. આનો અર્થ એ નથી કે ભારતમાં આ સેવા આપનારા નથી, પરંતુ સી ફૂડ મૂવર જેવી વિશેષ સેવા આપી શકે તેટલી વ્યવસ્થિત અને ઉન્નત નથી.
જર્મનીના જથ્થાબંધ વહેપારી મેટ્રો કેશ એન્ડ કેરીને ગામડાંઓમાંથી આ ઉત્પાદનને શહેરના બજાર સુધી લઈ જવામાં ઘણી મુશ્કેલી નડી. આથી તેણે પોતાની જ એક આખી સિસ્ટમ ઊભી કરી નાખી. એવું નથી કે ફક્ત ભારતમાં જ આવા સહાયક તંત્રનો અભાવ છે. કોઈ પણ વિકસતા દેશ કે બજારને આવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે. પશ્ચિમ જગતમાંથી અનેક કંપનીઓ પોતાનો વ્યવસાય સ્થાપવા માટે અહીં આવીને પ્રયાસ કરે છે. કેટલીક બાબતોને તેઓ નજરઅંદાજ કરે છે અને પછી અચાનક તેમને અહેસાસ થાય છે કે નવા વિકસતા બજારમાં સહાયક તંત્ર નામની કોઈ ચીજ જ નથી. રશિયામાં મેકડોનાલ્ડનું ઉદાહરણ લઈએ.
ત્રણ દાયકા અગાઉ રશિયામાં પગરણ માંડતાં મેકડોનાલ્ડને જાણવા મળ્યું કે પરંપરાગત સેવા વ્યવસાયીઓ રાજકીય કારણોને લીધે રશિયા આવવા માગતા ન હતા. મેકડોનાલ્ડને અહીં પોતાની જ એક હોર્ટિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, પરિવહન પ્રણાલી, એક શિક્ષણ સંસ્થા, એક ક્લિનિંગ સર્વિસ તથા ગુણવત્તાની તપાસ કરનારી લેબોરેટરીની સ્થાપના કરવી પડી. સ્વચ્છ અને ઉત્તમ ક્વાલિટીના ફાસ્ટ-ફૂડ વેચવા માટે આ તમામ બાબતો જરૂરી હતી અને મેકડોનાલ્ડે માની લીધું હતું કે રશિયામાં તે મળશે જ. જોકે પછી રશિયામાં મેકડોનાલ્ડ પોતાનો વ્યવસાય વધારવામાં સફળ રહી. ફંડા એ છે કે જ્યારે તમારા દેશમાં કોઈ મોટી આંતરરાષ્ટ્રીય કંપની આવી રહી હોય તો સમજી લેવું કે વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડતા લોકો માટે નવી તકોના દ્વાર ઉઘડનારા છે.